સિંહને ક્યાં લઈ જવાયા?:અમરેલીના રાજુલા પંથકના રેવન્યૂ વિસ્તારમાંથી રાતોરાત 5 સિંહોને રેસ્ક્યૂ કરી લઈ જવાતા સિંહપ્રેમીઓમાં રોષ

અમરેલી3 મહિનો પહેલા
ફાઈલ તસવીર
  • વનવિભાગે પહેલા રેસ્ક્યૂની ના પાડી, પછી સારવાર માટે લઈ જવાની વાત કરી
  • સિંહપ્રેમીઓએ અહીંથી લઈ જવાયેલા સિંહને ફરી અહીં લાવવાની માગ કરી

ગુજરાતમાં અમેરેલી, ભાવનગર, ગીર સોમનાથ જિલ્લામાં એશિયાટિક લાયન વસવાટ કરી રહ્યા છે. અમરેલી જિલ્લાનો વિસ્તાર સિંહોને માફક આવ્યો હોય લાંબા સમયથી અહીં સિંહની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. એવામાં ગતરાત્રિએ વનવિભાગ દ્વારા રાજુલાના રેવન્યૂ વિસ્તારમાંથી પાંચ સિંહનું રેસ્ક્યૂ કરી કોઈ સ્થળે લઈ જવાતા સિંહપ્રેમીઓમાં તર્કવિતર્કો સર્જાયા છે. રાજુલાના ધારાસભ્ય અંબરીશ ડેરે લોકલાગણીને ધ્યાન પર રાખી અહીંના સિંહને અહીં જ રાખવાની માગ કરી છે.

બુધવારે રાત્રિના 5 સિંહના ગ્રુપનું રેસ્ક્યૂ કરાયું
રાજુલા પંથકના કોવાયા વીડી વિસ્તારમાંથી સિંહનું રેસ્ક્યૂ કરવા માટે બુધવારે સાંજથી જ ધારી ગીર પૂર્વની ટીમ સક્રિય બની હતી. આ વિસ્તારમાં વનવિભાગની ટીમ દ્વારા મોડી સાંજે રીંગ પાંજરા ગોઠવી દેવાયા હતા. સિંહપ્રેમીઓને આ વાતની જાણ થતા તુરંત જ સોશિયલ મીડિયાના માધ્યમથી વનવિભાગની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા હતા. જો કે, તેની વનવિભાગની કામગીરી પર કોઈ અસર દેખાઈ ન હતી અને વનવિભાગ દ્વારા રાત્રિના સમયે અહીંથી પાંચ સિંહને અન્ય સ્થળે ખસેડવામા આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

વનવિભાગની કાર્યવાહીને લઈ સિંહપ્રેમીઓમાં રોષ
અમરેલી જિલ્લામાં પૂર્વ વાઈલ્ડ લાઈફ વોર્ડન અને સિંહોના જાણકાર વિપુલ લહેરી એ કહ્યું હતું કે, રેવન્યૂ વિસ્તારમાં અતિ તંદુરસ્ત સિંહોનું જે ગ્રુપ હતું તેનું જ વનવિભાગ દ્વારા અહીંથી રેસ્ક્યૂ કરવામા આવ્યું છે. મારી વિનંતી છે કે, આ સિંહને સાસણ અથવા જામનગર પાર્કમાં લઈ જવામા ના આવે. જો વનવિભાગ દ્વારા અમારી રજૂઆતને ધ્યાને નહીં લે તો અમારે ના છુટકે આંદોલન કરવું પડશે.

સ્થાનિક લોકોની લાગણીને ધ્યાન પર રાખે સરકાર- અંબરીશ ડેર
રાજુલા પંથકમાંથી સિંહનું સ્થળાંતર થતું હોવાની સ્થાનિક ધારાસભ્ય અંબરીશ ડેરને માહિતી મળતા તેઓ દ્વારા બુધવારે રાત્રે જ વનવિભાગના ઉચ્ચ અધિકારીઓ અને વનવિભાગ સાથે વાતચીત કરી હતી. ધારાસભ્યએ કહ્યું હતું કે, અહીંથી જે સિંહનું રેસ્ક્યૂ કરવામા આવ્યું છે તે આરોગ્ય ચકાસણી માટે કરાયું હોવાની વાત વનવિભાગે કરી છે. જો કે, અંબરીશ ડેરે કહ્યું કે, જો આ સિંહોને ફરીથી અહીં મુક્ત કરવામા નહીં આવે તો સરકારે સ્થાનિક લોકોના રોષનું ભોગ બનવું પડશે.

હેલ્થ ચેકઅપ માટે સિંહોને લઈ જવાયા-CCF
રાજુલા પંથકમાંથી સિંહોનું બુધવારે રાત્રિના રેસ્ક્યૂ થવાની વાત હોવાનું સામે આવતા બુધવારે રાત્રિના સમયે વનવિભાગના CCF દુષ્યંત વસાવડાનો સંપર્ક કરાયો તો તેઓએ રેસ્ક્યૂની વાતનો ઈન્કાર કર્યો હતો. જ્યારે ગુરુવારે સવારે સંપર્ક કરાતા કહ્યું હતું કે, માત્ર હેલ્થ ચકાસણી માટે લઈ જવાયા છે.

સિંહની રેસ્ક્યૂ કામગીરીથી પાલિતાણા ડિવિઝનને દૂર રખાયું
જે વિસ્તારમાંથી સિંહનું રેસ્ક્યૂ કરવામા આવ્યું છે તે વિસ્તારના સિંહો પાલિતાણા ડિવિઝન નીચે આવી રહ્યા છે, તેના ડી.સી.એફ નિશા રાજનો સંપર્ક કરતા કહ્યું હતું કે, મને આવી કોઈ વાતની ખબર નથી. મહત્વની વાત એ છે સિંહોના રેસ્ક્યુ કરી લઈ જવા માટેની જવાબદારી ધારી ગીર પૂર્વ ની ટીમને સોંપાય હતી, સ્થાનિક અધિકારીઓને પણ આ કાર્યવાહીથી દૂર રખાયા હોવાની ચર્ચા છે.

જે ગ્રુપનું રેસ્ક્યૂ કરાયું તે આ વિસ્તારમાં ખૂબ લોકપ્રિય હતું
રાજુલા કોસ્ટલમાં 5 સિંહોનું ગ્રુપ જેમાં 3 સિંહણ 2 પાઠડા હતા. જેમાં 1 સિંહણને કોલર આઈ.ડી. પણ હતી. આ ગ્રુપ માનવ વસાહત વચ્ચે રહેતુ હતુ. પીપાવાવ કોવાયા વિસ્તારમાં અવર જવર કરતું હતુ, ક્યારેય માનવી ઉપર હુમલા નો પ્રયાસ કર્યો નથી, જ્યારે આ વિસ્તારના લોકોમાં આ ગ્રુપ ખૂબ લોકપ્રિય હતુ અને માનવ વસાહત વચ્ચે નું વાતાવરણ વધુ અનુકૂળ આવ્યું હતું તે સિંહના ગ્રુપ ને લઈ જતા સ્થાનીકોમાં નારાજગી જોવા મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...