રાજુલા શહેરમાં ઉનાળામાં પાણીની તંગી સર્જાય છે. જેના કારણે શહેરના અનેક વિસ્તારમાં પુરતુ પાણી ન મળતા લોકો પરેશાન છે. અહી શહેરમાં દરરોજ પીવાના પાણી માટે 12 એમએલડીની જરૂરીયાત છે. પરંતુ તેના 40 ટકા જેટલો જથ્થો અત્યારે લોકોને પીવા માટે મળી રહ્યો છે. શહેરભરમા પાણીની તંગીના કારણે લોકો તંત્ર સામે રોષ ઠાલવી રહ્યા છે. બીજી તરફ પાલિકાને સિંચાઈ વિભાગ અને પાણી પુરવઠા વિભાગ પુરતુ પાણી ન આપતા હોવાની ફરિયાદો પણ ઉઠી છે.
રાજુલા પાલિકાના સદસ્ય દીપુભાઈએ જણાવ્યું હતું કે છેલ્લા એક માસથી મહી યોજનાનું પાણી અનિયમીત આવે છે. પાંચ દિવસે પણ લોકોને પીવાનું પાણી મળતું નથી. અત્યારે ધાતરવડી ડેમમાંથી પીવાનું પાણી વિતરણ કરાઇ છે. તેમાં પણ પુરતુ પ્રેસર આવતું નથી. લોકોને પીવાના પાણી માટે વલખા મારવા પડે છે. મહી યોજના હેઠળ કડીયાળી સંપમાંથી રાજુલા અને જાફરાબાદ નગરપાલિકા તથા જુથ યોજનાના ગ્રામ્ય વિસ્તારમાં ચોવીસ કલાકમાં 10 થી 12 એમએલડી પાણી વિતરણ કરાઈ છે. તેમની સામે માત્ર રાજુલા શહેરમાં જ એક દિવસમાં 12 એમએલડી પાણીની જરૂરીયા છે.
અત્યારે રાજુલા શહેરમાં ધાતરવડી ડેમમાંથી દરરોજનું 5 એમએલડી અને મહિ યોજના હેઠળ દરરોજ દોઢથી અઢી એમએલડી સુધી પાણી અપાઈ છે. એટલે કે મહીપરી યોજના હેઠળ રાજુલામાં પાણીની માંગની સામે માત્ર 40 થી 45 ટકા જેટલું જ પાણી વિતરણ કરાઈ છે. જેના કારણે સામાન્ય લોકોને હાડમારી વેઠવી પડે છે. નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ચિરાગભાઈ જોષીએ જણાવ્યું હતું કે આ અંગે સાંસદ નારણભાઈ કાછડીયા અને રાજુલા પૂર્વ ધારાસભ્ય હિરાભાઈ સોલંકીને પણ રજૂઆત કરાઈ છે. પણ રાજુલામાં પીવાના પાણીની સમસ્યાનો હલ થતો નથી. ઉલટાની સમસ્યામાં વધારો થઈ રહ્યો છે.
પાલિકાને બદનામ કરવા માટે પુરતંુ પાણી અપાતું નથી : પ્રમુખ
રાજુલા પાલિકાના પ્રમુખ છત્રજીતભાઈ ધાખડાએ જણાવ્યું હતું કે શહેરમાં ઉનાળાના પ્રારંભે જ પાણીની રામાયણ સર્જાય છે. અનેક વખત સિંચાઈ વિભાગ અને પાણી પુરવઠા બોર્ડને રજુઆત કરાઈ છે. તેમ છતાં પાણી પુરતું અપાતું નથી. તંત્ર કોઈના ઈશારે પાલિકાને પાણી નહી આપી નગરપાલિકાને બદનામ કરવાનું ષડયંત્ર લાગે છે.
શટડાઉન હોય ત્યારે જ પાણી બંધ રહેશે : જુનિયર એન્જીનીયર
રાજુલા પાણી પુરવઠાના જુનિયર એન્જીનીયર વાળાએ જણાવ્યું હતું કે રાજુલા શહેરમાં દરરોજ રાત્રીના 12 થી 7 વાગ્યા સુધી પાણી અપાઈ છે. સવારે જુથ યોજનામાં પાણી વિતરણ કરવામાં આવે છે. અત્યારે તો પાણી વિતરણ શરૂ છે. જ્યારે ઉપરથી શટડાઉન હોય ત્યારે વિતરણ બંધ હોય છે. અત્યારે રાજુલા પાલિકા ધાતરવડી ડેમમાંથી પણ પાણી ઉપાડે છે. જેના કારણે મહિ યોજના હેઠળ ડિમાન્ડના 40 થી 45 ટકા પાણી વિતરણ કરાઈ છે. એટલે કે દરરોજ અઢી એમએલડી પાણી રાજુલાને વિતરણ કરવામાં આવે છે. ઉપરાંત બર્બટાણા સંપમાંથી પણ પાણી ઉપાડવાની પાલિકાને જણાવાયું છે.
રાજુલા અને જાફરાબાદ નગરપાલિકાનું 20 કરોડનું પાણીની બિલ બાકી : સિંચાઈ એન્જીનીયર
રાજુલા ધાતરવડી ડેમના સિંચાઈ એન્જીનીયર જેસીંગભાઈ સુવરે જણાવ્યું હતું કે દરરોજનું પાલિકાને 10 લાખ લીટર પીવા માટે પાણી અપાઈ છે. અહીથી તો પુરતા પ્રમાણમાં પ્રેસર અપાઈ છે. પરંતુ રાજુલા અને જાફરાબાદ નગરપાલિકાએ છેલ્લા 10 થી 15 વર્ષમાં સિંચાઈ વિભાગને બિલ પેટે 20 કરોડ ભર્યા નથી. આ અંગે સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં જિલ્લા કલેકટરને રજૂઆત પણ કરાઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.