મકરસંક્રાંતિ પુર્વે જ અમરેલી જિલ્લામા પ્રતિબંધિત ચાઇનીઝ દોરી કે તુક્કલના વેચાણ સામે પોલીસે ઝુંબેશ શરૂ કરી હતી. પોલીસે અત્યાર સુધીમા જિલ્લામા 20 શખ્સો સામે ગુનો નોંધી 340 ચાઇનીઝ દોરીની ફિરકીઓ કબજે લીધી છે. આ ઉપરાંત પોલીસ દ્વારા વાહનોમા બેનર્સ લગાવી તેમજ શાળાઓમા જઇ છાત્રોને ચાઇનીઝ દોરી કે તુક્કલ ન વાપરવા સંકલ્પો પણ લેવડાવવામા આવી રહ્યાં છે.
જિલ્લામા અનેક શખ્સો મકરસંક્રાંતિ તહેવાર પર પોતાના આર્થિક ફાયદા હેતુ પ્રતિબંધિત ચાઇનીઝ દોરા, નાયલોન દોરા તેમજ લેન્ટર્સનુ વેચાણ કરતા હોય છે. જો કે અમરેલી જિલ્લામા અગાઉથી જ પોલીસે આવા તત્વો સામે ઝુંબેશ શરૂ કરી દીધી હતી. જિલ્લા મેજીસ્ટ્રેટ અને કલેકટર ગૌરાંગ મકવાણા દ્વારા જિલ્લામા જાહેરનામુ પણ પ્રસિધ્ધ કરવામા આવ્યું છે. પોલીસે અત્યાર સુધીમા ખાંભામા 4, ધારીમા 3, અમરેલીમા 4, વંડામા 1, વડીયામા 1, સાવરકુંડલામા 1 મળી 17 તેમજ આજરોજ 3 મળી કુલ 20 શખ્સો સામે ગુનો નોંધ્યો છે.
પોલીસે જિલ્લામા અત્યાર સુધીમા કુલ 340 ચાઇનીઝ દોરીની ફિરકી ઝડપી લીધી હતી અને 1,07,100નો મુદામાલ કબજે લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઉપરાંત પોલીસે નાગરિકોને એવી પણ અપીલ કરી હતી કે જો આસપાસમા કોઇ ચાઇનીઝ દોરી કે તુક્કલનુ વેચાણ કરતુ હોય તો પોલીસનો સંપર્ક કરવો.
પોલીસની સ્પેશ્યલ ડ્રાઇવ: રાજુલામાં રીક્ષા તેમજ અન્ય વાહનોમાં બેનર્સ લગાવાયા
બીજી તરફ રાજુલામા પોલીસ દ્વારા મકરસંક્રાંતિ પર ચાઇનીઝ દોરી વેચનારા તત્વો સામે સ્પેશ્યલ ડ્રાઇવ ચલાવી હતી. અહી સ્થાનિક પોલીસ દ્વારા રીક્ષા તેમજ ખાનગી વાહનોમા જનજાગૃતિનો સંદેશો આપતા બેનર્સ લગાવાયા હતા. અને મકરસંક્રાંતિ પર ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવા લોકોને અપીલ કરવામા આવી હતી.
શાળા કોલેજોમાં વિદ્યાર્થીઓએ શપથ લીધા
પોલીસ દ્વારા મકરસંક્રાંતિ અગાઉથી જ શાળાઓમા જઇને છાત્રોને ચાઇનીઝ દોરીથી થતા નુકશાન અંગે માહિતી અને માર્ગદર્શન પુરૂ પાડવામા આવ્યું હતુ. છાત્રોને પત્રિકાનુ પણ વિતરણ કરાયુ હતુ અને ચાઇનીઝ દોરી કે તુક્કલ ન ઉડાડવા શપથ પણ લેવડાવવામા આવ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.