કરોડોની ડ્યૂટી ચોરીનો પર્દાફાશ:રાજુલાના પીપાવાવ પોર્ટ પર UAEના નામે પાકિસ્તાની ખજૂરના કન્ટેનરો ઘુસાડી દેવાયા, કસ્ટમ વિભાગે 80 કન્ટેનર ડિટેઈન કર્યા

અમરેલી11 દિવસ પહેલા
  • પાકિસ્તાનથી આયાત બતાવે તો 200 ટકા ડ્યૂટી સામે UAE માટે 30 ટકા ડ્યૂટી હોવાથી આરોપીઓએ કન્ટેનરો UAEના બતાવ્યાં
  • 100 કરોડની ડ્યૂટી ચોરી સામે આવતા હાલ કસ્ટમ્સ વિભાગે 1600 ટન ખજૂર ડિટેઈન કર્યો

અમરેલી જિલ્લાના દરિયા કાંઠે આવેલા રાજુલાના પીપાવાવ પોર્ટ પર દિલ્હીની ડમી પેઢીના નામે આચરવામાં આવેલી કરોડોની ડ્યૂટી ચોરી કૌભાંડનો પર્દાફાશ થયો છે. પોર્ટ પર UAEના નામે ઘુસાડી દેવાયેલા પાકિસ્તાની ખજૂરના 80 કન્ટેનર ડિટેઈન કરવામાં આવ્યાં છે. પાકિસ્તાનથી ખજૂરના કન્ટેનરો આવ્યાં હતા. પરંતુ આ કન્ટેનરોને UAEના બતાવી 100 કરોડની ડ્યૂટી ચોરી કરવામાં આવી છે.

કસ્ટમ્સ વિભાગને જાણ થાય તે પહેલા જ 500 કન્ટેનર ક્લિયર કર્યા
પાકિસ્તાનથી આયાત બતાવે તો 200 ટકા ડ્યૂટી લાગે છે, જ્યારે UAE માટે 30 ટકા ડ્યૂટી લાગે છે, જેથી આરોપીઓએ પાકિસ્તાનના બદલે કન્ટેનરો UAEના બતાવ્યાં હતા. જેથી 170 ટકા ડયૂટીની ચોરી કરતા હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, કસ્ટમ્સ વિભાગને જાણ થાય તે પહેલા જ તેમણે 500 કન્ટેનર ક્લિયર કર્યા હતા. જે બાદમાં તપાસ કરતા સમગ્ર મોડસ ઓપરેન્ડ સામે આવી હતી.

ઉચ્ચ અધિકારીઓની તાત્કાલિક બેઠક બોલાવાઈ
100 કરોડની ડ્યૂટી ચોરી સામે આવતા હાલ કસ્ટમ્સ વિભાગે 1600 ટન ખજૂર ડિટેઈન કર્યો છે. તેમજ કસ્ટમ્સ વિભાગના ઉચ્ચ અધિકારીઓની તાત્કાલિક બેઠક બોલાવવામાં આવી છે.

ખજૂર વેપાર થકી પાકિસ્તાનીઓ ટેરર ફંડિગ કરતા હોવાની આશંકાઓ
આ ઉપરાંત 500 કન્ટેનરની તપાસ કર્યા વગર OC આપનારા કસ્ટમ્સના અધિકારીઓ સામે કાર્યવાહી કરવા પણ તાકીદ કરવામાં આવી છે. તેમજ ખજૂર વેપાર થકી પાકિસ્તાની આકાઓ ટેરર ફંડિગ કરતા હોવાની પણ આશંકાઓ હાલ સેવાઈ રહી છે. પ્રથમ 500 કન્ટેનર ક્લિયર થયા ત્યાં સુધી કોઈને શંકા ગઈ ન હતી. જોકે, છેલ્લે સમગ્ર કૌભાંડનો પર્દાફાશ પીપાવાવ પોર્ટ પર થતા સમગ્ર ઉદ્યોગ ગૃહમાં ફફડાટ ફેલાયો છે.

અન્ય સમાચારો પણ છે...