અમરેલીમા શાકમાર્કેટ નજીક આવેલ બાલમુકુંદ જવેલર્સ ધરાવતા નિતીનભાઇ હરીભાઇ રાજપરા નામના વેપારીને ત્યાં અજાણ્યું દંપતિ ગ્રાહક બનીને આવ્યા બાદ સોનાના ઘરેણાની ચોરી કરીને લઇ ગયુ હતુ. વેપારીએ સીસીટીવીની ચકાસણી કરતા તેને ચોરી થયાની જાણ થતા તેણે અમરેલી સીટી પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી હતી.
જેને પગલે જિલ્લા પોલીસવડા હિમકરસિંહની સુચનાથી એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ આર.કે.કરમટા તથા ટીમે તપાસ હાથ ધરી બાતમીના આધારે જિલ્લા પંચાયત રોડ પરથી આ દંપતિને ઝડપી લીધુ હતુ. પોલીસની પુછપરછમા આ દંપતિ અમદાવાદમા રહેતા કમલેશ ઉર્ફે રાજા થાવર રંગવાણી અને તેની પત્ની પુનમબેન ઉર્ફે પુર્ણિમા કમલેશ રંગવાણી હોવાનુ ખુલ્યુ હતુ. પોલીસે બંને પાસેથી સોનાના ઘરેણા મળી 1.65 લાખનો મુદામાલ કબજે લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
દંપત્તિ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે
ઝડપાયેલ આ દંપતિની પુછપરછ કરતા તે ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનુ ખુલ્યુ હતુ. આ દંપતિએ અગાઉ અમદાવાદ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર ઉપરાંત રાજસ્થાનના કોટા, ભીલવાડા, બીકાનેર, જયપુર જેવા શહેરોમા પણ ચોરી કરી હોવાનુ ખુલ્યુ હતુ.
ગ્રાહક બની દુકાનમાં જઇ ચોરીને અંજામ આપે છે
આ દંપતિ સોનાના ઘરેણાની ખરીદી કરવાના બહાને દુકાનમા પહોંચી જાય છે અને જુદાજુદા ઘરેણા કઢાવ્યા બાદ વેપારીની નજર ચુકવી ચોરીને અંજામ આપે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.