રેપીડ ટેસ્ટીંગ:હવે માત્ર રાજુલા અને અમરેલીમાં જ કોરોના ટેસ્ટ, જિલ્લામાં 66 દિવસથી કોરોનાનો એક પણ કેસ નહીં

અમરેલી6 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • વહીવટી તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો
  • ટેસ્ટીંગ 80 ટકા ઘટાડી દેવાયું
  • એક સમયે જિલ્લામાં પ્રતિ દિવસ 3 હજાર ટેસ્ટ કરાતા હતા, હવે રોજ માત્ર 600 ટેસ્ટ થાય છે

અમરેલી જિલ્લામાં છેલ્લા 66 દિવસથી કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. જેના કારણે હવે માત્ર જિલ્લાના રાજુલા અને અમરેલીમાં જ કોરોનાના આરટીપીસીઆર ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યા છે. સાથે સાથે જિલ્લામાં અત્યારે કોરોના ટેસ્ટીંગની 80 ટકા સંખ્યા ઘટી ગઇ છે. એક સમયે અમરેલી જિલ્લામાં કોરોનાનો હાહાકાર હતો. લોકો ઓક્સીજન માટે હડીયાપટ્ટી કરી રહ્યા હતા.

આ દ્રશ્ય અત્યારે લોકો યાદ કરે તો કેટલાકની આંખમાંથી આસુ વહી જાય છે. પણ અમરેલી જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેર સમી ગઇ છે. છેલ્લા 66 દિવસથી જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. છેલ્લે 6 માર્ચના રોજ અમરેલીમાં કોરોનાનો એક કેસ નોંધાયો હતો. અને જિલ્લામાં કોરોનાના 6 એક્ટીવ કેસ હતા. પરંતુ 11 માર્ચ જાણે અમરેલી જિલ્લામાં કોરોનાનો ખાતમો થઈ ગયો હોય તેમ જિલ્લો કોરોના મુક્ત બન્યો હતો. એટલે કે જિલ્લામાં એક પણ કોરોનાનો કેસ ન હતો.

ત્યારથી લઈને આજ સુધી જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. જેના કારણે લોકો અને વેપારીઓએ રાહતનો શ્વાસ લીધો છે. એક સમયે જિલ્લામાં પ્રતિ દિવસના 3000 જેટલા લોકોના આરટીપીસીઆર કોરોના ટેસ્ટ કરાતા હતા. પરંતુ અત્યારે આ સંખ્યા માત્ર 600 એ પહોંચી ગઈ છે. જેના કારણે જિલ્લા વહિવટી તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે.

જિલ્લામાં અત્યારે રાજુલા સરકારી હોસ્પિટલ અને અમરેલી સિવીલ હોસ્પિટલમાં જ આરટીપીસીઆર કોરોના ટેસ્ટીંગ શરૂ છે. જેના કારણે જિલ્લા વહિવટી તંત્ર અને આરોગ્ય વિભાગે રાહતનો શ્વાસ લીધો છે.

જિલ્લામાં અત્યારે ક્યા તાલુકામાં કેટલા ટેસ્ટીંગ ?
જિલ્લામાં અત્યારે અમરેલીમાં 163, બાબરામાં 40, બગસરામાં 44, ધારીમાં 46, જાફરાબાદમાં 31, ખાંભામાં 10, કુંકાવાવમાં 16, લાઠીમાં 118, લીલીયામાં 20, રાજુલામાં 42 અને સાવરકુંડલામાં 81 લોકોના કોરોના ટેસ્ટીંગ કરાય છે.

રેપીડ ટેસ્ટ સર્વેની ટીમ કરી રહી છે : આરોગ્ય અધિકારી
અમરેલી જિલ્લા આરોગ્ય અધિકારી જે.એસ. પટેલે જણાવ્યું હતું કે અત્યારે રાજુલા અને અમરેલીમાં જ આરટીપીસીઆર ટેસ્ટીંગ કરવામાં આવે છે. બાકી રેપીડ ટેસ્ટ તો ફીલ્ડમાં ફરતા કર્મચારીઓ પણ કરી રહ્યા છે. જિલ્લામાં કોરોના ટેસ્ટીંગની સંખ્યા ત્રણ ગણી ઘટી ગઇ છે.

જિલ્લામાં માત્ર 207 લોકોનું રસીકરણ
જિલ્લામાં કોરોનાના કેસ તો એક પણ નોંધાતા નથી. જેની સાથે સાથે રસીકરણ ઓછું થઈ રહ્યું છે. જિલ્લામાં મંગળવારે માત્ર 207 લોકોએ જ કોરોના વેક્સીન લીધી હતી. તેમાં પણ બાબરા, જાફરાબાદ, ખાંભા અને કુંકાવાવમાં એક પણ વ્યક્તિએ વેક્સીન લીધી ન હતી. તો બગસરા અને લીલીયામા પણ રસીકરણ અાેછુ થયુ છે.

અન્ય સમાચારો પણ છે...