તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉલટી ગંગા:અમરેલીમાં ખેતીકામ માટે હાલ મજૂરોની તાતી જરુરિયાત હોવા છતા મજૂરો મળવા મુશ્કેલ, ખેડૂતોએ કહ્યું- '300 રૂપિયા મજૂરી આપવા છતા મજૂર મળતા નથી'

અમરેલી3 મહિનો પહેલા
  • 'તાઉ-તે' વાવાઝોડા બાદ ખેતીવાડીમાં હજી પણ વીજ પુરવઠો પૂર્વવત નથી થયો

અમરેલી જિલ્લાના કેટલાક વિસ્તારમાં આ વર્ષે શરૂઆતી સારો વરસાદ વરસ્યા બાદ પણ ખેડૂતોની સમસ્યા હળવી થવાને બદલે વધી છે. તાઉ-તે વાવાઝોડાના કારણે રહેણાંક વિસ્તારમાં તો હાલ વીજ પુરવઠો પૂર્વવત કરી દેવાયો છે, પરંતુ,ખેતીવાડી કનેકશનમાં હજી સુધી વીજળી આવી નથી. જેના કારણે હાલ ખેતમજૂરો વાડીએ રહેવા તૈયાર નથી. તો બીજી તરફ ખેડૂતોને સિંચાઈમાં પણ ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. વાવણીનો સમય આવી ગયો હોવા છતા ખેડૂતો હાલ મજૂરોની સમસ્યાનો સામનો કરી રહ્યા છે.

પરપ્રાંતના મજૂર પરત ના ફરતા પરેશાની
અમરેલી જિલ્લામાં હાલ મોટા પ્રમાણમાં પરપ્રાંતના મજૂરો ખેતીકામ સાથે જોડાયેલા છે. કોરોનાના કારણે પોતાના વતન ગયેલા મજૂરો હાલ પરત ફર્યા નથી. તો બીજી તરફ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ખેતીવાડીમાં વીજળી ના હોવાની જાણ થતા પણ કેટલાક મજૂરો અહીં આવવાનું ટાળી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.

રાજુલા-જાફરાબાદના ખેડૂતોને સૌથી વધુ મુશ્કેલી
રાજુલા-જાફરાબાદ તાલુકાના ખેતીવાડી પીજીવીસીએલના એક પણ ફીડર હજુ શરૂ થયા નથી. જેના કારણે અહીં પણ ખેડૂતોને ભારે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખેતીવાડીની વીજળી નહિ હોવાને કારણે ખેતરોમાં પાણીની મોટર શરૂ થતી નથી. બળદ સહિત પશુ માટે પાણી કેવી રીતે ભરવુ?, રાત્રે વાડીમાં વીજળી વગર કેવી રીતે કામ કરવુ? વગેરે જેવા સવાલો ઉભા થયા છે.

300 રૂપિયા મજૂરી આપવા તૈયાર હોવા છતા મજૂર મળતા નથી-ખેડૂત
​​​​​​​
બગસરા વિસ્તારના ખેડૂત અગ્રણી વિઠલભાઈ પટેલ કહે છે કે, અમારા વિસ્તારમાં લાઈટ નથી જેથી વાવણી કાર્યમાં પણ મુશ્કેલી છે. રાતે વીજળી વગર મજૂરો અહીં રહેવ તૈયાર નથી. સ્થાનિક મજૂરોમાં પણ ઘટ પડે છે. ખેતર દીઠ 10 મજુરોની જરૂરિયાત છે 300થી વધુની મજૂરી ચૂકવાવ ખેડૂતો તૈયાર છે તેમ છતા મજૂરો મળવામા મુશ્કેલી પડી રહી છે.

ઉદ્યોગો પહેલા ખેડૂતોને સરકાર વીજળી આપે- ખેડૂત
​​​​​​​
રાજુલાના અગ્રણી છત્રજીતભાઈ ધાખડાએ કહ્યું હતું કે, ખેડૂતોને તાત્કાલિક ખેતીવાડીની વીજળી સરકાર આપે. તાઉ-તે વાવાઝોડાને એક મહિનો થવા આવ્યો હોવા છતા ખેતીવાડીમાં હજી સુધી વીજળી મળી નથી. વીજળીના અભાવના કારણે ખેડૂતોએ ખેતીકામ કરવું મુશ્કેલ બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...