સમસ્યાનો અંત:લુવારિયાથી ક્રાંકચ સુધી ગાગડિયો નદી ઉંડી ઉતારતા ખારાપાટના ખેડૂતોને ફાયદો થશે

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 18 કિમીનો પટ ઉંડો કરવા સવજીભાઇ ધોળકિયાની સંસ્થાના સરકાર સાથે એમઓયું

જાણીતા ઉદ્યોગપતિ સવજીભાઇ ધોળકીયાની સંસ્થા ધોળકીયા ફાઉન્ડેશન દ્વારા લાઠીના લુવારીયાથી લઇ લીલીયાના ક્રાંકચ સુધીના 18 કિમીના ગાગડીયા નદીના પટને ઉંડો ઉતારવામા આવશે. આ માટે સંસ્થા દ્વારા સરકાર સાથે એમઓયુ કરાયા છે. નદી ઉંડી થતા કાંઠાળ વિસ્તારમા પાણી રેલાવાની સમસ્યાનો પણ અંત આવશે અને ખેડૂતોને પણ ફાયદો થશે.

સવજીભાઇ ધોળકીયા દ્વારા હાલમા લાઠી અને લીલીયા તાલુકાના જળસંચયના કામો પર ભગીરથ કાર્ય કરવામા આવી રહ્યું છે. અગાઉ ધોળકીયા ફાઉન્ડેશનના માધ્યમથી તેમણે લાઠી બાબરા પંથકના 50 ગામોના ભુતળ ઉંચા આવે તે માટે જુદાજુદા જળસંચયના કામો કર્યા હતા. હવે લાઠીના લુવારીયાથી લઇ લીલીયા તાલુકાના ક્રાંકચ સુધીના વિસ્તારમા નવુ જળસંચય અભિયાન શરૂ કર્યુ છે.

આ વિસ્તારમાથી પસાર થતી ગાગડીયો નદી લાંબા સમયથી છીછરી બની છે. અહી દર ચોમાસામા ગાગડીયો નદીના પાણી કાંઠા તોડી આસપાસની ખેતીની જમીનો પર ફરી વળે છે. જેના કારણે ખેડૂતોના પાકને નુકશાન થાય છે. એક તો ખારોપાટ છે જેથી પાક પણ સામાન્ય આવે છે. અને ઉપરથી આવુ નુકશાન ખેડૂતોની આર્થિક કમર તોડે છે.

હવે સવજીભાઇ ધોળકીયાએ ગાગડીયો નદીને ઉંડી ઉતારવાનુ મહા અભિયાન હાથ પર લીધુ છે. તેમણે અગાઉ કરેલા જળસંચયના કામોને ધ્યાને લઇ સરકાર દ્વારા લુવારીયાથી ક્રાંકચ સુધીના 18 કિમીના પટને ઉંડો ઉતારવા એમઓયુ કર્યાનુ જાણવા મળેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ દેવળીયાથી અકાળા સુધી આ નદી પર જળસંચયના કામો કરવામા આવ્યા હતા. જેનાથી ખેડૂતોને મોટો ફાયદો થયો છે અને આ વિસ્તારની ખેતીની ઉપજ પણ વધી છે. ખાસ કરીને ખારાપાટ વિસ્તારના ખેડૂતો નદીના રેલાતા પાણીથી પણ પરેશાન છે.

ત્યારે હવે પાણી રેલાવાથી થતા નુકશાનમા ઘટાડો થશે અને ઉપરથી તળ ઉંચા આવવાથી ખેતી વધુ સમૃધ્ધ બનશે એમ બેવડો ફાયદો ખેડૂતોને થશે. અત્રે ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમા ખારાપાટને પગલે ખેતીની જમીનનુ કોઇ લેવાલ ન હતુ. જો કે હવે આ વિસ્તારમા ખેતીની જમીન પણ ત્રણથી ચાર લાખ રૂપિયે એક વિઘાનો ભાવ બોલાઇ રહ્યો છે.

અગાઉ 65 કરોડના ખર્ચે થયા જળસંચયના કામો
અગાઉ દેવળીયાથી લઇ અકાળા સુધીના વિસ્તારમા ગાગડીયો નદીના 18 કિમીના પટમા સરોવરો બાંધવાનુ જળસંચયનુ કામ હાથ ધરવામા આવ્યું હતુ. રૂપિયા 65 કરોડના ખર્ચે અહી જળસંચયના કામો થયા છે. ખેડૂતો આ વિસ્તારમા આવનારા સમયમા 500 કરોડની ઉપજ મેળવી શકશે તેવી ધારણા છે.

કયા કયા ગામોને થશે ફાયદો ?
અહી લુવારીયા ઉપરાંત સાજણટીંબા, અંટાળીયા, બોડીયા, ભેંસાણ, હાથીગઢ, સનાળીયા, ખારા, કુતાણા, ટીંબડી, ભોરીંગડા અને ક્રાંકચ ગામના લોકોને તો સીધો જ ફાયદો થશે. આ ઉપરાંત નજીકના વિસ્તારોમા પણ ભુતળ ઉંચા આવવાનો ફાયદો થશે.

111માં સરોવરનું કામ શરૂ છે: સવજીભાઇ
સવજીભાઇ ધોળકીયાએ જણાવ્યું હતુ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પુ.મોરારીબાપુની પ્રેરણાથી સરોવરના નિર્માણોનુ કામ શરૂ કર્યુ હતુ. 110 સરોવરનુ નિર્માણ પુર્ણ થયુ છે. હવે 111મા સરોવરનુ કામ શરૂ છે. લુવારીયાથી ક્રાંકચ વચ્ચે જળસંચયની કામગીરીથી સીધો જ ફાયદો ખેડૂતોને થશે.

અન્ય સમાચારો પણ છે...