લોકજાગૃતિનો પ્રયાસ:સાવરકુંડલા તાલુકામાં ઓછા મતદાન વાળા બુથ ઉપર આજે અવસર રથ ફરશે

અમરેલી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વધુમાં વધુ લોકોને મતદાન માટે જાગૃત કરવામાં આવશે

અમરેલી જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા લોકો મતદાન પ્રત્યે વધુને વધુ જાગૃત થાય તે માટે હાલમાં વિવિધ વિસ્તારમાં અવસર રથને મોકલી લોકજાગૃતિનો પ્રયાસ કરાઈ રહ્યો છે. તેની વચ્ચે આવતીકાલે 12મી તારીખે સાવરકુંડલા તાલુકાના ઓછા મતદાન વાળા બુથ ઉપર આ રથ ફરશે. વિધાનસભાની પાછલી ચૂંટણીઓ દરમિયાન જે જે વિસ્તારમાં મતદારો નીરસ રહ્યા હોય અને ઓછું મતદાન થયું હોય તેવા વિસ્તારોમાં આ ચૂંટણીમાં મતદાન પ્રત્યે લોકજાગૃતિનો પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે. જેના ભાગરૂપે હાલમાં અમરેલી જિલ્લામાં વિવિધ વિસ્તારમાં અવસર રથ ફરી રહ્યો છે.

આ અવસર રથ આવતીકાલે સાવરકુંડલા તાલુકામાં ફરશે. ઇન્ચાર્જ નોડેલ ઓફિસર આતુભાઇ મકવાણા, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ભાવેશભાઈ બોરીસાગર, કેળવણી નિરીક્ષક મુસ્તાકભાઈ જાદવ વિગેરે સાવરકુંડલા તાલુકામાં જુદાજુદા બુથ વિસ્તારમાં મતદાન પ્રત્યે લોકજાગૃતિ કેળવવાની ફરજ બજાવશે. આ અવસર રથ લીલીયા તાલુકાના પુંજાપાદર, આંબા, કેરાળા, સાવરકુંડલા તાલુકાના મેકડા, વંડા, બાઢડા હાડીડા, દાઘીયા, ઘાંડલા વિગેરે ગામમાં ગ્રામ્ય વિસ્તારમાં મુખ્ય સ્થળો, જાહેર ચોક,ગ્રામ પંચાયત વિગેરે જગ્યાએ લોકોને એકઠા કરી ચૂંટણીમાં મતદાનની પવિત્ર ફરજ અદા કરવા અંગે જાગૃત કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે આ અવસર રથ રોજે રોજ જિલ્લાના જુદા જુદા વિસ્તારમાં ફરી રહ્યો છે. જે અંતર્ગત 12મી તારીખે સાવરકુંડલા વિસ્તારમાં ફરશે.

અન્ય સમાચારો પણ છે...