લોકોની ભીડ:અમરેલીમાં દીપાવલી પૂર્વે રવિવારી બજારમાં ખરીદી માટે લોકોની ભીડ

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હવે ગ્રામ્ય વિસ્તારમાંથી ખરીદી નીકળે તેવી પાથરણાવાળાને આશા બંધાઇ

દિવાળીના તહેવારને 19 દિવસ બાકી રહ્યા છે. ત્યારે અમરેલીમાં રવિવારી બજારમાં તહેવારની ખરીદીની ભીડ ઉમટી હતી. હજુ પણ આગામી દિવસોમાં ગ્રામ્ય વિસ્તારની ખરીદીમાં વધારો થવાની પાથરણાવાળાઓને આશા બંધાણી છે. ગત વર્ષે કોરોના મહામારીના કારણે રવિવારી બજારમાં ખરીદી નહીવત જોવા મળતી હતી.

કોરોના કાળમાં ધંધા રોજગાર પર માઠી અસર પહોંચી હતી. જેમાં રવિવારી બજારમાં પાથરણા પાથરી પેટિયું રળતા નાના વેપારીઓ પર સૌથી વધારે અસર પહોંચી હતી. અત્યાર સુધી રવિવારી બજારમાં ખરીદી નહીવત જોવા મળતી હતી. પણ દિવાળીનો તહેવાર નજીક આવતો હોવાથી આજે રવિવારી બજારમાં લોકો ખરીદીમાં ઉમટી રહ્યા હતા.

બજારમાં પાથરણું પાથરી વેપાર કરતા ભાવનાબેન નિફાડીયાએ જણાવ્યું હતું કે અત્યારે ગ્રામ્ય વિસ્તારમાંથી લોકો ખરીદી કરવા માટે આવતા નથી. ગામડામાં અત્યારે ખેતીપાકની સીઝન ચાલી રહી છે. પણ આવનારા દિવસોમાં રવિવારી બજારમાં ગામડામાંથી દિવાળીના તહેવારની ખરીદી વધશે. અત્યારે મોટાભાગના લોકો શહેરી વિસ્તારમાંથી ખરીદી અર્થે આવી રહ્યા છે. પણ ગત વર્ષ કરતા ઓણસાલ તહેવાર સમયે ખરીદીમાં વધારો થશે. આ ઉપરાંત અહીંની બજારમાં લુખ્ખાઓ ત્રાસ વધી ગયો છે.

અન્ય સમાચારો પણ છે...