રાજુલાનું રાજકારણ ફરી ગરમાયું:કોંગ્રેસ શાસિત રાજુલા નગરપાલિકાના પ્રમુખે જિલ્લા કલેક્ટરને રાજીનામું ધરી દીધું, પાલિકાને હવે 7માં નવા પ્રમુખ મળશે

અમરેલી12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજુલા પાલિકામાં કોંગ્રેસના ચાર વર્ષથી વધુના શાસનમાં અત્યાર સુધીમાં 6 પ્રમુખોએ રાજીનામાં ધરી ધીધા છે
  • પ્રમુખ છત્રજીત ધાખડાએ અંગત કારણોસર રાજીનામું આપી દીધું

અમરેલીના રાજુલા નગરપાલિકાના પ્રમુખ છત્રજીત ધાખડાએ આજે જિલ્લા કલેક્ટરને રાજીનામું ધરી દીધું હતું. કોંગ્રેસ શાસિત રાજુલા નગરપાલિકામાં પ્રમુખે રાજીનામું ધરી દેતા રાજકારણમાં ફરી ગરમાવો આવ્યો છે. પારિવારિક કામના લીધે પ્રમુખ તરીકેનો સમય આપી શકતો ન હોવાથી પ્રમુખ પદ છોડવા માગું છું તેમ લેખિતમાં જણાવી પાલિકા પ્રમુખે જિલ્લા કલેક્ટર સમક્ષ રાજીનામું ધરી દીધું હતું. જેને લઈ આગામી દિવસોમાં ફરી નવા પ્રમુખ રાજુલાને મળી શકે છે.

નવા પ્રમુખની વરણી માટે આગામી સમયમાં ચૂંટણી યોજાશે
રાજુલા નગરપાલિકાની ચૂંટણી સમયે ભાજપના 1 સદસ્ય અને 27 જેટલા કોંગ્રેસના સદસ્યો વિજેતા બનતા પાલિકામાં કોંગ્રેસનું શાસન બન્યું હતું. લોકોએ ખોબલે ખોબલે મત આપી કોંગ્રેસના સદસ્યોને વિજેતા બનાવ્યાં હતા. ત્યારબાદ પ્રથમ પાલિકા પ્રમુખ તરીકે મીનાબેન પ્રવીણભાઈ વાઘેલાની વરણી કરવામાં આવી હતી. જે બાદ 4 વર્ષના શાસનમાં 6 વખત પ્રમુખ બદલાયા છે. આ ચાર વર્ષોમાં કોંગ્રેસમાં ભારે કકળાટ સાથે ઘમાસાણ ચાલી રહ્યું હતું. જેથી એક બાદ એક પાલિકા પ્રમુખ રાજીનામું આપવાનો સિલસિલો ચાલું રહ્યો હતો. ત્યારે હવે નવા 7માં પ્રમુખની વરણી માટે ફરી ચૂંટણી જાહેર કરવામાં આવશે.

રમેશ કાતરીયા બની શકે છે નવા પ્રમુખ
રાજુલા નગરપાલિકાના પ્રમુખ છત્રજીત ધાખડાએ અંગત કારણો અને પરિવારીકકામોના કારણે રાજીનામું આપી દીધું છે. ત્યારે હવે સૂત્રો તરફથી મળતી વિગતો પ્રમાણે રમેશ કાતરીયા હવે નવા પ્રમુખ બની શકે છે. આવતા દિવસોમાં પ્રમુખ તરીકેની ચૂંટણીની તારીખ તંત્ર દ્વારા જાહેર કરવામાં આવશે.

રાજીનામું આપનારા પ્રમુખના નામ
1 મીનાબેન પ્રવીણભાઈ વાઘેલા
2 બાઘુબેન બાલાભાઈ વાણીયા
3 મીનાબેન પ્રવીણભાઈ વાઘેલા
4 કાંતાબેન કિશોરભાઈ ધાખડા
5 ઘનશ્યામભાઈ લાખણોત્રા
6 છત્રજીતભાઈ ધાખડા

અન્ય સમાચારો પણ છે...