રજૂઆત:બાઢડા-થોરડી-રાજુલા સુધીના રોડની કામગીરી શરૂ કરવા કોંગી ધારાસભ્ય અંબરીશ ડેરે મુખ્યમંત્રીને પત્ર લખ્યો

અમરેલી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કામ શરૂ નહીં થાય તો 1 અઠવાડિયા બાદ ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી

અમરેલી જિલ્લામાં સ્ટેટ હાઇવે ઉપરના રોડ માટેની મંજૂરી-ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ હોવા છતાં કેટલાક રોડની કામગીરી શરૂ નથી કરવામાં આવી. ત્યારે રાજુલા-સાવરકુંડલા વચ્ચે આવેલા બાઢડાથી થોરડી-રાજુલા રોડની કામગીરી પણ આટકી પડી છે. જેના કારણે આજે ગુરૂવારે રાજુલા-જાફરાબાદના કોંગ્રેસના ધારાસભ્ય અંબરીશ ડેર દ્વારા મુખ્યમંત્રીને પત્ર પાઠવી આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ હતી.

રાજુલાના ધારાસભ્ય અંબરીશ ડેરે મુખ્યમંત્રીને પત્ર પાઠવી જણાવ્યું હતું કે બાઢડા-થોરડી-રાજુલા રોડ સરકાર દ્વારા પ્રગતિપથ જાહેર થયેલો છે. આ રોડ ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે અને અમરેલી જિલ્લા મથક એવા અમરેલીને જોડતો મુખ્ય રાજ્ય રસ્તો છે. તેમજ આ રસ્તા ઉપર આ વિસ્તારના પીપાવાવ પોર્ટ, સ્વાન એનર્જી, અલ્ટ્રાટેક સિમેન્ટ, નર્મદા સિમેન્ટ ફેક્ટરી જેવી મોટી મોટી ઇન્ડસ્ટ્રિઝના હેવી વાહનવ્યહાર ખૂબજ મોટા પ્રમાણમાં થાય છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ હિંડોરણા-રાજુલા-બાઢડા-થોરડી રોડ માટે તેમની વખતોવખતની રજૂઆતને લીધે તારીખ 18 ફેબ્રુઆરી, 2019ના પત્રથી સરકાર દ્વારા પ્રગતિપથ હેઠળ 52000 લાખ અને તારીખ 29 ડિસેમ્બર, 2020ના પત્રથી રિસરફેસ કરવા માટે સરકાર દ્વારા 1947 લાખની સૈદ્ધાંતિક વહીવટી મંજૂરી આપવામાં આવી હતી તેમજ તેની ટેન્ડરીંગ પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ગઈ હતી. તેમ છતાં આ રોડનું કામ શરૂ કરવામાં આવતું નથી. તેમજ જો આગામી એક અઠવાડીયામાં કામ શરૂ નહીં કરવામાં આવે તો ના છૂટકે તેઓ ગાંધી ચીંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન કરશે. જેથી તાત્કાલિક આ રોડની કામગીરી શરૂ કરવામાં આવે તેવી તેમણે ખાસ ભલામણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...