વીડિયો વાયરલ:ધારીના જીવન મુકેશ્વર મહાદેવ મંદિર નજીક રેલવે બ્રીજ પર 2 સિંહો વહેલી સવારે વોકિંગ કરતા જોવા મળ્યા

અમરેલી14 દિવસ પહેલા
  • ઠંડીના માહોલ વચ્ચે રેલવે બ્રીજ પર સિંહોની લટાર સામે આવી

અમરેલી જિલ્લામા સિંહો રેલવે ટ્રેક પર ચડવાની ઘટના વારંવાર સામે આવતી હોય છે. સાવરકુંડલાથી રાજુલા પીપાવાવ સુધી અનેક સિંહો ટ્રેક પર ચડતા હોય છે. કેટલાય સિંહો ટ્રેક અકસ્માતમાં મોતને પણ ભેટ્યા છે. ત્યારે હવે ધારી ગીર પૂર્વ ડીવીઝન વિસ્તારમાં બે સિંહો રેલવે ટ્રેક પર ચડવાની ઘટના સામે આવી છે.

ધારીના જીવન મુકેશ્વર મહાદેવ મંદિર નજીક રેલવે બ્રીજ પર 2 સિંહો વહેલી સવારે વોકિંગ કરતા હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. આ જોખમી દ્રશ્યોએ વનવિભાગની ઊંઘ ઉડાવી દીધી છે. કારણ કે, અહીં સિંહોનો વસવાટ છે, પરંતુ ટ્રેક પર આવતા ન હતા અને આટલા મોટા બ્રીજ પર સિંહ ચડી જવાની ઘટનાએ વનકર્મીઓમાં દોડધામ મચાવી દીધી છે.

શિયાળામાં સિંહો ઉપર વધુ જોખમ રહે છે

શિયાળાની ઋતુમાં સિંહો ઠંડીના કારણે રેલવે ટ્રેક પર આવે છે કેમ કે, અહીં સતત ટ્રેન પસાર થવાના કારણે ટ્રેક પાટા સતત ગરમ રેહવાના કારણે સિંહોને ગરમ હવા અને તાપણા જેવો અહેસાસ થતો હોવાને કારણે વધુ પડતા સિંહો આવી જાય છે.

પીપાવાવથી સાવરકુંડલા રેલવે ટ્રેક વધુ અકસ્માત શિયાળામાં સામે આવ્યાં

પીપાવાવથી રાજુલા સાવરકુંડલા રેલવે ટ્રેક પરના અકસ્માત મોટાભાગે શિયાળાની ઋતુમાં વધુ બન્યા છે. આ ઉપરાંત શિયાળાની ઋતુમાં સતત સિંહો ટ્રેક પર આવવાની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે સુરક્ષા પર પણ સવાલ ઉઠ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...