અમરેલીમાં ધોધમાર વરસાદ:ધારી ગીર પંથકમાં કરા સાથે આફતનો વરસાદ વરસ્યો, ભરઉનાળે નદી બે કાંઠે વહેતી થઈ; ધરતીપુત્રો ચિંતિત બન્યા

અમરેલી13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કમોસમી વરસાદના કારણે ધરતીપુત્રોની ચિંતા વધી

ગુજરાતમાં માવઠાની આગાહી વચ્ચે આજે અમરેલીના ધારી ગીર વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. કરા અને ભારે પવન સાથે વરસેલા વરસાદના કારણે ગામની શેરીઓમાં અને નદીઓમાં પાણી વહેતા થઈ ગયા હતા. ફાગણ મહિનાના અંતમાં અષાઢી માહોલ છવાતા ધરતીપુત્રોની ચિંતામાં વધારો થયો છે.

ધારી ગીર વિસ્તારના વાતાવરણમાં પલટો
ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી છે. ત્યારે આજે ધારી ગીર પંથકમાં આવેલા સુખપુર, કાગસા, ગોવિંદપુર, દલખાણીયા, સરસીયા, જીરા સહિતના ગામોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદના કારણે ગામની શેરીઓમાં પાણી વહેતા થયા હતા.

ગોવિંદપુરમાં નદીમાં પૂર આવ્યું
અમરેલીના ગીર પંથકમાં ફાગણ મહિનામાં જ અષાઢી માહોલ જોવા મળ્યો હતો. ધારી તાલુકાના ગોવિંદપુર ગામમાં તો થોડી જ વારમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસતા ગામ પાસેથી પસાર થતી નદીમાં પૂર આવ્યું હતું. ગામની શેરીઓમાં પણ પૂરની માફક પાણી વહેતા જોવા મળ્યા હતા.

​​​​​​ધરતીપુત્રો પર ચિંતાના વાદળો ઘેરાયા
અમરેલી જિલ્લામાં માવઠાની આગાહીના પગલે જિલ્લામાં ખેતીપાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ વ્યકત કરવામાં આવી રહી છે. માવઠાની આગાહીના પગલે તંત્ર દ્વારા ખેડૂતોને પહેલા એલર્ટ તો કરવામાં આવ્યા હતા. પરંતુ, હજી પણ કેટલાક ખેડૂતોનો તૈયાર પાક ખેતરમાં ઉભો હોય તેને અને કેરીના પાકને પણ માઠી અસર થવાની ભીતિ વ્યકત કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...