• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Demand For Construction Of Elevated Railway Track On Rajula Pipavav Railway Track, Increase In Lion Movement On Broken Track

રાજુલા-પીપાવાવ રેલવેટ્રેકનું રિયાલિટી ચેક:સિંહની સુરક્ષા માટે લગાવેલી ફેન્સિંગ ઠેર ઠેર તૂટેલી જોવા મળી, સિંહપ્રેમીઓની એલિવેટેડ રેલવે કોરિડોર બનાવવાની માગ

અમરેલીએક મહિનો પહેલા
  • ટ્રેન અડફેટે સિંહના મોતની સંખ્યા વધતાં અહીં કરોડોના ખર્ચે ફેન્સિંગ કરવામાં આવી હતી
  • સિંહ રેલવેટ્રેક નીચેથી પસાર થઈ શકે એવા પુલિયા બનાવવાની માગ

ગુજરાતમાં અમરેલી જિલ્લામાં મોટી સંખ્યામાં એશિયાટિક લાયનનો વસવાટ છે. રાજુલા-પીપાવાવની વચ્ચે મોટી સંખ્યામાં સિંહોની સંખ્યામાં વધારો થયો છે, પરંતુ અહીંથી પસાર થતી રાજુલા-પીપાવાવ રેલવેલાઈનને કારણે સાવજ પર સંકટ પણ સર્જાયું છે. રેલવેટ્રેક પર સિંહ સાથે અકસ્માત ન સર્જાય એ માટે અહીં કરોડોના ખર્ચે ફેન્સિંગ કરવામાં આવી હતી, પરંતુ તાઉતે વાવાઝોડા દરમિયાન અહીં ફેન્સિંગ તૂટી જતાં ફરી એકવાર સાવજ પર સંકટ સર્જાયું છે. ત્યારે અકસ્માત ન સર્જાય એ માટે રેલવેટ્રેક નીચે પુલિયા બનાવવાની માગ કરવામાં આવી છે. આ અંગે સરકારે રચેલી કમિટીએ રિપોર્ટ સોંપ્યો હોવા છતાં કોઈ કામગીરી ન થતાં સિંહપ્રેમીઓમાં રોષ ફેલાયો છે.

રેલવેટ્રેક પર એલિવેટેડ રેલવે કોરિડોર બનાવવાની માગ
રાજુલા-પીપાવાવ વચ્ચે વસવાટ કરતા સિંહની સંખ્યામાં વધારો થયો છે. તો બીજી તરફ અહીંથી પસાર થતા રેલવેટ્રેક પર ટ્રેનોની અવરજવર પણ વધી છે. ભૂતકાળમાં અહીં ટ્રેન અડફેટે આવી જવાને કારણે સિંહનાં મોત થતાં સરકાર દ્વારા 30 કરોડના ખર્ચે રેલવેટ્રેકની બંને બાજુ ફેન્સિંગ કરવામાં આવી હતી. જોકે તાઉતે વાવાઝોડાને કારણે ઠેરઠેર ફેન્સિંગ તૂટી જતાં એનો હેતુ માર્યો ગયો છે. દિવ્ય ભાસ્કર ડિજિટલ દ્વારા કરવામાં આવેલા રિયાલિટી ચેકમાં ટ્રેકની બંને બાજુ અનેક જગ્યાએ ફેન્સિંગ તૂટેલી હોવાને કારણે સિંહ આસાનીથી રેલવેટ્રેક પર અવરજવર કરી શકે એમ છે. ભવિષ્યમાં અહીં અકસ્માત નિવારવા માટે સિંહપ્રેમીઓ દ્વારા એલિવેટેડ રેલવે કોરિડોર બનાવવાની માગ કરવામાં આવી છે, જેથી ટ્રેક પાર કરવા માટે સિંહે ટ્રેક પર આવવું જ ન પડે.

તાઉ-તે વાવાઝોડાને કારણે તૂટી ગયેલી ફેન્સિંગની તસવીર.
તાઉ-તે વાવાઝોડાને કારણે તૂટી ગયેલી ફેન્સિંગની તસવીર.

ફેન્સિંગને કારણે સિંહ કેટલા સુરક્ષિત?
આ વિસ્તારમાં સિંહની સુરક્ષા માટે ફેન્સિંગ પાછળ કરાયેલા 30 કરોડના ખર્ચ બાદ પણ એ સવાલ ઊભો છે કે ફેન્સિંગને કારણે ખરેખર સિંહને સુરક્ષા મળે છે? ભૂતકાળમાં રેલવેટ્રેક પર લગાવેલી ફેન્સિંગ કૂદી જતા સિંહની તસવીર પણ સામે આવી છે. તો બીજી તરફ, હાલ અનેક જગ્યાએ ફેન્સિંગ તૂટી ગઈ હોવાને કારણે સિંહ આસાનીથી રેલવેટ્રેક પર અવરજવર કરી શકે એવી સ્થિતિ છે. ત્યારે જરૂરી એ છે કે જ્યાં સુધી અહીં કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી તાત્કાલિક ફેન્સિંગનું સમારકામ થાય એ જરૂરી છે.

રાત્રિના સમયે રેલવેટ્રેક પસાર કરી રહેલા સિંહની તસવીર.
રાત્રિના સમયે રેલવેટ્રેક પસાર કરી રહેલા સિંહની તસવીર.

