રસીકરણનો મહાયજ્ઞ:અમરેલી મેડિકલ કોલેજ ખાતે જિલ્લા કલેકટર, ડીડીઓ અને સાંસદની ઉપસ્થિતીમાં રસીકરણનો પ્રારંભ

અમરેલી9 મહિનો પહેલા
  • કૉપી લિંક
અમરેલી મેડિકલ કોલેજ ખાતે દિપ પ્રાગટ્ય કરી રસીકરણનો પ્રારંભ. - Divya Bhaskar
અમરેલી મેડિકલ કોલેજ ખાતે દિપ પ્રાગટ્ય કરી રસીકરણનો પ્રારંભ.
  • પ્રથમ દિવસે 229 લોકોએ લીધી રસી
  • મેડિકલ કોલેજમાં રાત્રે 8 વાગ્યા સુધી રસીકરણ
  • બપોરબાદ પોર્ટલ જ ખુલ્યુ જ નહી : મેડિકલ કોલેજના ડીને લીધી પ્રથમ રસી : આડઅસરની કોઇ ઘટના નહી

સમગ્ર દેશની સાથે સાથે આજે અમરેલી જિલ્લામા પણ કોરોના મહામારીને નાથવા રસીકરણના મહાયજ્ઞનો આરંભ થયો હતો. અમરેલી મેડિકલ કોલેજ ખાતે જિલ્લા કલેકટર, ડીડીઓ અને સાંસદની ઉપસ્થિતિમા રસીકરણ શરૂ કરાયુ હતુ. સાંજના પાંચ વાગ્યા સુધીમા 229 લોકોને રસી અપાઇ હતી. ત્યારબાદ પણ રસીકરણ શરૂ હતુ. તો બીજી તરફ આડ અસરની કોઇ ઘટના સામે આવી ન હતી.

અમરેલી જિલ્લામા આજે ત્રણ સ્થળે રસીકરણની શરૂઆત કરવામા આવી હતી. કોરોના મહામારીને નાથવાના પ્રથમ ચરણમા આજે દેશભરમા શરૂ થયેલા વેકસીનેશન પ્રોગ્રામ અંતર્ગત અમરેલી જિલ્લામા પણ તેનો આરંભ થયો હતો. મેડિકલ કોલેજ અમરેલી ખાતે આ અભિયાનની શરૂઆત કરાવાઇ હતી. આ ઉપરાંત રાજુલા અને બગસરાની હોસ્પિટલમા પણ વેકસીનેશન શરૂ કરાયુ હતુ. અમરેલી ખાતે સાૈપ્રથમ અહીની મેડિકલ કોલેજના ડીન ડો.સિંહાએ વેકસીન લીધી હતી.

ત્યારબાદ અમરેલી જિલ્લાના ખ્યાતનામ ખાનગી તબીબો તથા અમરેલી સિવીલમા કોરોના વોર્ડ સંભાળતા ડો. વિજય વાળા ઉપરાંત સુપ્રિ. ડો.હરેશ વાળાએ પણ કોરોના વેકસીન લીધી હતી. સવારથી સાંજના પાંચ વાગ્યા સુધીમા જિલ્લાના ત્રણ વેકસીનેશન કેન્દ્રો પર 229 લોકોએ વેકસીન લીધી હતી. કુલ 300 લોકોને બોલાવવામા આવ્યા હતા. જુદાજુદા કારણોસર 99 આરેાગ્યકર્મી વેકસીન લેવા ન આવતા ત્યારબાદ રિઝર્વ લીસ્ટમાથી આરોગ્યકર્મીઓને બોલાવી રસી આપવાનુ શરૂ રખાયુ હતુ. અમરેલી સિવીલમા રાતના 8 વાગ્યા સુધી આ રીતે વેકસીનેશન શરૂ રખાયુ હતુ. જો કે જે લોકોએ વેકસીન લીધી તે પૈકી એકેયને કોઇ વિશેષ આડ અસર દેખાઇ ન હતી. ત્રણેય કેન્દ્ર ખાતે વેઇટીંગરૂમ, વેકસીનેશન રૂમ અને ઓબ્ઝર્વેશન રૂમની અલાયદી વ્યવસ્થા કરવામા આવી હતી. બીજી તરફ બપોર સુધી પોર્ટલમાં એન્ટ્રી થતી હતી પરંતુ બપોર બાદ પોર્ટલ ખુલ્યુ જ ન હતું. જેને પગલે ઓનલાઈન એન્ટ્રી વગર જ રસીકરણ શરૂ રખાયું હતું.

બગસરામા આરોગ્યકર્મીઓએ લીધી વેક્સિન
બગસરાની હોસ્પિટલ ખાતે આજે ધારાસભ્ય જે.વી.કાકડીયા, પ્રાંત અધિકારી, મામલતદાર તથા આરોગ્ય કેન્દ્રના અધિક્ષક ડો. સાવલીયા, ડો. ઠુંમર, પુર્વ પાલિકા પ્રમુખ રશ્મીનભાઇ ડોડીઆ વિગેરેની ઉપસ્થિતિમા વેકસીનેશનની શરૂઆત કરાવાઇ હતી. ફિઝીયોથેરાપીસ્ટ હિરાબેન વૈશ્નવને સાૈપ્રથમ વેકસીન અપાઇ હતી.

