ચણાની નવી સિઝન શરૂ:આવકના પ્રારંભે ખેડૂતોને મળ્યા ચણાના 900રૂા

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઓણસાલ અમરેલી જિલ્લામાં 70 હજાર હેક્ટરમાં થયુ છે ચણાનું વાવેતર - બમ્પર પાક આવશે - હાલમાં ત્રણ યાર્ડમાં આવક શરૂ થઇ

અમરેલી જિલ્લામા ઓણસાલ શિયાળુ પાક તરીકે ખેડૂતોએ ચણાનુ સૌથી વધુ વાવેતર કર્યુ છે. અને ચણાની નવી સિઝન શરૂ થઇ છે ત્યારે હાલમા જિલ્લામા ખેડૂતોને ચણાનો રૂપિયા 900થી વધુ ભાવ મળી રહ્યો છે. જો કે હજુ મોટાભાગના સ્થળે ચણાનો પાક તૈયાર થયો નથી. ત્યારે ચણાનો ભાવ શું રહે છે તેના પર ખેડૂતોની સતત મીટ છે. જો કે સરકાર પણ ટેકાના ભાવે સરકારની ખરીદી કરશે.

જેવી રીતે ચોમાસુ પાક તરીકે અમરેલી જિલ્લામા સૌથી વધુ કપાસનુ વાવેતર થાય છે તેવી રીતે શિયાળુ પાક તરીકે જિલ્લામા સૌથી વધુ ચણાનુ વાવેતર થાય છે. ચાલુ સાલે અમરેલી જિલ્લામા જેટલુ શિયાળુ વાવેતર થયુ છે તેનુ 50 ટકા વાવેતર એકલુ ચણાનુ થયુ છે.

અમરેલી જિલ્લામા ઓણસાલ શિયાળુ પાક તરીકે 1.40 લાખ હેકટરમા વાવેતર કરાયુ છે જે પૈકી 70 હજાર હેકટરમા માત્ર ચણાનુ વાવેતર થયુ છે. ગયા વર્ષે પણ અમરેલી પંથકમા આ જ સ્થિતિ જોવા મળી હતી. અને જિલ્લામા ચણાનો બમ્પર પાક થયો હતો. આ વર્ષે પણ વાતાવરણ સાનુકુળ રહ્યું હોય ચણાનો બમ્પર પાક થવાની ધારણા છે.

સ્વાભાવિક રીતે જ અમરેલી જિલ્લાના ખેડૂતોની નજર કપાસ અને ચણાના ભાવ પર છે. કપાસનો પણ ઓણસાલ બમ્પર પાક થયો છે અને એક સમયે ખેડૂતોને રૂપિયા 1900 થી 2000 સુધીનો ભાવ મળતો હતો. પરંતુ હાલમા કપાસનો ભાવ તળીયે બેઠો છે. જેના કારણે ખેડૂતો પુરતા પ્રમાણમા માલ હરરાજી માટે લાવી રહ્યાં નથી. બીજી તરફ હાલમા જુદાજુદા માર્કેટીંગયાર્ડમા ચણાની ધીમી આવક થઇ રહી છે. અને ખેડૂતોને ઠીકઠીક ભાવ મળી રહ્યો છે.

બગસરા માર્કેટીંગયાર્ડમા આજે ખેડૂતોને ચણાનો ભાવ 900થી લઇ 906 સુધી મળ્યો હતો. જયારે રાજુલા માર્કેટીંગયાર્ડમા ખેડૂતોને ચણાના 861 થી 916 રૂપિયા મળ્યાં હતા. તો બીજી તરફ અમરેલી માર્કેટીંગયાર્ડમા ખેડૂતોને ચણાના રૂપિયા 865 થી લઇ 961 મળ્યાં હતા.

અમરેલી જિલ્લામા ચણાની સૌથી વધુ આવક આજે અમરેલી માર્કેટીંગયાર્ડમા થઇ હતી. ખેડૂતો જુના ચણા પણ હરરાજી માટે લાવી રહ્યાં છે. મોટાભાગના વિસ્તારમા આગામી દિવસોમા ચણાનો પાક તૈયાર થઇ જશે અને ત્યારબાદ જુદાજુદા માર્કેટીંગયાર્ડમા ચણાની મોટા પ્રમાણમા આવક શરૂ થશે. ગયા વર્ષે સરકાર દ્વારા ચણાની ટેકાના ભાવે ખરીદી કરાઇ હતી. ચાલુ સાલે પણ સરકાર ટેકાના ભાવે ખરીદી કરશે. આ વિસ્તારના ખેડૂતોને ચણાનો પુરતો ભાવ મળવાની આશા છે.

સૌથી વધુ બાબરા-કુંડલા-ખાંભા પંથકમાં ચણા વવાયા
અમરેલી જિલ્લામા 70 હજાર હેકટરમા ચણા વવાયા છે જે પૈકી સાવરકુંડલા પંથકમા 11400 હેકટર, બાબરા પંથકમા 10600 હેકટર અને ખાંભા પંથકમા 10300 હેકટર ચણા વવાયા છે. ઉપરાંત ધારી પંથકમા 8700 હેકટર, કુંકાવાવમા 8300 હેકટર અને રાજુલા પંથકમા 8200 હેકટરમા ચણા વવાયા છે.

હાલમાં જીંજરાની પણ મોટા પ્રમાણમાં આવક
અમરેલી પંથકમા હાલમા બજારમા જીંજરાની આવક મોટા પ્રમાણમા શરૂ થઇ છે. સામાન્ય રીતે મકરસંક્રાંતિ આસપાસના સમયગાળામા લીલા ચણાનુ સૌથી વધુ વેચાણ થતુ હોય છે. તે મુજબ જ હાલમા અમરેલી શહેરમા પણ લીલા ચણાની વિપુલ પ્રમાણમા આવક થઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...