સાર્ધ શતાબ્દી મહોત્સવ:માતૃભાષામાં શિક્ષણ-પુસ્તકાલય અને પુસ્તકો આપણી કેળવણીના પ્રાણ હોવા જોઇએ: રૂપાલા

અમરેલી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાવરકુંડલાની જીરા પ્રાથમિક શાળામાં સાર્ધ શતાબ્દી મહોત્સવ યોજાયાે

સાવરકુંડલા તાલુકાના જીરા પ્રાથમિક શાળા ખાતે સાર્ધ શતાબ્દી મહોત્સવ કેન્દ્રીય મંત્રી પરશોતમભાઇ રૂપાલાની ઉપસ્થિતિમા યોજાયો હતો. અહી શાળાની દોઢસો વર્ષની ઉજવણી નિમીતે 33 ગુરૂજનોની વંદના કરવામા આવી હતી.આ પ્રસંગે બોલતા મંત્રી પરશોતમભાઇ રૂપાલાએ જણાવ્યું હતુ કે બાળકોને માતૃભાષામાં પ્રાથમિક શિક્ષણ આપવું જોઈએ.

આપણે બાળકોને કોઈ પણ ભાષા શીખવાડીએ પરંતુ માતૃભાષા અચૂક શીખવાડવી જોઈએ. માતૃભાષા, પુસ્તકાલય અને પુસ્તકો આપણી કેળવણીના પ્રાણ હોવા જોઈએ. તેમણે નવી શિક્ષણ નીતિ અને તેમાં પણ ખાસ કરીને પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં આપવાના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રેરક વિચારોને રજૂ કર્યા હતા.

શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે દેશના વિકાસમાં નાગરિકોનો ફાળો કેવો હોવો જોઈએ તેનું ઉદાહરણ આજે જીરા ગામના રહેવાસીઓએ આપ્યું છે. શાળા પ્રવેશોત્સવને ટાંકતા જીતુભાઈ વાઘાણીએ જણાવ્યુ કે રાજ્યમાં અનેકગામ એવાં છે જ્યાં જાગૃત્ત સમાજના કારણે ગામે એકઠા થઈને શાળા માટે ખૂબ મદદ કરી છે. હું આવાં ગામોને અને શાળાને પણ અભિનંદન આપું છું.

આ તકે સાંસદ સી.આર.પાટીલે જણાવ્યુ હતુ કે શિક્ષણનું કાર્ય હોય અને આટલી મોટી સંખ્યામાં લોકો એકઠા થતા હોય ત્યારે શિક્ષણ માટે લોકોમાં જાગૃત્તિ આવી છે એ સ્પષ્ટ છે. તેમણે જીરાના વિકાસ માટે દાન આપનારા દાતાઓને તેમના શિક્ષણ માટેના ઉમદા કાર્યને બિરદાવ્યા હતા. આ પ્રસંગે ગૃહ રાજયમંત્રી હર્ષભાઇ સંઘવીએ પણ ખાસ હાજરી આપી હતી. અહી સાંસદ નારણભાઇ કાછડીયા, જિલ્લા પંચાયત પ્રમુખ રેખાબેન મોવલીયા, જિલ્લા ભાજપ પ્રમુખ કોશિકભાઇ વેકરીયા સહિત આગેવાનાે ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...