અમરેલી જિલ્લામાં સિંહની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. તેની વચ્ચે સાવરકુંડલા તાલુકાના ઘનશ્યામનગર ગામમાં સિંહના હૂુમલાની બીજી ઘટના સામે આવી છે. ખેતમજૂર પરિવારના સાત વર્ષના બાળક પર સિંહણે હુમલો કરતા ગંભીર રીતે ઘવાયેલા સાત વર્ષના બાળકનું સારવાર દરમિયાન મોત નિપજતા પરિવાર પર આભ ફાટ્યું હતું.
સિંહના હુમલાની ઘટના વધી
સાવરકુંડલાના ઘનશ્યામનગરમાં ટૂંકાગાળામાં જ સિંહના હુમલાની બે ઘટનાઓ સામે આવી છે. આજે ખેતમજૂરી કરતા પરિવારના સાત વર્ષના બાળક પર સિંહણે હુમલો કરતા દેકારો બોલી ગયો હતો. ગંભીર રીતે ઘવાયેલા બાળકને સારવાર માટે રાજુલા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
વનવિભાગે સિંહણને પાંજરે પૂરવા કવાયત હાથ ધરી
આ ઘટના બાદ ગ્રામજનોમા ભયનું વાતાવરણ ઉભું થયું છે. ધારી ગીર વનવિભાગના DCF રાજદીપ સિંહ ઝાલા દ્વારા વનવિભાગ સાવરકુંડલા રેન્જને કડક સૂચના આપતા વનવિભાગની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ અને જુદી જુદી દિશામાં તપાસ હાથ ધરી અને પાંજરા ગોઠવવા માટેની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે અહીં 15 દિવસ પહેલા 3 વર્ષના બાળક ઉપર સિંહણ દ્વારા હુમલો કર્યો હતો અને મોત થયું હતું ત્યારે આજે બીજી ઘટનામા બાળક નું મોત થયું છે જેના કારણે વધુ ભયનું વાતાવરણ ઉભું થયું છે.
પહેલી વખત હુમલો કરનારા સિંહણ પકડાય ન હોવાની ગ્રામજનોની આશંકા
જ્યારે 15 દિવસ પહેલા સિંહણે હુમલો કર્યો હતો અને શંકાના આધારે દીપડો અને એક સિંહ વનવિભાગ દ્વારા પાંજરે પુરી દીધા હતા. જોકે ગ્રામજનોને એવી પણ આશંકા છે પહેલી વખત હુમલો કરનાર સિંહણ જ અત્યારે હોય શકે આ સિંહણ વનવિભાગના પાંજરે ન પુરાય હોય તેવી વનવિભાગ અને ગ્રામજનોને આશંકા ઉભી થઈ છે.
2 દિવસ પહેલા વીજકર્મીઓ પાછળ સિંહણ દોડી હતી
ઘનશ્યામનગર વિસ્તારમાં પીજીવીસીએલ વિભાગના કર્મચારીઓ ખેતીવાડી વિસ્તારમાં કામગીરી કરતા હતા ત્યારે 2 દિવસ પહેલા સિંહણ તેમની પાછળ દોડી હુમલો કરવાનો પ્રયાસ પણ કર્યો હોવાનુ જાણવા મળી રહ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.