વિવાદ:સાવરકુંડલામા રોડનું નબળું કામ હોવા અંગે કહેતા ભાજપના નેતાઓ વચ્ચે બોલાચાલી

અમરેલી12 દિવસ પહેલા
  • કૉપી લિંક

સાવરકુંડલામા જેસર રોડ પર કોન્ટ્રાકટરને નબળુ કામ કરી વહિવટ કરવાનુ કહેવા અંગેની પાલિકા ઉપપ્રમુખ જયસુખ નાકરાણીની કથિત ઓડિયો કલીપ વાયરલ થયા બાદ આ મુદે નાકરાણી અને પુર્વ પ્રમુખ ડી.કે. પટેલે કોન્ટ્રાકટર સાથે પણ ડખ્ખો કર્યો હતો અને આજે પાલિકાના પ્રમુખના પતિ તથા શહેર ભાજપ પ્રમુખ સાથે પણ જાહેર ચોકમા જ ઉગ્ર બોલાચાલી થતા ભાજપ છાવણીમા ભારે ચકચાર મચી છે.

સાવરકુંડલામા ભારતીય જનતા પાર્ટીની આબરૂના ધજાગરા કરતી ઘટના છેલ્લા એક સપ્તાહથી બની રહી છે. આજે જેસર રોડ પર મંગલમ સોસાયટી ખાતે ચાલી રહેલુ રોડનુ કામ નબળુ હોવાનુ કહી પાલિકા ઉપપ્રમુખ જયસુખ નાકરાણી અને પુર્વ પ્રમુખ અને હાલના સદસ્ય ડી.કે.પટેલ ત્યાં પહોંચ્યા હતા.

આ સમયે શહેર ભાજપ પ્રમુખ પ્રવિણભાઇ સાવજ અને પાલિકા પ્રમુખના પતિ રાજુભાઇ દોશી ત્યાં દોડી આવતા ભાજપના આ આગેવાનો જાહેરમા જ બાખડી પડયા હતા. આ આગેવાનોએ એકબીજા પર જાહેરમા આક્ષેપો કરી ઉગ્ર બોલાચાલી કરી હતી. લોકોએ અહી તેમની આ બઘડાટીના વિડીયો પણ ઉતાર્યા હતા.

રોડના કામમા ભ્રષ્ટાચાર છાવરવાનુ કામ છાપરે ચડીને પોકારતા હવે પાલિકામા અવિશ્વાસની દરખાસ્ત રજુ કરવાનો તખતો પણ ગોઠવાઇ રહ્યો છે. અગાઉ જયસુખ નાકરાણી અને કોન્ટ્રાકટરની સાંઠગાંઠની ઓડિયો કલીપ વાયરલ થઇ હતી. પરંતુ કલીપ વાયરલ થઇ જતા કોન્ટ્રાકટરના સુપરવાઇઝરને જયસુખ નાકરાણી અને ડી.કે.પટેલે ધમકાવતા બંને સામે પોલીસ ફરિયાદ પણ નોંધાઇ હતી.

હવે કોન્ટ્રાકટરનુ નાક દબાવતા આગેવાનો
એક તબક્કે કોન્ટ્રાકટર અને ભાજપ આગેવાનોની સાંઠગાંઠ આખા શહેરે ખુલ્લેઆમ જોઇ હતી. પરંતુ ઓડિયો કલીપ અને પોલીસ ફરિયાદ બાદ હવે ભાજપના બંને આગેવાનો કામ નબળુ હોવાના મુદે કોન્ટ્રાકટર પર સવાર થયા છે. અહી માપ સાઇઝ મુજબનુ કામ બન્યુ નથી તે હકિકત છે. જેથી આ બંને આગેવાનો કોન્ટ્રાકટર સાથે લડી લેવાના મુડમા છે.

અન્ય સમાચારો પણ છે...