પેટા ચૂંટણી પરિણામ:અમરેલી તાલુકા પંચાયતની સરંભડા બેઠકમાં ભાજપના ઉમેદવારનો 428 મતથી વિજય

અમરેલી14 દિવસ પહેલા
  • ભાજપના ઉમેદવાર સંધ્યાબેન કાછડીયાનો 428 મતથી વિજય
  • વિપક્ષ નેતા પરેશ ધાનાણીના મત વિસ્તારમાં ભાજપની જીત

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીની સાથે સાથે રાજ્યમાં ખાલી પડેલી બેઠક માટે પેટા ચૂંટણી યોજાઈ હતી. ત્યારે અમરેલી તાલુકા પંચાયતની સરંભડા બેઠકની પણ પેટા ચૂંટણી યોજાઈ હતી. જેનું આજે મંગળવારે પરિણામ જાહેર થયુ છે. આ બેઠક પર ભાજપના ઉમેદવારનો વિજય થયો છે.

વિપક્ષ નેતા પરેશ ધાનાણીના મત વિસ્તારમાં ભાજપની જીત થઈ છે. ત્યારે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં કાર્યકરો જીત વધાવવા કાર્યાલય ખાતે પહોંચ્યા હતા.

અમરેલી તાલુકા પંચાયતની સરંભડા બેઠકની પેટા ચૂંટણીનું આજે મંગળવારે પરિણામ જાહેર થયુ છે. આ બેઠક પર ભાજપના ઉમેદવાર સંધ્યાબેન કાછડીયાનો 428 મતથી વિજય થયો છે. આ બેઠક પર ભાજપ, કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીના ઉમેદવાર વચ્ચે ત્રીપાંખીયો જંગ જામ્યો હતો. જેમાં ભાજપના ઉમેદવારે વિજય મેળવ્યો છે. ત્રણેય ઉમેદવારોને મળેલા મત જોઈએ તો ભાજપના ઉમેદવારને 1394 મત, કોંગ્રેસને 966 જ્યારે આમ આદમી પાર્ટીને 832 મત મળ્યાં છે.

43 લોકોએ ત્રણેય ઉમેદવારને જાકારો આપી નોટામાં મત આપ્યા
સરંભડા સીટ પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટના ત્રણ ઉમેદવારે ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. ચૂંટણીમાં 43 લોકોએ ત્રણેય ઉમેદવારને જાકારો આપી નોટામાં પોતાનો મત આપ્યો હતો.

હવે તાલુકા પંચાયતની 18માંથી 16 સીટ પર ભાજપનો કબ્જો
​​​​​​​અમરેલી તાલુકા પંચાયતમાં કુલ 18 સીટ છે. જેમાં ભાજપના 15 , આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનો એક એક સભ્ય છે. સરંભડાની પેટા ચૂંટણીમાં ભાજપનો વિજય થતા અત્યારે તાલુકા પંચાયતમાં ભાજપના સભ્યોની સંખ્યા 16 પર પહોંચી ગઇ છે.

અન્ય સમાચારો પણ છે...