• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Deer Coming In Dhari, Pack Of Dogs Set Off To Hunt, Frightened Deer Got Trapped In ATM Room, Forest Department Barely Rescued

હરણનું રેસ્ક્યૂ:ધારીમાં હરણ આવતા શ્વાનોના ટોળાએ શિકાર કરવા દોટ મૂકી, ગભરાયેલું હરણ ATM રુમમાં ફસાઇ ગયું, વન વિભાગે માંડ માંડ રેસ્ક્યૂ કર્યું

અમરેલી4 મહિનો પહેલા
  • કૉપી લિંક

અમરેલી જિલ્લામાં જંગલી પ્રાણીઓના ઘૂસી આવવાનો દોર શાંત થઇ રહ્યો નથી. સિંહ, દીપડો અને હવે હરણ જિલ્લાના ધારી શહેરમાં આવી ચડ્યું હતુ. જેમાં શ્વાનોના ટોળાંએ હરણ પાછળ બચકા ભરવા પાછળ ભાગતા હરણ ATM રુમમાં ઘૂસી ગયું હતુ અને અંદર પુરાઇ ગયું હતુ. અંતે વન વિભાગને જાણ થતા હરણનું રેસ્ક્યુ કરી જંગલ વિસ્તારમાં છોડવામાં આવ્યું હતુ.

ATM રુમમાં ઘૂસતા જ દરવાજો બંદ થઇ ગયો
અમરેલી જિલ્લામાં અવારનવાર જંગલી પશુઓએ માનવ વસાહતમાં દેખાદીધી છે. જેમાં સિંહો, દીપડાઓ શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં જોવા મળ્યાં છે. આ વચ્ચે વધુ એક જંગલી પ્રાણી હરણ ધારી શહેરમાં આવી ચડ્યું હતુ. હરણને જોઈ શ્વાનોનું ટોળું ઉશ્કેરાયું હતું અને હરણને બચકાં ભરવા માટે પાછળ દોટ મૂકી હતી. આ માહોલ વચ્ચે હરણ શ્વાનથી બચવા માટે પૂરઝડપે ભાગી ATM રુમમાં ઘૂસી ગયું હતુ. જેમાં પેટ્રોલપંપ નજીક આવેલા ATM રુમની અંદર હરણ ઘૂસતા અચાનક દરવાજો બંધ થઈ ગયો હતો. જેથી હરણ ATM રુમના દરવાજાની અંદર પુરાઈ ગયું હતુ. હરણની પાછળ-પાછળ શ્વાનનું ટોળું પણ ઉહાંપોહું કરતા આવી ગયું હતુ અને હરણને જોઈ ભાઉં-ભાઉ કરવા લાગ્યું હતુ. જેથી ATM રુમની અંદર રહેલું હરણ બહાર આવવા માટે છલાંગ લગાવી ભાગદોડ કરી રહ્યું હતુ. તો પણ કલાકો સુધી હરણ ધમપછાડા કરવા છતાં બહાર નીકળી નહતું શક્યું. જો કે વહેલી સવારે નાઇટ પેટ્રોલિંગ પૂર્ણ કરી હોમગાર્ડ જવાનો ઘરે જઇ રહ્યાં હતા, ત્યારે હરણને જોઈ જતા વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગ દ્વારા સ્થળ પર પહોંચી હરણને બહાર કાઢી રેસ્ક્યુ ઓપરેશન કર્યું હતુ. જેમાં અંતે હરણને વન વિભાગે જંગલ વિસ્તારમાં મુક્ત કર્યું હતુ.

વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ
હરણ શહેરમાં આવી તો ચડ્યું પણ ATMમાં પૂરાવાના કારણે લોકોમાં પણ આ ઘટના જાણવાની ભારે ઉત્સુકતા જાગી હતી. જેથી આ સમગ્ર ઘટનાનો વીડીયો સોશિયલ મીડિયામાં ભરપૂર વાઇરલ થઇ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...