ઉજવણી:મંત્રી ઈશ્વર સિહ પટેલની હાજરીમાં અમરેલીના ભંડારીયા ખાતે વન મહોત્સવની જિલ્લાકક્ષાની ઉજવણી કરાઇ

અમરેલી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાના અગ્રણીઓએ શાળાના પટાંગણમાં રોપાઓનું વાવેતર કરી વૃક્ષરથનું પ્રસ્થાન કરાવ્યું

ગુજરાત રાજ્યના સહકાર, રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, વાહન વ્યવહાર જેવા વિભાગોના રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં અમરેલી તાલુકાના મોટા ભંડારીયાની જવાહર નવોદય વિદ્યાલય ખાતે 72માં વન મહોત્સવ અંતર્ગત જિલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો.

મંત્રી ઈશ્વરસિંહ પટેલએ પ્રાસંગિક ઉદ્દબોધન કરતા જણાવ્યું હતું કે સમાજમાં લોકો પોતાના બાળકો માટે શહેરોમાં મિલ્કતો આપતા હોય છે, પરંતુ હવે આપણે સૌએ સાથે મળીને વધુમાં વધુ વૃક્ષો વાવી સારું પર્યાવરણ આપી આવનારી ભાવિ પેઢીને ભેટ આપવાની છે. પર્યાવરણનું જતન કરવું એ આપણી નૈતિક ફરજ છે. વન વિભાગના સંનિષ્ટ પ્રયાસો થકી આપણું ગુજરાત ફરી હરિયાળું બન્યું છે. વૃક્ષો રોપવા કરતા એની જાળવણી અને જતન કરવું એ મહત્વનું છે.

વૃક્ષોને માવજતની જરૂર હોય છે અને પૂરતી માવજત મળ્યા બાદ એ વૃક્ષ આપણને ઠંડો છાંયડો આપે છે. જિલ્લા કક્ષાની વન મહોત્સવની ઉજવણીના લીધે છેલ્લા દાયકામાં વન વિસ્તાર સિવાયના અન્ય સામાજિક વનીકરણ ક્ષેત્રે અનોખી સીધી હાંસલ કરી છે.

પ્રાણવાયુનુ અગત્યતા સમજાવતા મંત્રીએ ઉમેર્યું હતું કે તાજેતરમાં કોરોના મહામારીમાં ઓક્સિજનની કિંમત સમજાઈ છે. કોરોનાકાળ પહેલા 40થી 45 ટન જેટલા ઓક્સિજનની જરૂરિયાત રહેતી જે અચાનક વધીને 1300 ટનથી પણ વધી ગઈ હતી. આવી પરિસ્થિતિમાં આગામી દિવસોમાં વિનામૂલ્યે ઓક્સિજન આપતા વૃક્ષોની સંખ્યામાં જો વધારો થશે તો આવનારી પેઢીને સારા પર્યાવરણને લીધે સારું સ્વાસ્થ્ય પણ આપી શકીશું.

પૂર્વમંત્રી બાવકુ ઉંધાડએ જણાવ્યું હતું કે, આપણી ભારતીય સંસ્કૃતિમા સમગ્ર જીવસૃષ્ટિનું વિશેષ મહત્વ છે. માત્ર સરકાર જ નહીં આપણે સૌએ સાથે મળીને પર્યાવરણ સાચવીએ અને વધુમા વધુ વૃક્ષો વાવી વૃક્ષોનુ જતન કરીએ એવી મંત્રી એ અપીલ કરી હતી વધુમા તેઓએ ઉમેર્યું હતું કે કોલસાના પ્રદુષણને લીધે દુનિયાભરમાં દર વર્ષે ઘણા મૃત્યુ થાય છે. દુનિયાના મહાનગરોમાં માત્ર જૂજ લોકોને જ શુદ્ધ ઓક્સિજન મળે છે. આ દરેક સમસ્યાઓ લાંબા ગાળે પર્યાવરણના જતન માત્રથી નિવારી શકાય એમ છે.

જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરીયાએ જણાવ્યું હતું કે, પ્રાકૃત્તિક વિપદાઓ અને ગ્લોબલ વોર્મિંગને લીધે છેલ્લા વર્ષોથી પર્યાવરણને ઘણું નુકશાન થતું જોવા મળે છે. વૃક્ષોમાં ઘટાડો થતાં પર્યાવરણ પર અસરો થાય છે. આવી વિષમ પરિસ્થિતિમાં વન વિભાગ અને અન્ય સેવાભાવી સંસ્થાઓ દ્વારા વિનામૂલ્યે રોપાઓનું વિતરણ કરવામાં આવે છે પરંતુ તેના ઉછેરની જવાબદારી આપણા સર્વની છે.

મંત્રીના અધ્‍યક્ષસ્થાને તેમજ ઉપસ્થિત અન્ય મહાનુભાવો દ્વારા કાર્યક્રમમાં વૃક્ષ ઉછેર અને જતન કરનાર પર્યાવરણ પ્રેમીઓને સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા. આ ઉપરાંત લાભાર્થીઓને નિર્ધૂમ ચૂલા, સહાયના ચેક તેમજ વન વિભાગના કર્મીઓને પ્રશસ્તિપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. મહાનુભાવોએ શાળાના પટાંગણમાં રોપાઓનું વાવેતર કરી લીલી ઝંડી ફરકાવી વૃક્ષરથનું પ્રસ્થાન કરાવ્યું હતું.

આ અવસરે જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા, અગ્ર મુખ્ય વન સંરક્ષક શ્યામલ ટીકાદાર, સહિત નવોદય વિદ્યાલયના સ્ટાફ તેમજ વિવિધ વિભાગોના અધિકારી કર્મચારીઓ સહિત બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.