સમગ્ર રાજ્યમાં આગામી 14મી જાન્યુઆરીના રોજ ઉત્તરાયણ તહેવારની ઉજવણી હર્ષોલ્લાસ સાથે કરવામાં આવશે. ત્યારે અમરેલી જિલ્લામાં પતંગ દોરીથી ઘાયલ અબોલ પક્ષીઓની સારવાર ઉપરાંત બચાવ અર્થે 10થી 20 જાન્યુઆરી દરમિયાન કરુણા અભિયાન-23 હાથ ધરવામાં આવશે. આ અભિયાનમાં ધારી અને પાલીતાણાની વન વિભાગની કચેરી તેમણે અમરેલીના પશુપાલન વિભાગ સંયુક્ત રીકે ઈજાગ્રસ્ત પક્ષીઓની સારવાર તથા બચાવ અર્થે કલેક્શન સેન્ટર/સારવાર કેન્દ્રો શરૂ કરશે. સરકારી વિભાગ અને એન.જી.ઓ. સાથે મળીને જિલ્લામાં કુલ 21 કેન્દ્રો ઊભા કરશે.
તાલુકા અને જિલ્લા સ્તરે કલેક્શન/સારવાર કેન્દ્રો ઉભા કરાશે
કરુણા અભિયાન-23 અભિયાન અંતર્ગત ગીર (પૂર્વ) વન વિભાગ કચેરી-ધારી, શેત્રુંજી વન્યજીવ વિભાગ કચેરી-પાલીતાણા તેમજ પશુપાલન વિભાગ કચેરી, અમરેલી દ્વારા સંયુક્ત રીતે સંકલન સાધીને ઘાયલ પક્ષીઓની સારવાર અને બચાવ અર્થે તાલુકા અને જિલ્લા સ્તરે કલેક્શન સેન્ટર/સારવાર કેન્દ્રો શરુ કરવામાં આવશે. વધુ વિગતો મુજબ જિલ્લાના કુલ 11 તાલુકાઓમાં ફોરેસ્ટ,એન.જી.ઓ. દ્વારા મળીને કુલ 9 કલેક્શન સેન્ટર ઉપરાંત ફોરેસ્ટ, એન.જી.ઓ અને એનિમલ હસબન્ડરી દ્વારા મળીને કુલ 12 સારવાર કેન્દ્રો શરુ કરવામાં આવશે. અમરેલી જિલ્લાના નાગરિકોને આ કરુણા અભિયાન-23માં પોતાનો સહયોગ આપીને જીવદયા દાખવવા અપીલ કરી છે.
હેલ્પલાઈન નંબર જાહેર
આ ઉપરાંત વન વિભાગ કચેરી-અમરેલી દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે, પતંગ સવારના 9 વાગ્યા પહેલા અને સાંજના 5 વાગ્યા પછી ન ઉડાવીએ, ચાઈનીઝ અને કાચની દોરીનો ઉપયોગ ટાળીએ, કોઈ ઘાયલ પક્ષી જોવા મળે તો તાત્કાલિક હેલ્પલાઈન પર સંપર્ક કરીને પ્રકૃતિ અને જીવ પ્રત્યે આપણી માનવીય ફરજ બજાવીએ. આ સારવાર કેન્દ્રો ઉપરાંત તેના સંપર્ક નંબર હેલ્પલાઈન નંબર 83200 02000 પર Karuna વોટ્સએપ કરીને ઉપરાંત https://bit.ly/karunaabhiyan લિંક પર ક્લિક કરીને પ્રાપ્ત કરી શકાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.