વરસાદે સર્જેલા નુકશાનનો સર્વે:સાવરકુંડલા, લીલિયા અને બાબરાના 27 ગામમાં તારાજીના સર્વેનો પ્રારંભ, સર્વે માટે 11 ટીમ મેદાનમાં ઉતરી

અમરેલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • પ્રાથમિક સર્વેમાં ત્રણ તાલુકામાં નુકસાન હોવાનું સામે આવ્યું

જિલ્લામાં ભાદરવામાં ભરપૂર વરસાદ પડ્યો હતો. નદીઓ ગાંડીતુર બની હતી. અને નદી કાઠાં વિસ્તારમાં ખેતીપાકને નુકશાન થયું હોવાની ખેતીવાડી વિભાગને રજૂઆત પહોંચી હતી. જિલ્લા ખેતીવાડી તંત્રે રજૂઆતના સ્થળ પર પ્રાથમિક સર્વે હાથ ધર્યો હતો. જેમાં જિલ્લાના 11 તાલુકામાંથી સાવરકુંડલા, લીલીયા અને બાબરા તાલુકાના નદીકાંઠાના 27 ગામડામાં નુકશાની હોવાનું સામે આવ્યું હતું. ખેતીવાડી વિભાગે ખેતીપાકમાં વરસાદે સર્જેલ નુકશાનીનો તાગ મેળવવા માટે સર્વેની કામગીરી હાથ ધરી હતી. અહી 11 ટીમોને ખેતીપાકમાં રીયલ સ્થિતિ શુ છે. તે અંગે કામગીરી સોંપવામાં આવી છે. જિલ્લાભરમાં ઓણસાલ 109 ટકા સીઝનનો વરસાદ પડ્યો છે.

મોટાભાગના તાલુકામાં સીઝનનો વરસાદ 120 ટકાને પાર પહોંચી ગયો છે. ભારે પુર અને વરસાદના કારણે ખેતીપાકને નુકશાન પહોંચ્યું હતું. જિલ્લા ખેતીવાડી અધિકારી જીજ્ઞેશ કાનાણીએ જણાવ્યું હતું કે સાવરકુંડલા, લીલીયા અને બાબરા પંથકમાંથી વરસાદી નુકશાનીની રજૂઆત આવી હતી.પ્રથમ તો પ્રાથમિક સર્વે હાથ ધરાયો હતો. જેમાં સાવરકુંડલા, લીલીયા અને બાબરાના નદી કાંઠા વિસ્તારના 27 જેટલા ગામડામાં ખેતીપાકને નુકશાન થયું હોવાનું જણાય આવ્યું હતું.

એનડીઆરએફના ઠરાવ પ્રમાણે નદી કાંઠામાં ભારે વરસાદ પુરના કારણે થયેલ નુકશાનનો સર્વે થઈ રહ્યો છે. અતિવૃષ્ટિનો સર્વે નથી. અહી એક કલાસ વન અધિકારી, વિસ્તરણ અધિકારી, તલાટી, ગ્રામસેવક અને સરપંચની એક ટીમ નુકશાનગ્રસ્ત વિસ્તારમાં સર્વે હાથ ધરશે. કેટલું નુકશાન છે. તે અંગે સર્વે પુર્ણ થયા બાદ જ ખ્યાલ આવશે.

સર્વે પૂર્ણ થયા બાદ સરકારને નુકસાની અંગે રીપોર્ટ કરાશે: ખેતીવાડી અધિકારી
જિલ્લા ખેતીવાડી અધિકારી જીજ્ઞેશ કાનાણીએ જણાવ્યું હતું કે સર્વેનો જે રીપોર્ટ હશે. તે સરકારને રજૂ કરવામાં આવશે. અને બાદમાં જ સહાય અંગે નિર્ણય લેવાશે. સાવરકુંડલા, લીલીયા અને બાબરા તાલુકા સિવાય અન્ય તાલુકામાંથી નુકશાનીની અંગે રજૂઆત આવી નથી. જો રજૂઆત આવશે. તો તપાસ કરાશે. - જીજ્ઞેશ કાનાણી

3 તાલુકાને બાદ કરતા મગફળી અને કપાસમાં છુટક છુટક નુકસાન
જિલ્લા ખેતીવાડીના સુત્રોએ જણાવ્યું હતું કે રાજુલા, જાફરાબાદ, ખાંભા, બગસરા, અમરેલી, ધારી, વડીયા અને લાઠી પંથકમાં મગફળી અને કપાસમાં છુટક છુટક નુકશાન છે. તેમજ યાર્ડમાં કપાસ અને મગફળીની આવક પણ વધારે જોવા મળે છે.

ક્યા તાલુકામાં સીઝનનો કેટલા ટકા વરસાદ ?
સરકારી આંકડા પ્રમાણે જિલ્લાના અમરેલીમાં 125, સાવરકુંડલામાં 107, ખાંભામાં 103, રાજુલામાં 131, જાફરાબાદમાં 90, લીલીયામાં 131, ધારીમાં 94, બગસરામાં 118, વડીયામાં 113, લાઠીમાં 71 અને બાબરામાં 120 ટકા સીઝનનો વરસાદ પડ્યો છે.

અન્ય સમાચારો પણ છે...