મોંઘવારીએ માજા મુકી છે અને દરેક ચીજવસ્તુના ભાવ આસમાનને આંબી રહ્યાં છે. તેવા સમયે અમરેલી પંથકમા પાકી કેરી અને કાચી કેરીની સાથે ખાખડીના ભાવ પણ આકાશને આંબી રહ્યાં છે. અમરેલી યાર્ડમા ગત વર્ષની સરખામણીમા ઓણસાલ કાચી કેરી અને ખાખડીની આવક પાંચમા ભાગની જોવા મળે છે. જેની સામે ગત વર્ષ કરતા ભાવ અઢી ગણો વધારે રહ્યો છે.
આમ તો અમરેલી શહેરમા સિધી જ ખુલા બજારમા આ વિસ્તારની કાચી પાકી કેરી ઉપરાંત તાલાળા અને કેશોદ પંથકની કેરી આવે છે. સાથે સાથે દક્ષિણ ગુજરાતમાથી પણ મોટાપાયે અહી કેરી ઠલવાઇ છે. અમરેલી માર્કેટીંગયાર્ડમા પણ મોટાપાયે હરરાજી કરવામા આવે છે. ગત વર્ષે સમગ્ર સિઝન દરમિયાન અમરેલી યાર્ડમા 1321 કવીન્ટલ કાચી કેરીની આવક થઇ હતી. જો કે ખેડૂતને પ્રતિ 20 કિલોના 590 જેવો ભાવ મળ્યો હતો. તેની સરખામણીમા અત્યાર સુધીમા અમરેલી યાર્ડમા ઓણસાલ માત્ર 119 કવીન્ટલ કાચી કેરીની આવક થઇ છે.
પરંતુ ખેડૂતોને ભાવ ગત વર્ષ કરતા અઢી ગણો મળ્યો છે. અહી હરરાજીમા ખેડૂતોને પ્રતિ 20 કિલો કાચી કેરીના 1450 મળ્યાં હતા. અમરેલીમાં પ્રથમવાર ખાખડીનો ભાવ પણ ગત વર્ષની પાકી કેરીના ભાવ કરતા ડબલ મળ્યો છે. જેના કારણે ખેડૂતોને પાકી કેરીનો પણ ખુબ જ સારો ભાવ મળી રહેશે. અને હાલમા ચિત્ર પણ એવુ જ જોવા મળી રહ્યું છે. અમરેલીની બજારમા હાલમા પાકી કેરીનો ભાવ 100થી 150 ચાલી રહ્યો છે.
ગત વર્ષે અમરેલી યાર્ડમા 2121 કવીન્ટલ પાકી કેરીની આવક થઇ હતી. તાઉતે વાવાઝોડાના કારણે મોટા પ્રમાણમા કાચી કેરી ખરી પડી હતી જેના કારણે કાચી કેરીની મોટી આવક થઇ હતી. જયારે પાકી કેરીની આવક પ્રમાણમા ઓછી રહી હતી. ગત વર્ષે વાવાઝોડામા અમરેલી પંથકમા મોટી સંખ્યામા આંબાવાડીનો સફાયો થયો હોય તેના કારણે પણ આવક ઘટી છે. ઓણસાલ પાકનો ઉતારો પણ ઓછો હોવાથી આવક ઘટતા ભાવ ઉંચા રહેશે.
અમરેલીની માર્કેટમાં સ્થાનિક પાકી કેરીની આવક ચાલુ થઇ
દરમિયાન અમરેલીમાં સ્થાનિક પાકી કેરીની આવક પણ ચાલુ થઇ છે. હુડલી, મોરઝર, ધારગણી વિગેરે ગામોમાથી પાકી કેરી માર્કેટમા આવવાની શરૂ થઇ છે.
બદામ અને હાફુસની પણ એન્ટ્રી
અમરેલીમાં માત્ર કેસર નહી પરંતુ બદામ કેરી અને હાફુસની આવક પણ ચાલુ થઇ છે. હાલ બદામ કેરીનો ભાવ પ્રતિ બોકસના 1200થી 1500 ચાલી રહ્યો છે. જયારે હાફુસ કેરીનો ભાવ 2500થી 3000 ચાલી રહ્યો છે.
આ વર્ષે માલની સોલ્ટેજ રહેશે : ઘનશ્યામભાઇ
અમરેલીના કેરીના વેપારી ઘનશ્યામભાઇ રૈયાણીએ જણાવ્યું હતુ કે ઓણસાલ આંબામા ઉતારો પણ ઓછો છે. ગત વર્ષના વાવાઝોડાના કારણે આંબાવાડી પણ ઘટી છે. જેના કારણે ઓણસાલ કેરીની આવક અગાઉ જેટલી નહી થાય તેવુ મનાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.