પંચાયતોની ચુંટણી:અમરેલી જિલ્લાની 63 ગ્રામ પંચાયતમાં વહિવટદારની નિમણૂંક, 63 ગ્રામ પંચાયતમા ચુંટાયેલી બોડીની મુદત પુરી

અમરેલી13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચૂંટાયેલી બોડીની મુદ્દત પુરી થવા છતાં ચૂંટણી પાછી ઠેલાતા હવે દરેક તાલુકા પંચાયતમાં તલાટી મંત્રી જ વહિવટદાર

અમરેલી જિલ્લામાં ચાલુ મે માસમા 63 ગ્રામ પંચાયતમા ચુંટાયેલી બોડીની મુદત પુરી થઇ રહી છે. ત્યારે આજે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આ 63 ગ્રામ પંચાયતમા તલાટી મંત્રીઓની વહિવટદાર તરીકે નિમણુંક કરવામા આવી છે. આ ગ્રામ પંચાયતોની ચુંટણી હવે વિધાનસભાની ચુંટણી બાદ યોજાય તેવી શકયતા છે. ગુજરાતમા વિધાનસભાની ચુંટણી વહેલી પણ યોજાઇ શકે છે.

સમગ્ર રાજયનુ ચુંટણી તંત્ર વિધાનસભાની ચુંટણીની તૈયારીમા વ્યસ્ત છે. જેને પગલે ગ્રામ પંચાયતની ચુંટણી પાછી ઠેલાઇ રહી છે. અમરેલી જિલ્લામા 63 ગ્રામ પંચાયતો એવી છે જેની મુદત ચાલુ માસમા પુર્ણ થઇ રહી છે. અથવા થઇ ગઇ છે. આમ તો વહિવટી તંત્ર દ્વારા આવા સંજોગોમા અગાઉથી જ ચુંટણી યોજી નાખવામા આવે છે અને જુના બોર્ડની મુદત પુરી થાય તે સાથે જ નવા બોર્ડના સતાધીશો વહિવટ સંભાળે છે. પરંતુ નિયત સમયમા ચુંટણી યોજાઇ નથી અને હવે 2017ની ચુંટણીમા જીતેલા સતાધીશોની મુદત પુર્ણ થઇ રહી છે.

જેના પગલે આ તમામ ગ્રામ પંચાયતોમા વહિવટદારની નિમણુંક કરવાની નોબત આવી છે. જિલ્લા વિકાસ અધિકારી દ્વારા જિલ્લાના 11 તાલુકાની આ ગ્રામ પંચાયતો માટે વહિવટદારની નિમણુંક કરી દેવામા આવી છે. મોટાભાગની ગ્રામ પંચાયતોની મુદત 1 થી 8 તારીખ સુધીમા પુર્ણ થઇ ગઇ છે. જયારે 8 ગ્રામ પંચાયતોની મુદત આવતીકાલે પુરી થઇ રહી છે.

9 ગ્રામ પંચાયતોની મુદત 27 મેના રોજ પુર્ણ થશે. જયારે 1 ગ્રામ પંચાયત એવી છે જેની મુદત આવતા મહિના તારીખ 25/6ના રોજ પુર્ણ થશે. આમ તો અમરેલી જિલ્લામા 590થી વધુ ગ્રામ પંચાયતો છે. જેમાથી મોટાભાગનાની મુદત ડિસેમ્બરમા પુર્ણ થતી હોય છે. પરંતુ આ 63 ગ્રામ પંચાયતની મુદત મે અને જુન માસમા પુર્ણ થઇ રહી છે. સમગ્ર તંત્ર વિધાનસભાની ચુંટણીની તૈયારીમા હેાય હજુ આવનારા છએક માસ સુધી આ ગ્રામ પંચાયતોની ચુંટણી યોજાય તેવી કોઇ શકયતા જણાતી નથી.

સૌથી વધુ સાવરકુંડલા તાલુકાની ગ્રામ પંચાયત
63 ગ્રામ પંચાયત પૈકી અમરેલી તાલુકાની 6, કુંકાવાવ તાલુકાની 4, લાઠી તાલુકાની 4, બાબરા તાલુકાની 6, રાજુલા તાલુકાની 7, ખાંભા તાલુકાની 11, ધારી તાલુકાની 7, લીલીયા તાલુકાની 2 અને સૌથી વધુ સાવરકુંડલા તાલુકાની 12 ગ્રામ પંચાયતનો સમાવેશ થાય છે.

તંત્રની હતી ચૂંટણી માટે તૈયારી
દરમિયાન અમરેલી જિલ્લામા જો નિયત સમયે ગ્રામ પંચાયતની ચુંટણી યોજવી હોય તો વહિવટી તંત્ર દ્વારા તેની અગાઉથી જ તૈયારી કરાઇ હતી પરંતુ આખા રાજયમા ગ્રામ પંચાયતની ચુંટણી પાછી ઠેલાઇ છે.

કઇ કઇ ગ્રામ પંચાયતમાં વહિવટદાર ?
અમરેલીના નાના ગોખરવાળા, નવા ખીજડીયા, કેરીયાચાડ, લાપાળીયા, રંગપુર અને ખડખંભાળીયા, કુંકાવાવના દેવળકી, ભુખલી સાથળી, ખજુરી અને માયાપાદર, લાઠીના ધ્રુફણીયા, ધામેલ, ધામેલપરા, ભટવદર, બાબરાના ચમારડી, ફુલજર, ઇંગોરાળા, જીવાપર, નડાળા અને વાવડી, તથા સાવરકુંડલા તાલુકામા કાનાતળાવ, છાપરી, ગાધકડા, થોરડી, ભેકરા, બાઢડા, નાળ, કેદારીયા, લુવારા, વિરડી, સીમરણ અને ગણેશગઢમા વહિવટદાર નિમાયા છે.

અન્ય સમાચારો પણ છે...