રજુઆત:રાજુલામાં સરકારી હોસ્પિટલના કવાર્ટર જર્જરિત

અમરેલી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જાફરાબાદ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં એમ્બ્યુલન્સ નથી- ડોકટરોની જગ્યા પણ વણપુરાયેલી

રાજુલામા સરકારી હોસ્પિટલના કવાર્ટર પાછલા ઘણા સમયથી જર્જરિત હાલતમા ઉભા છે. તો જાફરાબાદ સામુહિક આરોગ્ય કેન્દ્રમા એમ્બ્યુલન્સની સુવિધા ન હોવાથી દર્દીઓને પારાવાર મુશ્કેલી પડી રહી છે. ત્યારે રાજુલા જાફરાબાદ તાલુકાના 25 જેટલા પ્રશ્નો અંગે ધારાસભ્ય દ્વારા રજુઆત કરવામા આવી હતી.

ધારાસભ્ય હિરાભાઇ સોલંકી દ્વારા રાજુલા જાફરાબાદ તાલુકાના 25 જેટલા પ્રશ્નો અંગે જુદાજુદા વિભાગના મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓને કરાયેલી રજુઆતમા જણાવાયું હતુ કે રાજુલામા સરકારી હોસ્પિટલના કવાર્ટર જર્જરિત હાલતમા ઉભા છે. હોસ્પિટલમા ડોકટરોની જગ્યા પણ વણપુરાયેલી છે. ત્યારે અહી ડોકટરોની નિમણુંક કરવામા આવે તેમજ નવા કવાર્ટર બનાવવામા આવે તેવી માંગ કરી હતી.

જાફરાબાદ સામુહિક આરોગ્ય કેન્દ્રમા એમ્બ્યુલન્સની કોઇ સુવિધા નથી જેના કારણે દર્દીઓને રાજુલા મહુવા લઇ જવામા મુશ્કેલી પડી રહી છે. તો બીજી તરફ બીપીએલ કાર્ડ અને અંત્યોદય કાર્ડ લોકોને મળી રહે તે માટે સરકાર દ્વારા ફરીથી સર્વે કરવામા આવે તેવી પણ તેમણે માંગણી કરી હતી. જાફરાબાદના માછીમારોને ડિઝલમા ડિસ્કાઉન્ટ આપવામા આવે તેમજ જેટી પર ડ્રેજીંગ કરવુ પણ જરૂરી છે.

તેમણે રજુઆતમા વધુમા જણાવ્યું હતુ કે જાફરાબાદ તાલુકાના ચિત્રાસર, ભાડા, કેરાળા, ધારાબંદર, બલાડ વિસ્તારના વિદ્યાર્થીઓને અભ્યાસ માટે જાફરાબાદ આવવુ પડે છે પરંતુ એસટી બસની કોઇ સુવિધા નથી. જાફરાબાદમા નવી સ્ટ્રીટ લાઇટો ફિટ કરવામા આવે તેવી પણ માંગ કરવામા આવી હતી. આમ રાજુલા જાફરાબાદના જુદાજુદા પ્રશ્નો અંગે તેમણે રજુઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...