દીપડાની દહેશત:અમરેલીના જાફરાબાદના સરોવડા ગામમાં દીપડાએ હુમલો કરતા વૃદ્ધાનું મોત

અમરેલી9 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમરેલી જિલ્લામાં દીપડાનો આતંક હવે ચરમસીમાએ પહોંચી રહ્યો છે. સતત વધતા જતા બનાવોને લઈ ગામડાઓમાં લોકો ભયથી ફફડી રહ્યા છે. મોડી રાતે જાફરાબાદ તાલુકાના સરોવડા ગામના રહેણાંક વિસ્તારમાં વૃદ્ધ મહિલા મોંઘીબેન નારણભાઇ બારૈયા ઉંમર વર્ષ 80 ઘોરનિંદ્રામાં સુતા હતા ઘરે કોઈ હતું નહીં અને અચાનક દીપડો આવી ચડતા ગળુ પકડી હુમલો કરતા વૃદ્ધાનું મોત નિપજ્યું હતું. જાફરાબાદ રેન્જ વનવિભાગને જાણ થતાં તાત્કાલિક દોડી ઘટના સ્થળે પોહચી સ્થળ ઉપર તપાસ હાથ ધરી છે મૃતક મહિલાને પી.એમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સરોવડા ગામમાં દીપડાને પકડવા માટે અલગ અલગ વિસ્તારમાં પાંજરા ગોઠવવા માટેની કવાયત હાથ ધરી છે. ગ્રામજનોના કહેવા પ્રમાણે ગામમાં બેથી ત્રણ દીપડા હોવાને કારણે વધુ ભયનો માહોલ છવાયો છે. ત્રણેય દીપડાને પાંજરે પુરવા ગ્રામજનોએ માંગ ઉઠાવી છે અને વધતા જતા બનાવોને લઈ લોકોમાં પણ નારાજગી સાથે ભયનો માહોલ છવાયો છે.

વધતા જતા બનાવને લઈ ધારાસભ્ય દોડતા થયા
રાજુલા જાફરાબાદ વિસ્તારના ધારાસભ્ય હીરા સોલંકીને જાણ થતાં તાત્કાલિક હોસ્પિટલમાં દોડી આવ્યા મૃતક પરિવારને મળી મહિલાનું મોત થતા શોક વ્યક્ત કરી દીપડાને ઝડપથી પાંજરે પુરવા માટે વનવિભાગને સૂચના આપવામાં આવી છે વધતા જતા બનાવોને લઈ ગામડામાં પેટ્રોલિંગ રાખી દીપડાની અવર જવર હોય તેવા વિસ્તારના દીપડાને પાંજરે પુરી દેવા માટેની સૂચના આપી હતી

20 દિવસમા દીપડાના હુમલાની આઠમી ઘટના સામે આવી
અમરેલી જિલ્લામાં સિંહો દીપડા દ્વારા હુમલાની ઘટના વધી રહી છે. છેલ્લા 20 દિવસમાં લીલીયાના ખારા ગામમાં સિંહ દ્વારા હુમલો કર્યો હતો. સાવરકુંડલાના કરજાળા ગામમાં દીપડાએ હુમલો કર્યો હતો. રાજુલાના કાતર ગામમાં દીપડાએ હુમલો કર્યો હતો. ખાંભાના ભાણીયા ગામમાં દીપડાના હુમલાની બે ઘટના સામે આવી હતી. ધારીના ચરખા ગામમાં સિંહ દ્વારા હુમલો કર્યો હતો. પીપાવાવ વિસ્તારમાં સિંહ દ્વારા હુમલાની ઘટના સામે આવી હતી અને હવે સરોવડા ગામમાં દીપડાની ઘટના સામે આવી છે.

વર્ષ 2018 માં બગસરા પંથકમાં દીપડાએ હાહાકાર મચાવ્યો હતો અને સતત ગામડામાં હુમલાઓ કરતા હતા એ વખતેના તાત્કાલિકન મુખ્યમંત્રી એ દીપડાને તાત્કાલિક ઠાર કરી દેવાનો કલેક્ટર ને આદેશ આપ્યો હતો અને ફોરેસ્ટ અને પોલીસની સંયુક્ત ટિમ દ્વારા 144 કલમ જાહેર કરી દીપડાને વર્ષ 2018માં ઠાર કર્યો હતો સૌરાષ્ટમાં સિંહોની સાથે અમરેલીમાં દીપડાની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે આવતા દિવસોમાં પ્રજા અને દીપડા વચ્ચેના ઘર્ષણો વધશે.