અમરેલીના દુધાળા ગામના ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયા દ્વારા તેમના વતનને અનોખી ભેટ આપવામાં આવી રહી છે. તેઓ ગામનાં દરેક ઘરે સોલર ફિટિંગ કરાવી રહ્યા છે, જેની કામગીરી 50% પૂર્ણતાના આરે છે. જોકે સંપૂર્ણ કામગીરી થઈ ગયા બાદ દુધાળા ભારતનું સૌપ્રથમ સોલર સિસ્ટમથી સજ્જ ગામ બનશે.
અમરેલી જિલ્લામાં આવેલા લાઠી તાલુકાના દુધાળા ગામના વતની અને સુરતના ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયા દ્વારા તેમના વતન-ગામને અનોખી ભેટ આપવામાં આવી રહી છે, જેના ભાગરૂપે તેઓ ગામનાં ઘરે ઘરે સોલર પ્લેટ ફિટ કરાવી રહ્યા છે. ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાએ ગામ માટે ખરેખર કંઈક કરી છૂટવાની ભાવનાનાં દર્શન કરાવ્યા છે. તેઓ પોતાના સ્વખર્ચે ગામમાં સોલર સિસ્ટમ લગાવી રહ્યા છે, જેનાથી ગામ આખાને ખૂબ મોટો ફાયદો થશે.
ગામમાં 50% ઉપરાંત સોલર ફિટિંગ થઈ ગયાં
ભારત દેશમાં દુધાળા સોલર સિસ્ટમ ધરાવતું આવું ગામ પ્રથમ બનશે. આ ભેટ મળતાં સમસ્ત દુધાળા ગામ ખુશખુશાલ બન્યું છે. ગામમાં દર મહિને જે બિલ આવતું હતું એનાથી આખા ગામને મોટી રાહત થશે. હાલમાં ગામમાં 50% ઉપરાંત સોલર ફિટિંગ થઇ ગયાં છે. જ્યારે દુધાળા ગામમાં 310 જેટલાં મકાનો આવેલાં છે, જે તમામ મકાનોમાં આ સોલર સુવિધા આપવામાં આવશે. હાલમાં છેલ્લા કેટલાક દિવસોથી આ કામગીરી કરાઇ રહી છે.
ધોળકિયા પરિવારને આ ભેટ આપવાનો કેવી રીતે વિચાર આવ્યો?
થોડા સમય પહેલાં ગોવિંદભાઈ ધોળકિયાને લિવર ટ્રાન્સપ્લાન્ટ ઓપરેશન કરાર્યું અને એક નવી જિંદગી મળી હતી. ત્યારે સાજા થયા બાદ વતન માટે કંઈક ભેટ આપવાનું નક્કી કરાયું હતું. એમાં તેમના પરિવાર દ્વારા એવું નક્કી કરાયું હતું કે આખા ગામને સોલર સિસ્ટમથી સજ્જ કરવું, જેથી ગામના લોકોને વીજળી બિલથી મોટી રાહત મળી શકે. એને કારણે ગામમાં સોલર પ્લેટના ફિટિંગની કામગીરી ચાલી રહી છે. હાલ 50% આસપાસ સોલર પ્લેટ નાખવામાં આવી છે, આગામી દિવસોમાં આખું ગામ ભારતનું સૌપ્રથમ સોલર સિસ્ટમથી સજ્જ ગામ બનશે.
સોલર સિસ્ટમ વિનામૂલ્યે ફિટ કરાઇ
ગામના રિદ્ધિ રાદડિયાએ જણાવ્યું હતું કે અમારા ગામમાં ગોવિંદકાકા દ્વારા સોલર ફિટિંગ કરાવ્યા બાદ ખૂબ ફાયદો થયો છે, જેમ કે લાઈટ બિલ આવતું હતું, જે આવતા મહિનેથી બંધ થશે, આ સોલર સિસ્ટમ વિનામૂલ્યે ફિટ કરાઇ રહી છે, જેનો અમને 25 વર્ષ સુધી ફાયદો મળવાનો છે.
ગોવિંદભાઇ ધોળકિયાના ભત્રીજા ઈશ્વરભાઈ ધોળકિયાએ જણાવ્યું હતું કે અમારા ધોળકિયા પરિવારે પ્લાન કર્યો હતો, જેથી અમે સુરતથી આજે વતન દુધાળા આવ્યા હતા. ગામ આખું ખુશ થઈ ગયું છે, આવતા દોઢ માસમાં આ કામગીરી પૂર્ણ થશે. હાલ કામગીરી ચાલી રહી છે, ગામનાં બાળકોથી લઈ વૃદ્ધ સુધીના લોકો ખુશ જોવા મળ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.