8 મહિના પહેલાં જ તપાસ કમિટીએ સરકારને રિપોર્ટ સોંપ્યો હતો
8 મહિના પહેલાં સિનિયર વન વિભાગની ટીમ પીપાવાવ રેલવેટ્રેક આસપાસ સરવે કરવા આવી હતી, જેમાં અંડરગ્રાઉન્ડ બ્રિજ સહિત સુવિધા બનાવવા અને ફેન્સિંગની હાલત કેવી છે? એ અંગે તપાસ કમિટીની રચના કર્યા બાદ આ સરવે કરી સરકારને એક રિપોટ પણ સોંપ્યો હતો. ત્યાર બાદ મહિનાઓ વીતી ચૂક્યા હોવા છતાં હજી સુધી કોઈ નિર્ણય લેવાયો નથી. પૂર્વ વાઈલ્ડલાઈફ વોર્ડન વિપુલ લહેરી સહિત સ્થાનિક પર્યાવરણ પ્રેમીઓ દ્વારા પણ માગ ઉઠાવી છે કે રેલવેટ્રેક પાસે સિંહો માટે અવરજવર કરવા માટે કોઈ રસ્તો જ નથી. સિંહો ટ્રેક પર ન આવે એ માટે રાજ્ય સરકાર ફરી વિચારણા કરી અહીં અંડરબ્રિજ બનાવે તો સિંહોની સુરક્ષા અને એમને પડતી મુશ્કેલી ઘણા અંશે દૂર થાય એમ છે.

ટ્રેનની ટક્કરથી સિંહના મોતની તસવીર.
ટ્રેનની ટક્કરથી સિંહના મોતની તસવીર.

ભૂતકાળમાં રેલવેટ્રેક પર 8 સિંહનાં મોત થઈ ચૂક્યાં છે
ભેરાઈ ગામના સિંહપ્રેમી કથડભાઈએ જણાવ્યું હતું કે અહીં સિંહોની સંખ્યા ખૂબ વધી છે, પણ તેની સુરક્ષા માટે કોઈ વિચારતું નથી. અત્યારે ફેન્સિંગ પણ તૂટી ગઈ છે, અનેક જગ્યા ખૂલી છે, જેથી સિંહો ગમે ત્યારે ટ્રેક ક્રોસ કરે છે. ટ્રેક નીચે પુલિયા બનાવવવામાં આવે તો સિંહોને અવરજવરનો રસ્તો રહે, પણ એવું તો ક્યાંય છે નહીં. પછી સિંહ જાય તો ક્યાં જાય? એવી વાત છે. આ વિસ્તારના પ્રશ્નને લઈ સરકાર ગંભીરતા દાખવે, બાકી સિંહો બધા ટ્રેકમાં જ મૃત્યુ પામશે. ભૂતકાળમા સૌથી વધુ સિંહો અહીં ટ્રેક પર મૃત્યુ પામ્યા છે. અહીં સૌથી વધુ 8 સિંહ રેલવેટ્રેક પર ગુડસ ટ્રેન હડફેટે મોતને ભેટ્યા છે. ત્યારે હવે સિંહોની સુરક્ષા અને ચિંતા કરવાનો સમય આવી ગયો છે.

રેલવેટ્રેક પર અકસ્માત નિવારવા 45 રેલવેસેવકો ફરજ બજાવે છે
રાજુલા બૃહદગીર રેન્જ વિસ્તારના ઈન્ચાર્જ RFO આર.આઈ.ઝીંઝુવાડિયાએ જણાવ્યું હતું કે રાજુલા-પીપાવાવ વચ્ચેના રેલવેટ્રેક પર સિંહ ન આવે અને અકસ્માત ન સર્જાય એ માટે 45 રેલવેસેવકો આ વિસ્તારમાં ફરજ બજાવે છે, જેઓ દિવસ અને રાત્રે આ વિસ્તારમાં પેટ્રોલિગ કરે છે. નવા પ્રોજેક્ટ અંગે મારા પાસે હજી સુધી કોઈ માહિતી નથી.

પેંચ રિઝર્વમાંથી પસાર થતો એલિવેટેડ હાઈવે
પેંચ રિઝર્વમાંથી પસાર થતો એલિવેટેડ હાઈવે

ટાઈગર રિઝર્વ પેંચમાં વાઘને બચાવવા એલિવેટેડ હાઈવે બનાવાયો
મધ્યપ્રદેશના પેંચ વાઘ અભયારણ્યમાં વાઘના અવરજવરના માર્ગોમાં વાહનો ન આવે અને એને કારણે વાઘ ન મરે એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેમાં દેશમાં જંગલમાં સૌથી મોટો 6 લેન હાઇવે બનાવાયો છે. જંગલમાં પ્રાણીઓ મુક્તપણે વિહરી શકે એ માટે આ આખાય નેશનલ હાઇવે 44ને એલિવેટેડ બનાવાયો છે અને પેંચ નેશનલ પાર્કમાં આ વ્યવસ્થાને પગલે જંગલી પ્રાણીઓ એલિવેટેડ હાઇવેની નીચે એટલે કે અંડરપાસનો ઉપયોગ કરવાની સંખ્યા વધી છે.

અન્ય સમાચારો પણ છે...