ચાર વર્ષના શાસનમાં આઠમાં પ્રમુખ:રાજુલા નગરપાલિકાના પ્રમુખ પદની ચૂંટણીમાં છત્રજીત ધાખડાની વરણી કરવામા આવી

અમરેલીએક મહિનો પહેલા
  • હાઈકોર્ટે સભ્યપદ યથાવત રાખતા 14 સભ્યોએ પોતાના જૂથમાંથી પ્રમુખ બનાવ્યા

અમરેલી જિલ્લાની રાજુલા નગરપાલિકામાં કૉંગ્રેસની બહુમતી બાદ પણ અંદરોઅંદરની ખેંચતાણના કારણે ચાર વર્ષમાં આઠમા પ્રમુખની વરણી કરવી પડી છે. આજે યોજાયેલી નગરપાલિકાના પ્રમુખની ચૂંટણીમાં છત્રજીત ધાખડાની વરણી કરવામા આવી હતી.

રાજુલા નગરપાલિકામાં કૉંગ્રેસની બહુમતી બાદ પણ પાર્ટી શાસનમાં સ્થિરતા સ્થાપી શકી નથી. જેના કારણે છેલ્લા ચાર વર્ષના શાસનમાં આઠ પ્રમુખો બદલાઈ ચૂક્યા છે. આજે રાજુલા ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે પ્રાંત અધઇકારીના અધ્યક્ષસ્થાને ચૂંટણી યોજાઈ હતી. જેમાં કૉંગ્રેસના 26 અને ભાજપના 1 સદસ્ય હાજર રહ્યા હતા. જેમાં છત્રજીત ધાખડાની પ્રમુખ તરીકે વરણી કરવામા આવી હતી.

મહત્વનું છે કે, અગાઉ છત્રજીત ધાખડા સહિત 14 સદસ્યોએ બળવો કરી સત્તા સ્થાને બેસતા કૉંગ્રેસ દ્વારા પક્ષાંતરધારા હેઠળ સસ્પેન્ડ કરવામા આવ્યા હતા. ત્યારબાદ સસ્પેન્ડ કરાયેલા સભ્યો દ્વારા હાઈકોર્ટના દ્વારા ખખડાવતા હાઈકોર્ટે સદસ્ય તરીકે યથાવત રાખવાનો હુકમ કર્યો હતો. થોડા દિવસ પહેલા જ નગરપાલિકાના પ્રમુખ તરીકે ઘનશ્યામ લાખણોત્રા દ્વારા પ્રમુખ તરીકે રાજીનામું આપવામા આવ્યું હતું. આજે પ્રમુખની ચૂંટણી યોજાતા છત્રજીત

ધાખડાની વરણી કરવામા આવી હતી. ભાજપના મહિલા સદસ્યએ પણ છત્રજીત ધાખડાને ટેકો જાહેર કર્યો હતો.

છત્રજીત ધાખડા ભાવુક બન્યાકાઠી ક્ષત્રિય સમાજના યુવા અગ્રણી છત્રજીતભાઈ ધાખડાની પ્રમુખ તરીકે વરણી થયા બાદ મીડિયા ને સંબોધતા કહ્યું હતું કે, હું પહેલા અમારા બધા સદસ્યોનો આભાર માનું છું. મારા ઉપર વિશ્વાસ મૂકી જવાબદારી સોંપી છે હું આવતા દિવસોમાં શહેરના પડતર જે પ્રશ્નો છે તે ઉકેલવવા લોકોની સમસ્યા દૂર કરવા માટે હું અને અમારી ટીમ શહેર માટે ખડેપગે રહીશું. જ્યારે મારા પિતા નું સપનું હતું મને પ્રમુખ બનાવવા માટે આજે હું પ્રમુખ બન્યો પરંતુ મારા પિતાની ગેર હાજરી છે આ શબ્દો બોલતા જ છત્રજીતભાઈ ધાખડા ભાવુક બન્યા હતા.

અન્ય સમાચારો પણ છે...