તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્થાનિકોમાં ફફડાટ:અમરેલીના ગરમલીમાં મહિલા પર દીપડાએ હુમલો કર્યો, ગળાના ભાગે ઇજાઓ થતાં સારવાર માટે રાજકોટ ખસેડાઈ

અમરેલીએક મહિનો પહેલા
  • ચલાલાના ગરમલી ગામ નજીક વાડીમાં મહિલા સુતી હતી એ સમયે દીપડાએ હુમલો કર્યો

અમરેલી જિલ્લાના ચલાલાના ગરમલી ગામ નજીક વાડી વિસ્તારમાં શ્રમિક મહિલા સૂતી હતી ત્યારે એક દીપડાએ મહિલા પર હુમલો કર્યો હતો. હુમલામાં મહિલાને ગળાના ભાગે ઇજાઓ પહોંચી હતી. બનાવની જાણ થતાં લોકો પહોંચી આવ્યા હતા અને મહિલાને સારવાર અર્થે અમરેલી સિવિલ હોસ્પિટલ લઇ જવાઈ હતી. જ્યાંથી વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાઈ હતી. બનાવ અંગે વન વિભાગને જાણ કરાઈ હતી. વન વિભાગે દીપડાને પકડવા પાંજરા મૂકવાની કાર્યવાહી હાથ ધરી હતી.

દીપડાના હુમલાને લઇને ખેડૂતોમાં ફફડાટઅમરેલી જિલ્લામાં સિંહ અને દીપડા વન્ય વિસ્તાર છોડીને રેવન્યૂ વિસ્તારમાં વધુ જોવા મળી રહ્યાં છે. આ વન્ય પ્રાણીઓ ખેતરની આસપાસના વિસ્તારમાં આંટાફેરા મારતા હોય છે. તેવામાં રાત્રી સમય દરમિયાન વાડી કે ખેતરમાં રાત્રી રોકાણ કરતા ખેડૂતો અને ખેત મજૂરો માટે દીપડા જેવા વન્ય પ્રાણીથી હુમલો થવાનો ભય સતત રહેતો હોય છે. ચલાલાના ગરમલી પાસે દીપડાએ મહિલા પર હુમલો કરતા ખેડૂતોમાં ફફડાટ વ્યાપી ગયો છે અને દીપડાને પકડી વન વિભાગ યોગ્ય કાર્યવાહી કરે તેવી માગ કરી છે.

સિંહ કરતા દીપડાનો વધુ ખૌફઅમરેલી જિલ્લામાં સિંહ અને દીપડાની સંખ્યા વધુ છે. પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં ખેતીકામ કરતા લોકો સિંહથી ભય અનુભવતા નથી, કારણ કે, સિંહ મોટાભાગે માનવીની બાજુમાંથી આરામથી પસાર થાય છે અને ભાગ્યેજ હુમલો કરે છે. જ્યારે દીપડો છૂપાયને રહે છે અને અચાનક હુમલો કરે છે. હુમલો થયા પછી જાણ થાય છેકે દીપડો આસપાસ હતો. જેથી આ પંથકમાં માનવીઓ પર થતાં વન્ય પ્રાણીઓના હુમલામાં સૌથી વધુ હુમલા દીપડા દ્વારા કરાય છે અને તેને લઇને અહીંના લોકોમાં સિંહ કરતા વધારે ખૌફ દીપડાનો રહે છે.

2019માં આતંક મચાવતા દીપડાને ઠાર કરાયો હતોનોંધનીય છેકે, વર્ષ 2019માં અમરેલી જિલ્લાના બગસરા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં એક દીપડાએ આતંક મચાવ્યો હતો. 24 કલાકમાં માનવી પર હુમલાની ઘટનાઓ પણ વધી હતી. વન વિભાગની હાજરીમાં ગ્રામ્ય વિસ્તારમાં દીપડાના હુમલાની ઘટનાઓ વધતા અંતે દીપડાને ઠાર મારવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. વન વિભાગે એ સમયે ઓપરેશન પાર પાડવા પોલીસની મદદ લીધી હતી. કલેક્ટરે અમુક ગામોમાં કલમ 144 જાહેર કરી હતી અને બગસરાની ગૌશાળામાં દીપડાને ઠાર કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...