કપાસ સર્વોચ્ચ સપાટીને આંબશે:અમરેલી યાર્ડમાં સપ્તાહમાં પાંચ દિવસ ભાવ 2900થી વધુ રહ્યો, 3 હજાર થવાની શક્યતા

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જે ખેડૂતોએ કપાસ સંગ્રહી રાખ્યો તેને ફાયદો : સરેરાશ 1500 ક્વિન્ટલની આવક

અમરેલી પંથકના ખેડૂતો સૌથી વધુ કપાસનુ વાવેતર કરે છે ત્યારે કપાસની સિઝન પુરી થયા બાદ હવે ખેડૂતોને કપાસનો તગડો ભાવ મળી રહ્યો છે. અમરેલી યાર્ડમા કપાસનો ભાવ ત્રણ હજારની સર્વોચ્ય સપાટીને આંબવા જઇ રહ્યો છે. અહી અમરેલી યાર્ડમા ખેડૂતોને 2970નો ભાવ મળી ચુકયો છે. ગત ચોમાસામા અમરેલી જિલ્લામા કપાસનુ વાવેતર કરનાર ખેડૂતોને તગડો ફાયદો થયો છે. ખાસ કરીને જે ખેડૂતોએ માલ સંગ્રહી રાખ્યો હતો. અથવા જે તે સમયે પુરો માલ વેચ્યો ન હતો અને થોડો ઘણો કપાસ ઘરમા રાખી મુકયો હતો. તેમને હાલમા કપાસના અત્યાર સુધીના સૌથી ઉંચા ભાવ મળી રહ્યાં છે.

બલકે હવે કપાસનો પ્રતિ મણનો ભાવ રૂપિયા ત્રણ હજારને આંબી જાય તે દિવસો દુર નથી. કારણ કે અમરેલી યાર્ડમા હાલમા ખેડૂતોને 2900થી લઇ 2970 સુધીનો ભાવ તો મળી ચુકયો છે. આમ પણ અમરેલી જિલ્લામા પાછલા દોઢ દાયકા કરતા વધુ સમયથી મહતમ વાવેતર કપાસનુ થઇ રહ્યું છે. સિંચાઇની અપુરતી સુવિધા છતા મગફળીના ભાવ અને પાક બગડવાની સંભાવના સામે કપાસમા ઉતારો સારો રહેતો હોય અહીના ખેડૂતો કપાસની ખેતી તરફ વળ્યાં છે.

ગત વર્ષે પણ અમરેલી જિલ્લાની કુલ વાવેતર લાયક જમીન પૈકી અડધાથી વધુમા કપાસ વવાયો હતો. હાલમા અમરેલી યાર્ડમા છેલ્લા એક સપ્તાહથી કપાસના ભાવ આસમાનને આંબેલા છે. ગત 13મી તારીખે કપાસનો ભાવ 1485થી લઇ 2800 સુધી બોલાયો હતો. જયારે 16મી તારીખે 1600થી લઇ 2951 અને 17મી તારીખે 1520થી લઇ 2970 સુધીનો ભાવ બોલાયો હતો. આજે 20મી તારીખે પણ કપાસનો ભાવ 1490થી લઇ 2900 સુધી રહ્યો હતો. છેલ્લા સાત દિવસ પૈકી પાંચ દિવસ એવા હતા જયારે કપાસનો મહતમ ભાવ 2900 કરતા વધુ રહ્યો હતો.

હાલમાં યાર્ડમાં કપાસની કેટલી આવક ?
અમરેલી યાર્ડમા ગત 16મી તારીખે 2178 કવીન્ટલ, 17મીએ 1886 કવીન્ટલ, 18મીએ 1684 કવીન્ટલ, 19મીએ 1087 કવીન્ટલ અને 20મીએ 902 કવીન્ટલ કપાસની આવક થઇ હતી.

3 જિલ્લાના ખેડૂતો આવે છે યાર્ડમાં : સોજીત્રા
અમરેલી માર્કેટીંગયાર્ડના ચેરમેન પી.પી.સોજીત્રાએ જણાવ્યું હતુ કે અમરેલી યાર્ડમા ત્રણ જિલ્લાના ખેડૂતો હરરાજીમા માલ લઇ આવે છે. હાલમા દોરાની ગાંસડીનો ભાવ પણ 1.10 લાખે પહોંચ્યો છે. કપાસની માંગ પણ વધી હોય ભાવ ઉંચકાયો છે. નવો કપાસ આવે ત્યાં સુધી જુના કપાસની આવક ચાલુ રહેશે.

3 લાખ હેકટરમાં થયું હતંુ કપાસનું વાવેતર
ગત ખરીફ સિઝનમા અમરેલી જિલ્લામા કુલ વાવેતર લાયક 5.56 લાખ હેકટર વિસ્તારમાથી 3.01 લાખ હેકટરમા કપાસનુ વાવેતર થયુ હતુ. જાફરાબાદ, ખાંભા અને બગસરાને બાદ કરતા બાકીના તમામ તાલુકામા સૌથી વધુ કપાસ વવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...