સેવાથી વંચિત:અમરેલીના કુંકાવાવ સેવાસેતુ કાર્યક્રમમાં નેટ કનેક્ટિવિટી ન મળતા અરજદારોને ધરમનો ધક્કો થયો

અમરેલી15 દિવસ પહેલા
  • મોટી સંખ્યામાં આવેલા અરજદારોની કામગીરી ન થતા રોષ જોવા મળ્યો

એક જ સ્થળ પર અરજદારોની વિવિધ સરકારી કામગીરી થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા સેવાસેતુ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે. અમરેલીના કુંકાવાવમાં પણ સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં અરજદારો પણ પહોંચ્યા હતા. પરંતુ, નેટ કનેક્ટિવિટી ન મળતા અરજદારોની કામગીરી થઈ શકી ન હતી. 8 ગામના અરજદારો પરેશાન થતા રોષ ઠાલવ્યો હતો.

કુંકાવાવમાં યોજાયેલા સેવાસેતુ કાર્યક્રમમાં 8 ગામના અરજદારો મા અમૃતમ કાર્ડ, PMJAYના કાર્ડ, આવકના દાખલા સહિતની કામગીરી માટે આવી પહોંચ્યા હતા. પરંતુ, કાર્યક્રમમાં નેટ કનેક્ટિવિટી ન મળતા અરજદારોની કામગીરી થઈ શકી ન હતી.

અમરાપુર ગામના પૂર્વ સરપંચ અરજદાર સુખાભાઈ વાળાએ દિવ્યભાસ્કરને કહ્યું હતું કે, આવકના દાખલા, આયુષ્યમાન કાર્ડ, મા અમૃતમ કાર્ડ અહીં ન નીકળે તો શું કરવાનુ? આ કાર્યક્રમ ફેલ ગયો છે સરકાર એ ખરેખર આવા તાયફા બંધ કરવાની જરૂર છે. ગામડાના લોકો પોતાના કામો બંધ રાખી અહીં આવે તો કનેક્ટિવિટી આવે નહિ અમારે અરજદારોને શુ આખો દિવસ અહીં બેસવાનું?

દિવ્યભાસ્કર દ્વારા કુંકાવાવ તાલુકા વિકાસ અધિકારી ધવલ લીંબાસીયાનો સંપર્ક કરતા કહ્યું હતું કે, આયુષ્યમાન કાર્ડમાં સર્વર ડાઉન હોવાને કારણે કનેક્ટિવિટી ન હતી. કલેકટર ડીડીઓને રજુઆત કરી છે. હવે બીજી વખત આ પ્રકારની સમસ્યા ન થાય તેનું ધ્યાન રખાશે.

અન્ય સમાચારો પણ છે...