કોંગ્રેસના ગઢમાં ગાબડું:અમરેલીમાં 400 જેટલા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ભાજપમાં જોડાયા, કેસરીયો ધારણ કરનારાને ભાજપના નેતાઓએ આવકાર્યા

અમરેલી17 દિવસ પહેલા

વિધાનસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે એક બાજુ ઉમેદવારોએ પ્રચાર પ્રસાર તેજ કરી દીધો છે તો બીજી બાજુ નારજગીને લઈ પક્ષ પલ્ટો પણ થઈ રહ્યો છે. અનેક કાર્યકરો નારાજગી દર્શાવી પોતાના પક્ષમાંથી રાજીનામું આપી રહ્યા છે. આ વચ્ચે અમરેલીમાં આજે કોંગ્રેસના ગઢમાં ગાબડું પડ્યું છે. 400 જેટલા કોંગ્રેસના આગેવાનો ભાજપમાં જોડાઈને કેસરીયો ધારણ કર્યો છે. આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સભા સંબોધવા આવી રહ્યા છે. ત્યારે મોદીના આગમન પહેલા કોંગ્રેસને ઝટકો લાગ્યો છે.

પરેશ ધાનાણીના ગઢમાં ગાબડું
અમરેલી શહેરમાં આવતીકાલે બપોરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે, તેવા સમયે કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીના ગઢમાં ગાબડું પડ્યું છે. જેથી અમરેલીનું રાજકારણ ગરમાયું છે. અમરેલી તાલુકાના સહકારી સંઘના ચેરમેન અને પીઢ કોંગ્રેસી આગેવાન સ્વ.મોહનભાઇ નાકરાણીના પુત્ર જયેશ નાકરાણીએ ભાજપનો ખેસ ધારણ કર્યો છે. ઉપરાંત ચિતલ, રાંઢીયા, રંગપુર, સહિત ગામડાના અગ્રણીઓ અને કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ભાજપમાં જોડાયા છે. ભાજપના દાવા પ્રમાણે અહીં 400 જેટલા લોકો કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા છે જેના કારણે કોંગ્રેસને મોટો ફટકો પડી શકે છે. સમગ્ર કાર્યક્રમ અમરેલીની ખાનગી હોટલમાં રાખવામાં આવ્યો હતો. કોંગ્રેસના મોટી સંખ્યામાં આગેવાનોએ ભાજપનો ખેસ ધારણ કરતા અમરેલી જિલ્લામાં રાજકારણ ગરમાયું છે.
દિલીપ સંઘાણી સહિત નેતાઓ ઉપસ્થિત રહ્યા
આ કાર્યક્રમમાં ઇફ્કોના ચેરમેન દિલીપ સંઘાણી, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરત બોધરા, ભાજપ ઉમેદવાર કૌશીક વેકરીયા, યાર્ડ ચેરમેન પી.પી.સોજીત્રા, ડો.ભરત કાનાબાર સહિત નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા અને કેસરીયો કરનારા કાર્યકરો અગ્રણીઓને અવકાર્યા હતા. ઉલ્લેખનીય છે કે, આવતીકાલે નરેન્દ્ર મોદીની સભામાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેવાના છે.

અન્ય સમાચારો પણ છે...