108 ટીમની કામગીરી:મધરાત્રે નવજાત શિશુનું સીપીઆર, કૃત્રિમ શ્વાસ આપી હ્દય ધબકતું કર્યું

અમરેલી5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોટા દેવળીયાની સગર્ભા મહિલાની 108માં પ્રસુતી કરાવી માતા અને બાળકને બચાવાયા

બાબરા તાલુકાના મોટા દેવળીયા ગામની સગર્ભા મહિલાની 108માં પ્રસુતી કરાવી માતા અને બાળક બંનેનો જીવ બચાવ્યો હતો. મધરાત્રે નવજાત શિશુને સીપીઆર અને કૃત્રિમ શ્વાસ આપી હ્દય ધબકતું કરાયું હતું.મોટા દેવળીયા ગામે રાત્રિ દરમિયાન એક પ્રસુતાને સાતમાં માસે પ્રસુતાની પીડા ઉપડી હતી. જેના કારણે ચિતલ 108ના ઈએમટી રાકેશભાઈ કોલડિયા અને પાઈલોટ અકબર પરમાર સ્થળે પહોંચ્યા હતા. પરંતુ મહિલાને પ્રસુતાની પીડા વધારે હોવાથી એમ્બ્યુલન્સમાં જ ડિલીવરી કરવાની ફરજ પડી હતી. તપાસ કરતા મહિલાને અધુરા માસે પ્રસુતાની પીડા ઉપડી હતી.

જેના કારણે 108ની ટીમે કોલ સેન્ટરમાં બેઠેલા ડો. આશિષ સાથે ટેલીફોનીક માર્ગદર્શન મેળવી ડિલીવરી કરાવી હતી.નવજાત શિશુના હ્દયના ધબકારા કે શ્વાસ ચાલતા ન હતા. જેના કારણે બાળકને સીપીઆર અને કૃત્રિમ શ્વાસ આપી નવજીવન આપ્યું હતું. માતા અને બાળકને ઈમરજન્સી સારવાર અર્થે ચિતલ અને બાદમાં વધુ સારવાર માટે અમરેલી હોસ્પિટલમાં ખસેડાયા હતા. માતા અને બાળકનો જીવ બચી જતા પરિવારે 108ની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...