હવામાન વિભાગની આગાહીને પગલે આજે ધારી, બગસરા, સાવરકુંડલા, બાબરા સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. જેને પગલે માર્ગો પરથી પાણી દોડવા લાગ્યા હતા. માવઠાને પગલે કેરી, ઘઉં, ચણા, ધાણા સહિતના પાકને નુકસાનીની ખેડૂતોને ભીતિ સતાવી રહી છે.
બાબરામાં સમીસાંજે તોફાની પવન સાથે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થતા બાબરા શહેરની બજારોમાં પાણી વહેતા થયા હતા. તો તાલુકાના વાંડળિયા, ખાખરિયા, દરેડ, જામબરવાળા, લુણકી, ગળકોટડીમાં ધોધમાર વરસાદ પડતાં ખેડૂતોને રવીપાકને નુકસાન જવાની ભીતિ સતાવી રહી છે. હાલ ખેતરમાં જીરું, ધાણા, ચણા, ઘઉં સહિતના રવીપાકો ઊભા છે. પણ આ માવઠાના કારણે ખેડૂતને મોટું આર્થિક નુકસાન થશે તેવી ભીતિ સતાવી રહી છે.
ધારી પંથકમાં બપોરબાદ કમોસમી વરસાદ ખાબક્યો હતો. અહીંના સુખપુર, કાંગસા, ગોવિંદપુર, દલખાણિયા, સરસિયા, હિરાવા વગેરે ગીરકાંઠાના ગામોમાં માવઠું થયું હતું. ઉપરાંત સાવરકુંડલા તેમજ પીઠવડીમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વીજળીના કડાકા ભડાકા થયા હતા. લાઠીમાં પણ આકાશમાં વરસાદી વાદળો ઘેરાયા હતા. અમરેલીમાં પણ વાદળછાયું વાતાવરણ રહ્યું હતું.
વિસાવદરના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ, પાકને નુકસાન
વિસાવદર - વિસાવદર, લાલપુર, હસનાપુર, ગોવિંદપરા સહિતના ગામડાંઓમાં વરસાદ પડતા ખેડૂતોની મોલાતને નુકસાન થયું હતું. તેમજ કેરી ઉત્પાદકો પણ ચિંતિત બન્યા હતા. વિસાવદર તાલુકામાં આજે બપોર બાદ અમુક ગામડાંઓમાં કમોસમી વરસાદ પડવાને કારણે ખેડૂતોની મોલાતોને નુકસાનીઓ થયેલ છે હાલ મોલાતો પાકની અણી ઉપર હોય ખેડૂતોમાં દોડધામ મચી ગઈ હતી.
વિસાવદર પંથકમાં શનિવારે બપોરના ચારથી પાંચના સમય દરમિયાન વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વરસાદ શરૂ થયો હતો તાલુકાના અમુક ગામડાંઓમાં જેમાં વિસાવદર શહેર, લાલપુર, હસનાપુર, ગોવિંદપરા સહિતના ગામડાંઓમાં ગર્જના સાથે વરસાદ પડ્યો હતો. જેના કારણે ખેડૂતોના ખેતરમાં ઊભી મોલાત ઘઉં, ધાણા, ચણા, તેમજ આંબાના બગીચાઓને ભારે નુકસાન થયું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.