અમરેલીની રાજુલા વિધાનસભા બેઠકના કૉંગ્રેસના ઉમેદવાર અંબરીશ ડેર આજે ચાંચ બંદર પર પ્રચાર માટે દરિયાઈ ખાડીમાં તરીને પહોંચતા સ્થાનિકોના વિરોધનો સામનો કરવો પડ્યો હતો. અંબરીશ ડેરે કહ્યું હતું કે, મારી અનેક રજૂઆતો બાદ પણ સરકાર વિકટર બંદરથી ચાંચ બંદર વચ્ચે પુલ મંજૂર કરતી નથી. એટલે આજે હું વિરોધ નોંધાવવા તરીને જ સામે પાર પહોંચ્યો હતો. જો કે, અંબરીશ ડેર ચાંચ બંદર પર પહોંચતા જ સ્થાનિકોએ નાટકબાજી બંધ કરોના સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. તો બીજી તરફ અંબરીશ ડેરના સમર્થકોએ 'અંબરીશ ડેર કામ કરે છે'-ના સૂત્રોચ્ચા કર્યા હતા.
સરકાર અહીંના લોકો સાથે ઓરમાયું વર્તન કરે છે- અંબરીશ ડેર
રાજુલા બેઠકના કૉંગ્રેસના ઉમેદવાર અંબરીશ ડેરે કહ્યું હતું કે, ચાંચ બંદર પર જવા માટે લોકોએ 42 કિલોમીટર દૂર ફરવું પડે છે. જો વિકટર બંદરથી ચાંચ વચ્ચે દરિયાઈ ખાડી પર 300 મીટરનો પુલ બનાવવામાં આવે તો અંતર 22 કિલોમીટર ઘટી જાય તેમ છે. આ મામલે હું અનેકવાર વિધાનસભામાં રજૂઆત કરી ચૂક્યો છું. પણ સરકાર ઓરમાયું વર્તન રાખી રહી છે અને અહીં પુલ મંજૂર કરતી નથી. સરકારની આંખો ઉઘડે તે માટે આજે હું મારા 15 જેટલા કાર્યકરો સાથે મળી અહીં તરીને પહોંચ્યો છું.
'અંબરીશ ડેર કામ કરે છે' V/S 'નાટકબાજી બંધ કરો'
રાજુલા વિધાનસભા વિસ્તારમાં આવતા ચાંચ બંદર પર આજે રાજકીય ગરમાગરમી જોવા મળી હતી. અહીં જ્યારે અંબરીશ ડેર દરિયાઈ ખાડીમાં તરીને પહોંચ્યા ત્યારે તેમના સમર્થકોએ 'અંબરીશ ડેર કામ કરે છે'ના સૂત્રોચ્ચાર કર્યા હતા તો બીજી તરફ સામેની બાજી અન્ય જૂથના લોકોએ 'નાટક બાજી બંધ કરો'ના સૂત્રોચ્ચાર કરતા મામલો ગરમાયો હતો. આ સમયે બંદર પર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.
'આવતા પાંચ વર્ષમાં પુલ ન બને તો હું મત માગવા નહીં આવું'
ચાંચ બંદર પર સામસામે સૂત્રોચ્ચાર થતા અંબરીશ ડેરે કહ્યું હતું કે, જો આ વિસ્તારના લોકો મને ચૂંટીને વિધાનસભામાં મોકલશે તો આવતા પાંચ વર્ષમાં હું અહીં પુલ બનાવી આપીશ. જો પુલ ન બને તો હું આ ગામમાં ક્યારે મત માગવા નહીં આવું.
રાજુલા બેઠક પર કાંટે કી ટક્કર
રાજુલા વિધાનસભા બેઠક પર સતત ચાર ટર્મ સુધી જીત મેળવતા ભાજપના હિરા સોલંકીને વર્ષ 2017માં અંબરીશ ડેરે હાર આપી હતી. 2022ના ચૂંટણી જંગમાં કૉંગ્રેસ અંબરીશ ડેરને રિપિટ કર્યા છે તો સામે ભારતીય જનતા પાર્ટીએ પણ હિરા સોલંકીને જ ટિકિટ આપી છે.
રાજુલા વિધાનસભા બેઠક પર ભાજપ, કૉંગ્રેસ અને આપના ઉમેદવાર
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.