રાજુલામાં રસીકરણ અધિકારીને સાૈપ્રથમ વેકસીન
રાજુલા હોસ્પિટલ ખાતે આજે વેકસીનેશનના આરંભે સાૈપ્રથમ જિલ્લા રસીકરણ અધિકારી ડો. આર.કે.જાટને સાૈપ્રથમ રસી અપાઇ હતી. અહી અધિક્ષક ડો.જી.પી.રાબડીયા, તાલુકા હેલ્થ ઓફિસર ડો.કલસરીયા, ડો.ડી.સી.મકવાણા, પ્રાંત અધિકારી કે.એસ.ડાભીની ઉપસ્થિતિમા રસીકરણ શરૂ કરાયુ હતુ. ડો.જે.એમ.વાઘમશી અને ડો.હિતેષ હડીયાને પણ રસી અપાઇ હતી.

જિલ્લામાં કોરોનાના વધુ 5 કેસ, કુલ આંક 3768
બીજી તરફ આજે અમરેલી જિલ્લામા કોરોનાના વધુ 5 નવા કેસ સામે આવ્યા હતા. જેને પગલે જિલ્લામા અત્યાર સુધીમા કોરોનાના કુલ દર્દીની સંખ્યા 3768 પર પહેાંચી છે. આજે 1 દર્દીને હોસ્પિટલમાથી રજા અપાઇ હતી. જિલ્લામા હાલ 36 એકટીવ કેસ છે.

શું કહે છે સાૈપ્રથમ વેકસીન લેનારા તબીબો, અમરેલી શહેરના ખ્યાતનામ ખાનગી તબીબોએ પણ વેકસીન લીધી
અમરેલી |અમરેલી આજે વેકસીનેશનના આરંભે જ સરકારી અને ખાનગી તબીબોએ પણ વેકસીન લીધી હતી. શહેરના અનેક ખ્યાતનામ તબીબોએ વેકસીન લીધા બાદ આવનારા સમયમા લોકોને પણ કોઇપણ જાતનો ડર રાખ્યા વગર વેકસીન લેવા અનુરોધ કર્યો હતો. ડો.ડી.એમ.ઉનડકટ, ડો.ભરત કાનાબાર, ડો.અશોક પરમાર, ડો.નિતીન ત્રિવેદી, ડો.સ્વાતી વ્યાસ, ડો.વિજય વાળા, ડો.પરવાડીયા, ડો.હરેશ વાળા, ડો. વઘાસીયા વિગેરેએ વેકસીન લીધી હતી.

કોઇ સંકોચ, ડર વગર રસી લો: ડો.ત્રિવેદી
શહેરના જાણિતા પિડીયાટ્રીશીયન ડો.નિતીન ત્રિવેદીએ રસી લીધા બાદ જણાવ્યું હતુ કે આ રસીથી સમાજને નવો આત્મ વિશ્વાસ મળ્યો છે. અત્યાર સુધીમા ત્રણ કરોડ લોકેાને આ રસી અપાઇ ચુકી છે. જેથી કોઇ સંકોચ, ડર વગર લોકો રસી લે. અગાઉ પોલીયો, શિતળા જેવા રોગો રસીકરણથી જ નાબુદ થયા છે. - નિતીન ત્રિવેદી

રસીકરણથી જ ચેઇન તુટશે: ડો.ઉનડકટ
વેકસીન લેનાર ડોકટર હાઉસના ડો.ડી.એમ.ઉનડકટે જણાવ્યું હતુ કે રસીની ટ્રાયલ પુરી થઇ છે અને સેઇફ છે. રસીકરણથી જ કોરોનાની ચેઇન તુટશે. હું પણ દિવસ દરમિયાન અસંખ્ય પેશન્ટ તપાસુ છું. જો હું કોરોના સંક્રમિત થાઉ તો અનેક પેશન્ટને પણ ચેપનુ જોખમ રહે છે. આવી ચેઇન તુટવી જોઇએ. એટલે જ આજે પ્રથમ દિવસે મે વેકસીન લીધી છે. - ડો. ડી.એમ ઉનડકટ

વારો આવે ત્યારે લોકો સ્વૈચ્છાએ રસી લે
શહેરના જાણીતા તબીબ ભરત કાનાબારે જણાવ્યું હતુ કે વિશ્વનો આ સાૈથી મોટો રસીકરણ યજ્ઞ છે. સંપુર્ણ પરીક્ષણો બાદ આ રસી તૈયાર થઇ છે. આ રસી દેશમા જ તૈયાર થઇ છે. શહેરના અનેક ડોકટરોએ આજે આ રસી લીધી છે. લોકોએ ગેરસમજ અને અફવાથી દુર રહેવુ જોઇએ અને જયારે પણ પોતાનો વારો આવે ત્યારે સ્વૈચ્છાએ રસી લેવી જોઇએ. - ભરત કાનાબાર

દેશમાં બનેલી વેકસીન લેવાનું ગાૈરવ છે
અમરેલીના રેડીયોલોજીસ્ટ અને પ્રથમ દિવસે વેકસીન લેનાર ડો.સ્વાતિ વ્યાસે જણાવ્યું હતુ કે દેશમા જ બનેલી વેકસીન લેવાનુ ગાૈરવ છે.વેકસીન લીધા બાદ કોઇ જ મુશ્કેલી થઇ નથી. હું દરેક નાગરિકને અપીલ કરૂ છું કે વેકસીન લેવા માટે ઉત્સાહથી આગળ આવે. અને આ દેશમાથી કોરોનાને નાબુદ કરવા માટે પોતાનુ મહત્વનુ યોગદાન આપે. - ડો. સ્વાતિબેન

અન્ય સમાચારો પણ છે...