અમરેલીના રાજુલા શહેરમાં કોળી સમાજની છાત્રાલયનું નિર્માણ થઈ રહ્યું છે. ત્યારે મીરામાં એજ્યુકેશન ટ્રસ્ટ આયોજીત કોળી સમાજના શિક્ષણ માટે રાજુલાના પૂર્વ ધારાસભ્ય હીરા સોલંકી દ્વારા જમીન આપવામાં આવી છે. આજે સરકારના પૂર્વ મંત્રી પુરષોત્તમ સોલંકીના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. આ તકે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર પાટીલ, સરકારના મંત્રી આર.સી મકવાણા, જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા, અમરેલીના સાંસદ નારણ કાછડીયા, જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયા, કોળી સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
રાજુલા, જાફરાબાદ, ખાંભા વિસ્તારમાં વિધાનસભાની ચૂંટણી પહેલા કોળી સમાજનું શક્તિ પ્રદર્શન પ્રથમ વખત જોવા મળ્યુ છે. ગામડે ગામડેથી કોળી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. દરિયાઈ પટ્ટી વિસ્તારમાંથી મહિલાઓ, પુરુષો અને યુવાનો સહિતનાઓ શિક્ષણ કાર્ય ભૂમિ પૂજનમાં ઉપસ્થિત રહ્યા હતા.
પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે સંબોધનમાં જણાવ્યું હતું કે, કોળી સમાજના શિક્ષણ માટે કાર્ય કરવા બદલ હું આ બંને ભાઈને અભિનંદન આપું છું. પુરષોત્તમ સોલંકી અને હીરાભાઈ સોલંકી રામ-લક્ષ્મણની જોડી છે. ગુજરાતમાં વર્ષોથી કોળી સમાજને આગળ લાવવા પ્રયાસ કર્યા છે. પુરષોત્તમભાઈએ તેમના દીકરા દિવ્યેશને પણ તૈયાર કરી દીધો છે. તેમ કહી પુરષોત્તમ સોલંકીના પુત્ર દિવ્યેશની પ્રશંસા કરી હતી. અંતમાં જણાવ્યું કે, કોળી સમાજ માટે ભારતીય જનતા પાર્ટી ઉભી છે.
પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત કોળી સેના પ્રમુખ હીરા સોલંકીએ સભા સંબોધતા જણાવ્યું હતું કે, ઘણા વર્ષોથી શિક્ષણમાં આપડે ખૂબ પાછળ છીએ ત્યારે આવતા દિવસોમાં આપડા સમાજને શિક્ષણ મળે તેને લઈ આ છાત્રાલય તૈયાર કરી રહ્યા છીએ. હવે કોળી સમાજ માટે કામ કરવાનું છે. આ જન્મ માતાજીએ કોળી સમાજમાં આપ્યો છે, આવતો જન્મ પણ કોળી સમાજમાં આપજો. કોળી સમાજ માટે મરવાની પણ તૈયારી દર્શાવી દીધી હતી. થોડા દિવસો પહેલા પરષોત્તમ સોલંકીના જન્મ દિવસ નિમિત્તે તળાજા ખાતે હજારોની સંખ્યામાં કોળી સમાજનું સંમેલન મળ્યા બાદ આજે રાજુલા 98 વિધાનસભા વિસ્તારમાં કોળી સમાજનું સંમેલન સાથે શક્તિ પ્રદશન યોજાયું હતું. આમ પરષોત્તમ સોલંકી અને તેમના નાનાભાઈ હીરા સોલંકીએ કોળી સમાજમાં સંગઠન મજબૂત કરવા માટે કવાયત શરૂ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.