તાઉ-તે વાવાઝોડું ગત રાત્રે ગુજરાતમાં દીવથી પ્રવેશ્યું હતું. ત્યાર બાદ ભાવનગરથી આગળ વધી રહ્યું છે. ગુજરાતના છેવાડાના બનાસકાંઠા સુધીના 450 કિલોમીટરના પટ્ટા પરથી પસાર થનારું વાવાઝોડું આસપાસના 100 કિલોમીટરના ઘેરાવામાં અસર કરી શકે છે. વાવાઝોડાનું કેન્દ્રબિંદુ એટલે કે 'આઈ' 35 કિલોમીટર આસપાસનો ઘેરાવો ધરાવે છે. આઈ આસપાસનો કિલોમીટરનો વિસ્તાર મળી કુલ 40 કિમીના વિસ્તારમાં અત્યંત જોખમી સ્થિતિ સર્જાઈ છે. જ્યારે 50 અને 100 કિમીના બફર ઝોનમાં અસર થવાની શક્યતા છે.
વાવાઝોડું દીવથી જમીન પર પૂર્ણરૂપે પ્રવેશ્યું
સમુદ્રમાં ઉદ્ભવેલું તાઉ-તે વાવાઝોડું ગત રોજ રાતે 10 આસપાસ દીવથી જમીન પર પૂર્ણરૂપે પ્રવેશ્યું હતું. જોકે અંદાજે 30થી 40 કિલોમીટરનું કેન્દ્રબિંદુ એટલે કે આઈ ધરાવતા વાવાઝોડાને કારણે ઉના અને દીવ વિસ્તારમાં રાતે આઠ વાગ્યાથી જ 100થી 130 કિલોમીટરની ગતિએ પવન ફૂંકાવાનું શરૂ થઈ ગયો હતો. સોમવારે રાતે આઠ વાગ્યાથી જ સૌરાષ્ટ્રના સાગરકાંઠે વાવાઝોડાનો કરન્ટ શરૂ થયો છે.
વાવાઝોડું આજે રાત્રે રાજસ્થાનમાં પ્રવેશવાની શક્યતા
વાવાઝોડું ગીર-સોમનાથ જિલ્લાથી ગુજરાતમાં પ્રવેશ્યા પછી જૂનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ, પોરબંદર ઉપરાંત અમુક અંશે ભરૂચ, અમદાવાદ અને આણંદ જિલ્લામાં અસર કરી બનાસકાંઠા થઈને આજે રાત્રે રાજસ્થાનમાં પ્રવેશી જશે એવી શક્યતા છે. જોકે સૌરાષ્ટ્રથી શરૂ કરી મધ્ય અને ઉત્તર ગુજરાતમાં તબાહી મચાવીને વાવાઝોડું રાજસ્થાનમાં પ્રવેશ છે ત્યારે ખાસ્સુ હળવું પડી ગયું હશે.
વાવાઝોડાની અસરનો ઘેરાવો 100 કિલોમીટર
ગંભીર બાબત એ છે કે 30થી 35 કિલોમીટરનું કેન્દ્રબિંદુ ધરાવતા વાવાઝોડાની અસર આસપાસના 100 કિલોમીટર વિસ્તારમાં થશે. દીવથી પ્રવેશેલું વાવાઝોડું સોમવારે રાતે આઠ વાગ્યાથી મંગળવાર રાત્રિ સુધીમાં બનાસકાંઠાને વટાવશે. વાવાઝોડું ગુજરાતમાં અંદાજે 450 કિલોમીટરના પટ્ટામાંથી પસાર થશે. વાવાઝોડાની અસરનો ઘેરાવો 100 કિલોમીટર જેટલો રહેશે.
કેન્દ્રબિંદુ આસપાસના 10 કિમીમાં વધુ તબાહી
વાવાઝોડાની આઈ એટલે કે કેન્દ્રબિંદુ આસપાસના 10 કિલોમીટરના વિસ્તારમાં મહત્તમ તબાહી થઈ શકે છે. આ વિસ્તારમાં 100 કિમીથી વધુ ઝડપનો તારાજી વેરતો પવન અને અતિભારે એટલે કે 8થી 10 ઈંચ વરસાદ વરસી શકે છે. જ્યારે 50 કિલોમીટરના બફર એરિયામાં ભારે પવન અને ચારથી પાંચ ઈંચ વરસાદ વરસી શકે છે. જ્યારે 100 કિમીના વિસ્તારમાં 50 કિમી સુધી પવન તેમજ વરસાદ વરસી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.