અમરેલી પંથકમા હવે શિયાળો જામ્યો હોય તેમ જોવા મળી રહ્યું છે. ગઇકાલે ઠંડીનો પારો ગગડીને 13.8 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. જયારે આજે શહેરનુ ન્યુનતમ તાપમાન 14.7 ડિગ્રી નોંધાયુ હતુ. અહી કડકડતી ઠંડી પડતા લોકો ધ્રુજી ઉઠયાં હતા અને ગરમ વસ્ત્રોમા વિંટળાવાની ફરજ પડી હતી.
શહેરમા પાછલા બે દિવસથી ઠંડીએ જોર પકડયુ છે. અહી અગાઉ વહેલી સવારે જ ઠંડીનો ચમકારો જોવા મળતો હતો. પરંતુ હવે આખો દિવસ વાતાવરણ ટાઢુબોળ જોવા મળી રહ્યું છે. જેના કારણે લોકો ગરમ વસ્ત્રો અને તાપણાનો સહારો લેતા નજરે પડી રહ્યાં છે. આજે શહેરનુ મહતમ તાપમાન 30.3 ડિગ્રી રહ્યું હતુ.
જયારે ન્યુનતમ તાપમાન 14.7 ડિગ્રી નોંધાયુ હતુ. તો હવામા ભેજનુ પ્રમાણ 59 ટકા અને પવનની પ્રતિ કલાક સરેરાશ ગતિ 5.5 કિમીની રહી હતી. અહી બે દિવસથી પવનની ગતિ વધુ રહેતી હોય ઠંડીમા વધારો જોવા મળી રહ્યો છે જેના કારણે લોકો ઠુંઠવાઇ ગયા હતા. ધારી પંથકમા પણ બે દિવસ પહેલા પારો 14 ડિગ્રી સુધી પહોંચી જતા અહી પણ કડકડતી ઠંડી પડવાથી લોકો ધ્રુજી ઉઠયાં હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આગામી દિવસોમા પણ ઠંડીનો પારો વધુ ગગડે તેવી શકયતા જોવાઇ રહી છે.
રાત્રીના ઔષધિય કાવો પીવા ભીડ
શહેરમા કડકડતી ઠંડી શરૂ થતાની સાથે બજારમા ઔષધિય કાવો તેમજ થાબડીવાળુ દુધા આરોગવા લોકોની ભીડ જોવા મળી રહી છે. આ ઉપરાંત તલની સાની, થાબડીવાળા પેંડા, નાળીયેરનો હલવો, અડદીયા સહિતની વાનગીઓ પણ લોકો આરોગી રહ્યાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.