સિંહની પજવણી:બાઇકસવારે 'ભાગો...ભાગો...' કહી બે સિંહને રસ્તા પર દોડાવ્યા, અમરેલીના ખાંભાનો વીડિયો હોવાનું અનુમાન

અમરેલી20 દિવસ પહેલા
  • સિંહની પજવણીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો
  • ધારી ગીર પૂર્વ વન વિભાગ દ્વારા તપાસના આદેશ આપતાં બાઇકચાલકની શોધખોળ શરૂ

દેશની શાન ગણાતા ડાલામથા "સાવજો"ની હાલત સૌરાષ્ટ્રમાં વધુ ખરાબ બની રહી છે. વારંવાર સિંહોના વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતા હોય છે. કેટલીક વખત વન વિભાગ કાર્યવાહી કરી દંડ ફટકારતું હોય છે. તેમ છતાં આ ટીખળખોરોને વન વિભાગનો ડર જ ન હોય એમ વારંવાર વીડિયો સામે આવી રહ્યા છે.

સિંહની પજવણીનો વીડિયો વાઈરલ થયો
અમરેલી જિલ્લામાં આજે 2 સિંહની બાઇકચાલક દ્વારા પજવણી કરાઈ રહી છે અને સ્ટેટ હાઇવે પર બાઇકચાલક દોડાવી રહ્યો છે અને રીતસર શ્વાનની જેમ સિંહને દોડાવી રહ્યો છે. એને કારણે વન વિભાગ પણ હરકતમાં આવ્યો છે. જોકે આ વીડિયો ખાંભાના ડેડાણ વિસ્તારમાં આવેલા હાઇવે પરનો હોવાનું માનવામાં આવી રહ્યું છે, જેને કારણે ધારી ગીર પૂર્વ વન વિભાગના DCF રાજદીપસિંહ ઝાલા દ્વારા ખાંભા તુલસીશ્યામ રેન્જ વિસ્તારને તપાસના આદેશ આપવામાં આવતાં વન વિભાગ દ્વારા બાઇકચાલકની શોધખોળ હાથ ધરી છે અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. બાઇકચાલકની હજુ સુધી ઓળખ નથી થઈ, પરંતુ લોકેશનના આધારે વન વિભાગ તપાસ કરી રહ્યો છે.

સિંહની પજવણી કરવી ગંભીર ગુનો બને
સિંહની પજવણી કરવી વન વિભાગમાં વાઈલ્ડલાઈફ એક્ટ મુજબ ગંભીર ગુનો કહેવાય છે. સિંહની પજવણી અંગે વન વિભાગના કાયદા પ્રમાણે અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધાઈ શકે છે. આ પ્રકારની હરકતને કારણે વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ ચોંકી ઊઠ્યા છે. હાલ આ વીડિયોને લઈ સિંહપ્રેમીઓમાં પણ નારાજગી જોવા મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...