કોરોના ઇફેક્ટ:જિલ્લામાં કોરોનાને પગલે સ્ટેશનરી ઉદ્યોગને ફટકો, અભ્યાસક્રમ બંધ હોવાથી 50 ટકા ખરીદી, સ્ટેશનરી સંચાલકોની મુશ્કેલી વધી

અમરેલી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગત વર્ષનો 60 ટકા સ્ટોક પડ્યો હોવાથી ઓણસાલ માત્ર 30 ટકા ખરીદી કરી
  • પાઠ્ય પુસ્તક બદલાતા જુના પુસ્તક રદ્દી બન્યા

અમરેલી જિલ્લામાં કોરોનાના પગલે સ્ટેશનરી ઉદ્યોગને મોટો ફટકો પડયો છે. શાળામાં અભ્યાસક્રમ બંધ હોવાથી માત્ર 50 ટકા ખરીદી થતા સ્ટેશનરી સંચાલકોની મુશ્કેલીમાં વધારો થયો છે. તેમજ ગત વર્ષ લોકડાઉનના કારણે 60 ટકા પુસ્તકનો સ્ટોક પડ્યો હતો. તેવા સમયે અમુક પાઠ્ય પુસ્તક બદલતા અને બોર્ડ સહિતની પરીક્ષા રદ થતા પુસ્તક રદ્દી બન્યા હતા. કોરોનાના મારથી સ્ટેશનરી ઉદ્યોગ પણ બાકાત રહ્યો નથી. રાજ્યમાં કોરોનાનો પ્રવેશ થતા શાળાઓમાં અભ્યાસક્રમ બંધ કરી દેવામાં આવ્યો હતો. ત્યારથી અમરેલી જિલ્લામાં સ્ટેશનરી સંચાલકોની માઠી દશા બેઠી છે.

ગત વર્ષે સ્ટેશનરી સંચાલકોએ પાઠ્ય પુસ્તકની 100 ટકા ખરીદી કરી હતી. કોરોનાના કારણે શાળાઓમાં અભ્યાસ બંધ થયો હતો. અને ઓનલાઈન અભ્યાસ શરૂ થતાં 60 ટકા જેટલો સ્ટોક વેચાયો ન હતો. જેના કારણે ઓણસાલ સ્ટેશનરી સંચાલકોએ માત્ર 30 થી 40 ટકા પાઠ્ય પુસ્તક મંગાવ્યા હતા. પરંતુ ગામડાઓમાં નેટવર્ક કનેક્ટિવિટીના કારણે યોગ્ય ઓનલાઈન અભ્યાસ થતો નથી.

જેના કારણે વાલીઓ પણ ખોટા પાઠ્ય પુસ્તકની ખરીદી કરતા નથી. શહેરી વિસ્તારોમાં પણ ગત વર્ષ કરતા માઇનોર ખરીદી જોવા મળે છે. જિલ્લામાં પાઠ્ય પુસ્તકની 50 ટકા ખરીદી થઈ રહી છે. બીજી તરફ ગુજરાતી અને ઈંગ્લીશ મીડિયમમાં અમુક પાઠ્ય પુસ્તકનો અભ્યાસક્રમ બદલાયો છે.

ધોરણ 11, 12 કોમર્સ અને ઇંગ્લીશ મીડીયમના પુસ્તકની ઘટ
અમરેલીના સ્ટેશનરી સંચાલક તપનભાઇ સંઘવીએ જણાવ્યું હતું કે આ વર્ષે પાઠ્ય પુસ્તકમાં ભાવ વધારો નથી. ધોરણ 11, 12 કોમર્સ અને ઈંગ્લીશ મીડીયમમાં પાઠ્ય પુસ્તકની ઘટ છે. ઉપર છપાયા ન હોવાથી આવ્યા નથી. તેમજ ગત વર્ષનો સ્ટોક પરત લેવા માટે સૌરાષ્ટ્ર બુક સેલર એસોસિએશને પાઠ્ય પુસ્તક મંડળને રજૂઆત કરી છે.

ક્યાં ધોરણમાં પાઠ્ય પુસ્તક બદલાયા ?

ધોરણવિષય
4ગુજરાતી
8સામાજિક વિજ્ઞાન
9કોમ્પ્યુટર
10સા.વિજ્ઞાન
12કોમ્પ્યુટર

​​​​​​​ફૂલસ્કેપ ચોપડામાં 25 થી 30 ટકા ભાવ વધારો

અમરેલીના સ્ટેશનરી સંચાલક વિરલભાઇ સંઘવીએ જણાવ્યું હતું કે પાઠ્ય પુસ્તકમાં ભાવ વધારો નથી. પણ ફૂલસ્કેપ ચોપડામાં 25 થી 30 ટકાનો વધારો થયો છે. તેમજ પાઠ્ય પુસ્તક બદલાયેલ વિષયની એક પણ બુક આવી નથી. પરીક્ષા રદ્દ થતા દોઢ લાખનો સ્ટોક પસ્તી થશે. -વિરલભાઇ સંઘવી, સ્ટેશનરી સંચાલક

પ્રાથમિક શાળામાં પાઠ્ય પુસ્તકનું વિતરણ શરૂ
જિલ્લા શિક્ષણ અધિકારી એમ.જી. પ્રજાપતિએ જણાવ્યું હતું કે જિલ્લાની 764 પ્રાથમિક શાળામાં પાઠ્ય પુસ્તકનું વિતરણ શરૂ છે. અને હાઈસ્કૂલમાં વિતરણની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. - એમ. જી. પ્રજાપતિ, જિલ્લા શિક્ષણ અધિકારી

અન્ય સમાચારો પણ છે...