અમરેલી જિલ્લામાં આવેલા ગીર (પૂર્વ) ધારી ડિવિઝનના દલખાણીયા રેન્જ પાસે કાંગસા નજીકના રેવન્યુ વિસ્તારમાં આસપાસ દુર્લભ જણાતું ઘોરખોદિયું જોવા મળ્યું હતું. જેની જાણ વનવિભાગને થતાં પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી અને તેને પકડી પાડતા જાણવા મળ્યું કે બે સિંહો સાથે બાખડતા તેના પગમાં અને પીઠના ભાગે સામાન્ય ઈજા થઈ. જેથી તેને જસાધાર વન્યપ્રાણી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યું હતું.
ઘોરખોદિયાની ખાસિયત
ઘોરખોદિયું બેઠી દડીનું પ્રાણી છે ,જેનો ઉપરનો અડધો ભાગ સફેદ તથા નીચેનો ભાગ કાળો હોય છે. જે મોટા ભાગે જંગલ વિસ્તાર, નદીની કોતરો તથા ખડકાળ વિસ્તારમાં જોવા મળે છે. આ પ્રાણી શરમાળ અને નિશાચર હોવાને કારણે ભાગ્યે જ જોવા મળે છે. તે મિશ્રાહારી છે અને સામન્ય રીતે નાના પશુપંખી, જીવડાં , ફળ તથા મધનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. શરીર પરની ચામડી ઘણી સખત હોવાથી સાહુડીનાં કાંટા, સાપ તથા મધમાખીના ડંખની પણ ખાસ અસર થતી નથી.
સમગ્ર ભારતમાં જોવા મળે છે ઘોરખોદિયું
ઘોરખોદિયુંએ ગુજરાતીમાં વેંઝુ, બરટોડો, ઘુરનાર જેવા વિવિધ નામોથી અને અંગ્રેજીમાં 'હની બેજર' અથવા 'રેટલ'નાં નામથી પ્રચલિત છે. વન્યજીવ સંરક્ષણ કાયદો 1972 અંતર્ગત ઘોરખોદિયું અનુસૂચિ - 1માં રક્ષિત છે. પશ્ચિમ ઘાટ, ઉતર પૂર્વીય ભારત અને ઉચ્ચ હિમાલય સિવાય સમગ્ર ભારતમાં ઘોરખોદીયું જોવા મળે છે. ગુજરાતમાં રણ વિસ્તાર સિવાય બધા જ ભાગોમાં તેનો વ્યાપ છે. સમગ્ર ગીરમાં પણ તેનો વ્યાપ જોવા મળે છે પણ આખો દિવસ બખોલ અથવા દરમાં રેહતું હોવાથી તેનું નજરે ચડવું દુર્લભ બને છે. શરમાળ પ્રકૃતિનું હોવા છતાં ભય જણાય તો આક્રમક બની ઘુરારાટી કરે છે અને સિંહ, દીપડા જેવા વન્યપ્રાણીની સામે થવામાં પણ પીછેહઠ કરતું નથી. આ ઊપરાંત અત્યંત કટોકટીની સ્થિતિમાં તે મરી ગયેલું હોય તેવો ડોળ કરે છે જે તેની આગવી વિશેષતા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.