લૂંટ ચલાવતી ગેંગ:એકલા રહેતા વૃદ્ધો પર ખુની હુમલો કરી લૂંટ ચલાવતી વધુ એક ગેંગ ઝડપાઈ

અમરેલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અગાઉ રેકી કરી દંપતી સમૃદ્ધ હોવાની જાણકારી મેળવી લૂંટનો પ્લાન ઘડ્યો હતો
  • વડિયાના કોલડામાં દંપતી પર મધરાતે હુમલો કરનાર મધ્યપ્રદેશના 4 શખ્સની ધરપકડ

અગાઉ લીલીયા પંથકમાં એકલા રહેતા વૃદ્ધોના ઘરમાં ઘૂસી ખુંની હુમલો કરી લૂંટ ચલાવતી ગેંગ ઝડપાયા બાદ હવે વડીયાના કોલડામાં લૂંટ હુમલાની ઘટનામાં સંડોવાયેલી મધ્યપ્રદેશની ગેંગને અમરેલી એલસીબીએ ઝડપી લીધી છે. ચાર શખ્સોએ અગાઉથી રેકી કરી દંપતિ સમૃદ્ધ હોવાનું જાણી લૂંટનો પ્લાન કર્યો હતો.

અમરેલી જિલ્લામાં મોટા પ્રમાણમાં યુવા ધન ધંધાર્થે રાજ્યના અન્ય શહેરોમાં વસવાટ કરે છે. તેમના વૃદ્ધ મા-બાપ ગ્રામ્ય વિસ્તારમાં એકલા રહી ખેતી અને અન્ય કારભાર સંભાળે છે. આવા એકલા રહેતા વૃદ્ધોને નિશાન બનાવી રાત્રિના સમયે તેમના ઘરમાં ઘુસી ખુંની હુમલો અને હત્યા કરી લૂંટ ચલાવવાની એક પછી એક ઘટનાઓ બનતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. લીલીયાના નાના રાજકોટમાં વૃદ્ધની હત્યા કરી વૃદ્ધાને ગંભીર ઈજા પહોંચાડી લૂંટની ઘટના બની હતી. જેમાં સંડોવાયેલી ગેંગ થોડા દિવસ પહેલા જ ઝડપાય છે. જો કે ત્યારબાદ વડીયાના કોલડામા રહેતા મગનભાઇ શામજીભાઇ સોરઠીયા અને તેમના પત્ની મંજુલાબેન પર ખુની હુમલાની ઘટના બની હતી.

ગત ત્રીજી તારીખની રાત્રે તેઓ ઓસરીમા સુતા હતા ત્યારે લુંટારૂઓએ ગંભીર ઇજા પહોંચાડી હતી. જો કે દેકારો થતા નાસી ગયા હતા. પોલીસવડા હિમકર સિંઘ દ્વારા આ લુંટારૂને પકડવા જુદીજુદી તપાસ ટુકડીઓ બનાવાઇ હતી. એલસીબીની ટીમે આજે આ બારામા મુળ મધ્યપ્રદેશના અને હાલમા કોલડામા સુરેશભાઇ સોરઠીયાની વાડીએ રહેતા મુકામસિંગ ભોલીયા માવી (ઉ.વ.21) મેારબીમા રહેતા દિલીપ મંગલીયા વાસ્કેલીયા (ઉ.વ.22) કુંકાવાવમા ભરતભાઇ કોસીયાની વાડીએ રહેતા જહરસિંગ હિરાસીંગ માવી (ઉ.વ.19) અને વિક્રમ ફુલસીંગ ગાવડ (ઉ.વ.20)ની ધરપકડ કરી છે.

મુખ્ય સુત્રધાર મુકામસીંગ આ દંપતિ આર્થિક રીતે સમૃધ્ધ હોય તેવુ જાણતો હોય પોતાના બનેવી દિલીપને ફોન પર વાત કરી કોલડા બેાલાવ્યો હતો. અને બાદમા કુંકાવાવના બંને શખ્સોને સાથે લઇ બનાવના દિવસે કોશ લઇ વૃધ્ધના ઘરે પહોંચ્યા હતા અને લાકડાનો દરવાજો તોડી અંદર ઘુસ્યા હતા. તેમણે આ વૃધ્ધ દંપતિને ગળુ દબાવી મારી નાખવા પ્રયાસ કર્યો હતો પરંતુ બંને જાગી જતા ઝપાઝપી અને રાડારાડ થઇ હતી. જેથી ચારેય શખ્સો કોશ મુકીને નાસી ગયા હતા.

જો કે બાદમા પોલીસે અલગ અલગ ટીમોની રચના કરી વિવિધ સોર્સ, સીસીટીવી કેમેરા, મોબાઇલ લોકેશન વિગેરેની તપાસ કરી આ ગેંગની સંડોવણીનો પર્દાફાશ કર્યો હતો અને ચારેયને ઝડપી લીધા હતા. હવે તેમને રીમાન્ડની માંગણી સાથે અદાલતમા રજુ કરાશે. અમરેલી જિલ્લામા એકલા રહેતા વૃધ્ધોની સંખ્યા વધારે હોય આવા લોકો પર હુમલો કરી લુંટ ચલાવતી બીજી ગેંગ પણ ઝડપાઇ જતા લોકોને હાશકારો થયો છે.

ઘરની આજુબાજુની સ્થિતિનો તાગ મેળવ્યો હતો
લુંટ હુમલાનો ભોગ બનેલા મગનભાઇના કુટુંબી ભાઇ સુરેશભાઇની વાડીએ મુખ્ય સુત્રધાર મુકામસીંગનો ભાઇ ખેતીકામ કરતો હતો. તે ભાઇને ત્યાં આવતો હોય ગામમા આવી આ વૃધ્ધના ઘરની આજુબાજુની સ્થિતિનો તાગ મેળવી ગયો હતો. અને બાદમા લુંટનો પ્લાન ઘડયો હતો.

ઘટના બાદ બે શખ્સ વતનમાં નાસી ગયા હતા
લુંટ અને હત્યાનો પ્લાન અધુરો રહી જતા પોલ ખુલી જશે તેમ માની દિલીપ મંગલીયા વાસ્કેલીયા અને મુકામસીંગ માવી એમ બંને જણા મધ્યપ્રદેશમા વતનમા નાસી ગયા હતા. થોડા સમય બાદ પરત આવતા બંનેને ઝડપી લેવાયા હતા.

હજુ ચિતલની ઘટનાના આરોપીઓ ફરાર
લીલીયા અને વડીયા પંથકમા બનેલી આ પ્રકારની ઘટનાના આરોપીઓ ઝડપાઇ ચુકયા છે. જો કે હજુ ચિતલમા પણ આ જ રીતે મધરાતે ઘરમા ઘુસી વૃધ્ધ દંપતિને લુંટી લેવા પ્રયાસ થયો હતો. જેના આરોપીઓ હજુ ઝડપાવાના બાકી છે.

અન્ય સમાચારો પણ છે...