'તાઉ-તે' વચ્ચે વધુ એક આફત:સાંજે વાવાઝોડું આવવાનું છે એ વિસ્તારોમાં 4.8ની તીવ્રતાનો ભૂકંપ; દીવ, ઉના, ગીર-સોમનાથમાં મધરાતે ધરા ધ્રૂજી

દીવ, ઉના, ગીર-સોમનાથ, અમરેલીએક વર્ષ પહેલા
ફાઇલ તસવીર.
  • ભૂકંપને પગલે લોકો મધરાતે જ ઘરની બહાર દોડી આવ્યા હતા

એક બાજુ હજુ તો વાવાઝોડાની આફત ટળી નથી ત્યાં વધુ એક કુદરતી આફત આવી છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં મધરાતે રાતે સાડાત્રણ વાગ્યાની આસપાસ ધરા ધ્રૂજી ઊઠી હતી, જેમાં જૂનાગઢ જિલ્લાના દીવ, વેરાવળ જિલ્લાના ઉના, ગીર-સોમનાથમાં ધરા ધ્રૂજી ઊઠી હતી. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ મુજબ 4.8 નોંધાઈ છે. આ ઉપરાંત અમરેલી જિલ્લામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. અમરેલીના રાજુલા, જાફરાબાદ સહિત આસપાસના વિસ્તારોમાં કંપન અનુભવાયું હતું. મહત્ત્વનું છે કે ભૂકંપને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો અને લોકો મધરાતે જ ઘરની બહાર દોડી આવ્યા હતા.મળતી માહિતી અનુસાર, મધરાતે જે વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે એ જ જગ્યાએ આજે સાંજે 'તાઉ-તે' વાવાઝોડું ટકરાશે તેવી શક્યતા છે.

સરકારે વાવાઝોડા સામે લડવા તૈયારી કરી
'તાઉ-તે' વાવાઝોડું સોમવારે ગુજરાતના કાંઠે આશરે 175 કિ.મી.ની ઝડપે ટકરાશે, એને લઈને રાજ્ય સરકારે સંપૂર્ણ તૈયારી કરી હોવાનો દાવો કર્યો છે. આ દરમિયાન રાજ્યમાં ઓરેન્જ અલર્ટ જાહેર કરીને બે દિવસ સુધી લોકોને ઘર બહાર નહીં નીકળવાની પણ અપીલ કરાઈ છે. આ દરમિયાન કાંઠા વિસ્તારના મોટા ભાગના જિલ્લામાં વરસાદ પડવાની શક્યતા છે, જ્યારે રાજ્યના 15 જિલ્લામાં 70થી 175 કિ.મી.ની ઝડપે પવન પણ ફૂંકાશે.

વાવાઝોડું 600 કિલોમીટર દૂર
આ દરમિયાન વાવાઝોડાની અગમચેતી રૂપે તૈયારીની સમીક્ષા કરવા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે વીડિયો-કોન્ફરન્સ કરી હતી. રાજ્યમાં સ્થિતિ બેકાબૂ ના થાય એ માટે સરકારે આર્મી, નૌસેના અને વાયુસેનાને પણ સ્ટેન્ડુ ટુ રહેવાનો નિર્દેશ આપ્યો છે. છે. આ સમીક્ષા બેઠક પછી મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે કહ્યું કે, વાવાઝોડું દક્ષિણ ગુજરાતથી વેરાવળ તરફ 600 કિ.મી. દૂર છે, જે 17મીએ ગુજરાતના દરિયા કિનારે આવશે અને 18મીએ પોરબંદરથી લઈને ભાવનગરના મહુવાને ક્રોસ કરશે.

અન્ય સમાચારો પણ છે...