લાઇવ દ્રશ્યો:જાફરાબાદના નેસડી મોલ્લા વિસ્તારમાં દીપડો ઘૂસ્યો, ત્રણેક શ્વાનની ટુકડીએ બહાદુરી બતાવી દીપડા પાછળ દોટ મૂકી

અમરેલી11 દિવસ પહેલા
  • દીપડોએ રહેણાંક મકાન ઉપરથી સોસાયટીમાં પ્રવેશ કર્યો
  • સમગ્ર ઘટનાક્રમ સીસીટીવી કેમેરામાં કેદ થયો

અમરેલી જિલ્લામાં સિંહ બાદ હવે દીપડાઓ રહેણાક વિસ્તારમાં આવવા લાગ્યા છે. આ ઉપરાંત દીપડાઓની સંખ્યા પણ દિવસે ને દિવસે વધી રહી છે. જેના કારણે અમરેલી જિલ્લાના લોકોમાં એક ડરનો માહોલ છવાઇ ગયો છે. ત્યારે ગતરોજ એક દીપડો રહેણાંક વિસ્તારમાં ઘૂસી આવ્યો હતો. જેના સીસીટીવી સામે આવ્યા છે. જેમાં જોવા મળે છે કે, દીપડો એક રહેણાંક મકાન ઉપરથી સોસાયટીમાં પ્રવેશ કરે છે અને ત્રણેક સ્વાનની ટુકડી બહાદુરી બતાવી દીપડા પાછળ દોટ મૂકે છે.

ત્રણ જેટલા શ્વાનો દીપડા પાછળ દોડ્યા
ગઈકાલે વહેલી સવારે જાફરાબાદ શહેરમાં આવેલા નેસડી મોલ્લા વિસ્તારમાં ધોળા દિવસે દીપડો આવી ચડ્યો હતો. દીપડો એક રહેણાંક મકાન ઉપરથી સોસાયટીમાં પ્રવેશ કરે છે, જે આખો ઘટનાક્રમ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. આ દીપડો સોસાયટીમાં પ્રવેશતા જ સ્થાનિક ત્રણ જેટલા શ્વાનો દીપડા પાછળ બહાદુરી બતાવી દોટ મૂકે છે. આ પ્રકારના દ્રશ્યો પ્રથમ વખત જોવા મળ્યા છે.

દીપડાની લટાર ચિંતાનો વિષય બની
આ દીપડા દ્વારા હજુ સુધી કોઈને ઈજા કરી હોય તેવા સમાચાર નથી, પરંતુ દીપડાની આ પ્રકારની લટાર ચિંતાનો વિષય બની ગયો છે. મહત્વની વાત એ છે કે, સમગ્ર દીપડાની ઘટનાથી જાફરાબાદ વનવિભાગ અજાણ હોવાનુ સામે આવ્યું છે. જોકે, વીડિયો વાયરલ થયા બાદ વનવિભાગ પણ દોડતુ થયુ હતુ.

થોડા દિવસ પહેલાં લાઈટ હાઉસ વિસ્તારમાં દીપડો દેખાયો હતો
થોડા દિવસો પહેલા જ જાફરાબાદ શહેરના લાઈટ હાઉસ વિસ્તારમાં દીપડો આવી ચડ્યો હતો, અહીં લટારો માંરી ફરી બહાર નીકળી ગયો હતો. અનેક સ્થાનિક લોકોએ પણ જોયો હતો. જ્યારે દીપડા ઉપર વનવિભાગ નજર નહીં રાખે તો શહેરી વિસ્તારમાં ગમે ત્યારે ગમે તે મોટી ઘટના બની શકે છે.

4 વર્ષ પહેલા બગસરામાં દીપડાને ઠાર મરાયો હતો
4 વર્ષ પહેલાં બગસરા તાલુકાના ગામડાઓને દીપડાએ બાનમાં લીધા હતા. દિવસમાં બે બે હુમલાની ઘટના બનતી હતી. સૌરાષ્ટ્રભર વનવિભાગનીની ટીમોને બગસરા વિસ્તારમાં ઉતારી દીપડાને પકડવા અનેક પાંજરા ગોઠવ્યા હતા, પરંતુ દીપડો પાંજરે પુરાતો ન હતો. ત્યારબાદ સરકાર દ્વારા તાકીદે પોલીસ અને વનવિભાગની ટીમો બનાવી દીપડાને ઠાર કરવા આદેશો આપ્યા હતા. દીપડાને 1 ગૌશાળાના સરકારી હથિયાર વડે ઠાર કર્યો હતો. ત્યારબાદ અમરેલી જિલ્લામાં વહીવટી તંત્ર અને સરકાર સહિત લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...