સુવિધા:અમરેલી જિલ્લામા નવી 9 મોબાઈલ પશુવાનનું લોકાર્પણ

અમરેલી5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હવે અમરેલી જિલ્લામાં પશુઓની સારવારમાં 21 એમ્બ્યુલન્સ કાર્યરત

અમરેલી જિલ્લા પંચાયત ખાતે નવી 9 મોબાઈલ પશુવાનનું કેબિનેટમંત્રી કુંવરજીભાઇ બાવળીયાના હસ્તે લોકાર્પણ કરાયું હતું. જિલ્લામાં નવી પશુવાન આવતા કુલ 21 પશુ એમ્બ્યુલન્સ કાર્યરત થઈ છે. લોકો માટે જેમ 108ની સુવિધા છે તેવી જ રીતે પશુ માટે 1962ની સુવિધા સરળ બનશે.

અમરેલીમાં પશુવાનના લોકાર્પણ સમયે મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર નાગરિકોના આરોગ્યની સાથે સાથે અબોલ પશુઓના સ્વાસ્થ્યની પણ ચિંતા કરી છે. પશુપાલકોને અબોલ પશુઓને વિનામૂલ્યે આરોગ્યની સુવિધા મળી રહે તે માટે પશુ એમ્બ્યુલન્સ કાર્યરત છે. પશુવાનમાં 108ની જેમ જ જરૂરી દવા અને સાધન સામગ્રી સહિત નિષ્ણાત પશુચિકિત્સા કાર્યરત રહે છે. આજે અમરેલી જિલ્લામાં નવી 9 પશુવાન ફાળવવામાં આવી છે. અગાવ 12 અને નવી 9 પશુવાન મળી જિલ્લામાં અત્યારે 21 પશુ એમ્બ્યુલન્સ કાર્યરત છે.

જિલ્લા પંચાયત ખાતે યોજાયેલ લોકાર્પણ કાર્યક્રમમાં સાંસદ નારણભાઇ કાછડીયા, સચિવ નલીન ઉપાધ્યાય, પશુપાલન નિયામક ડો. ફાલ્ગુનીબેન ઠાકર, જિલ્લા કલેક્ટર આયુષ ઓક, જિલ્લા વિકાસ અધિકારી તેજસ પરમાર વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે જિલ્લાના નાયબ પશુપાલન નિયામક ડો. ટી.સી. ભાડજા વિગેરેએ જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...