...ને અમારા બધા જતા રહ્યા:રાતે દશામાની આરતી કર્યા બાદ ખાટલામાં ઝોકું આવ્યું અને કાળ બની ટ્રક ફરી વળી, સાવરકુંડલા અકસ્માતમાં 8 મૃતકોના પરિવારનું હૈયાફાટ રુદન

અમરેલી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મૃતકનાં સગાં સાથે દિવ્ય ભાસ્કરે વાતચીત કરતાં તેમણે દૃશ્યો વર્ણવ્યાં
  • અકસ્માત સ્થળથી થોડે દૂર અન્ય સગાં-સંબંધી બચી ગયાં, 8 સભ્ય ગુમાવતાં કરુણ દૃશ્યો સર્જાયાં

અમરેલીના સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામ નજીક રેલવે-ફાટક સામે અડધી રાતે ગોજારા અકસ્માતમાં 8 લોકોનાં મોત થયાં છે, જેમાં મૃતકના સગાએ દિવ્ય ભાસ્કરની વાતચીતમાં જણાવ્યું હતું કે ' અમારો 10 સભ્યના પરિવારમાંથી અમે 8 સભ્ય ગુમાવી દીધા છે. બે લોકો હજુ જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. દશામાંનું વ્રત હતું એટલે અમે પૂજા-આરતી કરી રાત્રે એક વાગ્યે ઘડીક ખાટલામાં આડા પડ્યા. અમને ઊંઘનું ઝોકું આવ્યું કે એટલામાં તો ટ્રક અમારા છાપરા પર ચડી ગઈ. બધા દુનિયાને અલવિદા કહી ગયા.'

સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામ નજીક રેલવે-ફાટક સામે અડધી રાતે ગોજારા અકસ્માતમાં 8 લોકોનાં મોત થયાં છે, જેમાં રાજકોટ તરફથી ટ્રકની ક્રેન જાફરાબાદ તરફ જતી હતી એ વખતે બાઢડા નજીક ઝૂંપડામાં સૂતેલા નિદ્રાધીન પરિવાર પર ટ્રક ચડી જતાં લાશોનો ઢગલો થયો હતો. ઘટના બાદ પોલીસ દોડી આવી હતી અને 108 મારફત મૃતકો તથા ઇજાગ્રસ્ત લોકો સારવાર માટે અને પીએમ માટે અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.

મૃતકના સગા સાથે દિવ્ય ભાસ્કરની વતચીત
મૃતકના સગા મેરુભાઈએ દિવ્ય ભાસ્કરની વાતચીતમાં જણાવ્યું હતું કે અમારો 10 સભ્યનો પરિવાર હતો, જેમાંથી 8 ગુમાવી દીધા છે, જ્યારે બે સભ્ય હજુ જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાય છે. રાત્રે 1 વાગે સૂતા હતા, કેમ કે દશામાનું વ્રત હતું. રાત્રે આરતી-પૂજા કરી ઘડીક આરામ કરવા ખાટલે બધા લાંબા થયા, અમને ઝોલું આવ્યું ત્યાં સાવરકુંડલા બાજુથી આવતી ટ્રક ડાયરેક્ટ અમારા છાપરા માથે જ ચડી ગઈ. આજના દિવસે શ્રાવણ માસનો પ્રથમ દિવસ હતો, જેથી પરિવારમાં ઉમંગ હતો, પણ બધાય લોકો દુનિયાને વિદાય કહી ગયા, એમ કહી મૃતકના ઝૂંપડામાં હીબકે ચડેલાં કરુણ દૃશ્યો જોવા મળ્યાં હતાં.

મને અવાજ આવ્યો એટલે હું જાગી ગયો: સ્થાનિક
સ્થાનિક મનીષભાઈ વાઘોરાએ દિવ્ય ભાસ્કરની વાતચીતમાં હું અહીં બટુકભાઈના ફામ હાઉસમાં સૂતો હતો અને અવાજ સંભળાયો, હું અહીં આવ્યો તો અકસ્માત થયો હતો. અમે બધાને જાણ કરી, 108માં બધાને બેસાડ્યા. બધા મૃતકોને મેં જોયા હતા અને પછી પોલીસ પણ આવી ગઈ હતી.

અકસ્માતમાં મૃત્યુ પામનાર હતભાગીઓ
1.) વિરમભાઈ છગનભાઇ રાઠોડ ઉ.વ.આ.35
2.) નરશીભાઈ વસનભાઈ સાંખલા ઉ.વ.આ. 60
3.) નવઘણભાઈ વસનભાઈ સાંખલા ઉ.વ.આ. 65
4.) હેમરાજભાઈ રધાભાઈ સોલંકી ઉ.વ.આ.37
5.) લક્ષમીબેન હેમરાજભાઈ સાખલા ઉ.વ.આ 30
6.) સુકનબેન હેમરાજભાઈ સાખલા ઉ.વ.આ. 13
7.) પૂજાબેન હેમરાજભાઈ સાખલા ઉ.વ.આ 8
8.) લાલાભાઈ ઉર્ફે દાદુભાઈ ડાયાભાઇ રાઠોડ 20

અકસ્માતમાં ઇજાગ્રસ્ત
1.) લાલાભાઈ હેમરાજભાઈ સોલંકી ઉ.વ.આ.3
2.) ગીલીભાઈ હેમરાજભાઈ સોલંકી ઉ.વ.આ.7