અમરેલીના જાફરાબાદના દરિયામાં માછીમારી કરી રહેલી એક બોટમાં એક માછીમારને બોટનું એન્કર લાગતા ગંભીર રીતે ઘાયલ થયો હતો. જેનું રેસ્ક્યુ કરવા માટે કોસ્ટગાર્ડ દ્વારા ઓપરેશન હાથ ધરાયું હતું. બોટ પર ઘાયલ થયેલા માછીમારને કોસ્ટગાર્ડની બોટમાં પીપાવાવ પોર્ટ પર લાવવામાં આવી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. રેસ્ક્યુ માટે પોરબંદર કોસ્ટગાર્ડ દ્વારા હેલિકોપ્ટરની મદદથી પણ સર્ચ કરવામાં આવ્યું હતું.
જાફરાબાદથી 50 નોટિકલ માઈલ દૂર મધદરિયે આજે અકસ્માતની ઘટના બની હતી. જાફરાબાદના હમીરભાઈ મુળજીભાઈ શિયાળની 'ધનપ્રસાદ' નામની બોટમાં 8 માછીમારો માછીમારી કરી રહ્યા હતા. ત્યારે એક માછીમાર પર બોટનું એન્કર ઉડીને આવતા ગંભીર રીતે ઘાયલ થયો હતો. સમુદ્રમાંથી વાયરલેસ મારફતે જાફરાબાદ બોટ એસોસિએશનને જાણ કરતા આગેવાનો દ્વારા તાત્કાલીક પીપાવાવ કોસ્ટગાર્ડને જાણ કરી હતી. પરંતુ, કિનાર પર પાણી ઓછું હોવાને કારણે કોસ્ટગાર્ડની શિપ દરિયા કાંઠેથી નીકળી શકે તેમ ન હોવાને કારણે તેમના દ્વારા પોરબંદર કોસ્ટગાર્ડને જાણ કરવામાં આવી હતી. પોરબંદર કોસ્ટગાર્ડની ટીમ દ્વારા હેલિકોપ્ટરની મદદથી બોટની શોધખોળ હાથ ધરી હતી. જો કે, તેમાં સફળતા મળી ન હતી. પરંતુ, કોસ્ટગાર્ડના શીપ દ્વારા 'ધનપ્રસાદ' બોટને શોધી લેવામાં આવી હતી. બોટ પર ઘાયલ માછીમારને લઈ કોસ્ટગાર્ડની શીપ પીપાવાવ આવવા રવાના થઈ હોવાનું જાણવા મળ્યું છે.
નોંધનીય છે કે, 2 દિવસ પહેલા ઇમરજન્સી સારવાર નહિ મળવાના કારણે આ પ્રકારના અકસ્માતમાં જાફરાબાદના એક ખલાસીનું મોત નીપજ્યું હતું. જેના કારણે માછીમારોમાં શોકનો માહોલ છવાયો હતો. ત્યારબાદ આજે ફરી દરિયામાં અકસ્માતની ઘટના બનતા કોસ્ટગાર્ડની મદદ માગવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.